સુરેન્દ્રનગર, તા.૧પ
હાલ કોરોના વાયરસનાં કહેરને કારણે લોકોનું પરિવહન આટકાવી દેવામાં આવ્યું છે. તંત્ર અપીલ કરે છે કે તમે થોડો સમય જ્યાં છો ત્યાં જ રહો. આવી પરિસ્થિતિમાં સુરેન્દ્રનગરનાં કૉંગ્રેસ અગ્રણીઓએ જિલ્લા વહીવટીતંત્ર પર વિરોધ દર્શાવીને અનેક આક્ષેપો લગાવ્યા છે. સુરેન્દ્રનગરનાં કૉંગ્રેસનાં અગ્રણીઓનો આક્ષેપ છે કે, અન્ય જિલ્લાના પોઝિટિવ દર્દીઓને સુરેન્દ્રનગર લાવવામાં આવે છે. આ જિલ્લામાં રાતનાં અંધારામાં બસોની બસો ભરીને લોકો આવે છે. નોંધનીય છે કે, સોમવારે વિરમગામમાંથી દર્દીને સારવાર માટે સુરેન્દ્રનગરની સિવિલ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં. તે ૬૫ વર્ષિય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાના ૬ કલાકમાં મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે આવેલી ૫૦ વર્ષિય પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. બંને ભાઇઓ ૧૫ દિવસથી બીમાર હોવાથી વિરમગામના ખાનગી દવાખાનાઓમાં સારવાર લેતા હતા. જ્યારે એક સુરેન્દ્રનગર, બીજો અમદાવાદ ખસેડાયો હતો. આ ઘટના સામે આવતા સુરેન્દ્રનગરનાં કૉંગ્રેસનાં અગ્રણીઓએ સવાલો કર્યા છે કે, વિરમગામ કે અમદાવાદમાં હૉસ્પિટલ નથી તો કોરોનાના દર્દીઓને સારવાર માટે અહીં લાવવામાં આવે છે. જ્યારે સુરેન્દ્રનગરનાં કૉંગ્રેસનાં અગ્રણીઓએ વધુમાં કહ્યં કે, ગઇકાલે ૪૦૦થી વધુ બહારના જિલ્લાના લોકો અહીં આવ્યાં હતાં. આ લોકો જે બસમાં આવ્યાં તેના ડ્રાઇવરને જ્યારે પૂછ્યું કે, આ બધાને લઇને આવ્યાં તે પહેલા કે દરમિયાન તમારા લોકોની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. તો તેણે સ્પષ્ટ ના પાડી. હવે તંત્ર એક બાજુ કહે છે કે અમે પુરેપુરી તકેદારી રાખીએ છીએ અને બીજી તરફ કોઇ તપાસ કરવામાં આવતી નથી.