(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૪
સુરતની કોર્ટમાં ચાલતાં ચેક રિટર્નના કેસમાં હાજરી આપવા માટે આવેલા અમદાવાદના ટ્રાવેલ્સ સંચાલકનું પાંચેક ઇસમોએ કારમાં અપહરણ કરી, તેમને ઢોર મારમારી રોકડા રૂપિયા ૧૩ હજાર લૂંટી લીધા હતા. ત્રણ દિવસમાં જો વધુ પાંચ લાખ રૂપિયા નહીં આપે તો તેના પુત્રને જાનથી મારી નાંખવાની પણ આરોપીઓએ ધમકી આપી હતી.પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના નવરંગપુરા વિસ્તારના મેમનગર ફાયર સ્ટેશન પાસે શીમા સોસાયટીમાં રહેતા ભરતકુમાર રાજમલભાઇ શાહ અમદાવાદમાં ટ્રાવેલ્સનો વેપાર કરે છે. ગતરોજ તેઓએ ઉમરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ આપી હતી કે તેનો પુત્ર ઋષિત સટ્ટા બેટિંગમાં પાંચ લાખ રૂપિયા હારી ગયો હતો. જેથી સુરતના બુકી રીંકેશ સુરેશભાઇ દેસાઇ (રહે. બી ૩૦૩, સીમંદર હાઇટ્સ, સ્વસ્તિક પર્ટીપ્લોટ પાસે, પાલ)અવારનવાર પુત્ર પાસે પૈસાની ઉઘરાણી કરતા હતા. જોકે પૈસા ન મળતા આખરે રિન્કેશ તેના માણસો સાથે અમદાવાદ હતો અને ભરતભાઇનું અપહરણ કરી બળજબરીથી ૧૫ લાખના ચેખો પર સહી કરાવી લીધી હતી. ત્યારબાદ તેને છોડી દઇ સુરત આવી ગયા હતા. સુરતમાં તેઓએ ચેક વટાવવાની કોશિશ કરતા ચેકો રિટર્ન થયા હતા. જેથી રિન્કેશ ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી. ગતરોજ ભરતભાઇની કોર્ટમાં તારીખ હોવાથી તેઓ સુરત આવ્યા હતા. ગતરોજ બપોરે ૧૨ઃ૪૫ વાગ્યાના અરસામાં તેઓ ડુમસ રોડ ઉફર આવેલ નવી કોર્ટ બિલ્ડીંગના મુખ્ય ગેટ પાસે ઊભા હતા ત્યારે રિન્કેશ અન્ય ચાર ઇસમો સાથે ત્યાં આવ્યો હતો અને બાઇક પર ભરતભાઇ ને જબરજસ્તીથી બેસાડી તેનું અપહરણ કર્યું હતું અને બાદમાં રિન્કેશે તેના માણસો સાથે મળી તેને ઢોર માર મારી તેના પેન્ટ ના ખિસ્સામાં મુકેલા રોકડા રૂપિયા ૧૩,૦૦૦ની લૂંટ કરી ભરતભાઇ ને મહાવીર હોસ્પિટલ પાસે મૂકી ફરાર થઇ ગયા હતા. જો કે, જતા જતા રિન્કેશ ત્રણ દિવસમાં પાંચ લાખ રૂપિયા નહીં આપે તો તેના પુત્રને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપતા આખરે ભરતભાઇએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે ગુનો નોંધી તપાસ આદરી છે.