International

અખાતમાં શાંતિ જળવાયા પછી પ્રથમ કતારી વાહને સઉદી અરબની જમીનમાં પ્રવેશી સીમા પાર કરી

 

(એજન્સી) રોઈટર, તા.૧૧
સઉદી અરબ અને કતાર વચ્ચે સંબંધો સામાન્ય બન્યા પછી પહેલી વખત કતારના વાહને સઉદી અરબના જમીની બોર્ડરને પાર કરી હતી. ૨૦૧૭ના મધ્યથી બંને દેશોએ પોતાના રાજકીય અને આવાગમનના સંબંધો કાપી નાંખ્યા હતા. અબુ સમરા-સલવાથી પસાર થતાં વાહનના ડ્રાયવરે કહ્યું કે, ખૂબ જ સારૂં થયું કે બંને દેશો વચ્ચેની કટોકટીનો અંત આવ્યો છે. અમે પોતાના ભાઈઓમાં પ્રસન્નતા જોઈ રહ્યા છીએ. સઉદી અરેબિયાએ જાહેરાત કરી હતી કે, અમેરિકાના સમર્થનથી થયેલ સમજૂતીના લીધે કતાર સાથેના કડવા સંબંધોનો અંત આવ્યો છે. ૨૦૧૭ના મધ્યમાં રિયાધ, યુએઈ, બહેરીન અને ઈજિપ્તે કતાર સાથે સંબંધો કાપી નાંખ્યા હતા. એમણે કતાર ઉપર ત્રાસવાદને પ્રોત્સાહન અને નાણાં આપવાના અને અમારા દુશ્મન ઈરાન સાથે સંબંધો વધાર્યા હોવાના આક્ષેપો મૂક્યા હતા. જેનો કતારે ઈન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે, અમારી સાર્વભૌમિકતામાં હસ્તક્ષેપ કરવામાં આવી રહ્યો છે. યુએઈના અધિકારીએ કહ્યું કે, એક અઠવાડિયામાં પ્રવાસ અને વેપાર પુનઃ શરૂ થઈ શકે છે પણ રાજકીય સંબંધોની સ્થાપનામાં હજુ સમય લાગશે. કેમ કે, બંને પક્ષોએ વિશ્વાસ કેળવવો પડશે. જો કે, હજુ સુધી કતાર અને અરબ દેશો વચ્ચે વિમાની સેવા શરૂ થઈ નથી. પણ કતાર એરવેઝે પોતાની અમુક વિમાની સેવાઓ સઉદી એરસ્પેસથી રવાના કરી હતી. અબુધાબીથી દોહા વચ્ચે વિમાની સેવા ટૂંક સમયમાં શરૂ થશે.