Site icon Gujarat Today

અમદાવાદની એસ.વી.પી. હોસ્પિટલમાં દેશનું પ્રથમ પ્લાઝમા થેરાપી સ્ટડી સેન્ટર શરૂ

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૧
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસ.વી.પી. હોસ્પિટલ ખાતે દેશનું પ્રથમ પ્લાઝમા સ્ટડી સેન્ટર અને સંલગ્ન અભ્યાસ કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે. આના પરિણામે કોવિડ-૧૯ના દર્દીઓની સારવાર માટે ખૂબ અસરકારક પરિણામ મેળવી શકાશે. તેમ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશના આરોગ્ય મંત્રી સાથે ટેલિફોનિક વાત કરી એસ.વી.પી. હોસ્પિટલ ખાતે પ્લાઝમા થેરાપી સ્ટડી પ્રોટોકોલ નિયત કરવા માટે સત્વરે વ્યવસ્થા ઉભી કરવા સહકાર માંગ્યો હતો પરિણામે આ સુવિધા ઉભી થઈ છે. આ અભ્યાસનું નામ “ફેઝ-૨ ઓપન લેબલ રેન્ડમાઇઝ્‌ડ કંટ્રોલ ટ્રાયલ ટુ અસેસ ધી સેફ્ટી એન્ડ એફિકસી ઓફ કોન્વેલસન્ટ પ્લાઝમા ટુ લિમિટ ધ કોવિડ-૧૯ અસોસિએટેડ કોમ્પ્લિકેશન ઈન મોડરેટ ડિસીઝ’’ નિયત કરવામાં આવ્યું છે. વિજય નહેરાના જણાવ્યા મુજબ એસ.વી.પી. હોસ્પિટલ ખાતે એક દર્દી દ્વારા પ્લાઝમા ડોનેશન કરવામાં આવ્યું છે. જે તેના રેસિપિઅન્ટને આપવામાં આવ્યું છે. આ પ્રક્રિયા એક-બે દર્દી પૂરતી સીમિત ન રહેતા મહત્તમ દર્દીઓ પર કરવામાં આવશે. પ્લાઝમા થેરાપી રિસર્ચ માટે આઇ.સી.એમ.આર.નો સંપર્ક કરવામાં આવ્યો હતો અને બંન્ને વચ્ચે એમ.ઓ.યુ થયું છે. પ્રથમ દર્દીને પ્લાઝમા ટ્રાન્સફ્યુઝન પૂરૂં કરવામાં આવ્યું છે અને તે સ્ટેબલ છે બીજા દર્દીને મંગળવારે પ્લાઝમા ટ્રાન્સફ્યુઝન કરવામાં આવશે. આ માટે પ્લાઝમા ડોનર તૈયાર થયા છે અને તેઓના ટેસ્ટ ચાલું છે. પ્લાઝમા થેરાપીના તબક્કા જણાવતાં નેહરાએ જણાવ્યું કે, આ પ્રક્રિયામાં સૌપ્રથમ પ્લાઝમાં દાતાની ઓળખ કરવામાં આવે છે, ત્યારબાદ તેમની લેખિત સંમતિ લીધા બાદ સંખ્યાબંધ ટેસ્ટ કર્યા બાદ પ્લાઝમાં રક્તના પ્રાપ્તિકર્તા રેસિપિઅન્ટ નક્કી કરવામાં આવે છે. આ સ્ટડી-સેન્ટર દેશનું પ્રથમ અભ્યાસ કેન્દ્ર બનશે આ અભ્યાસ કેન્દ્ર ખાતે કંટ્રોલ ટ્રાયલ પદ્ધતિ થકી કોરોના દર્દીઓનો ઉપચાર સાથે પ્લાઝમાં થેરાપી વિશે સંશોધન કરવામાં આવશે.

Exit mobile version