Ahmedabad

અમદાવાદ ખાતે આવતીકાલે પ્રગતિશીલ લેખક સંઘનું અધિવેશન અને બહુભાષી પરિસંવાદ યોજાશે

અમદાવાદ, તા. ૨
અમદાવાદ ખાતે જ ૪થી ઓગસ્ટ રવિવારે પ્રગતિશીલ લેખક સંઘ, ગુજરાત રાજ્ય સમિતિનું ૧૭મું રાજ્ય અધિવેશન અને બહુભાષી પરિસંવાદ યોજાશે. પ્રગતિશીલ લેખક સંઘના રાજ્ય મહામંત્રી રામસાગરસિંહ પરિહાર અને પ્રમુખ મંડળના સભ્ય મનિષિ જાની અખબારી યાદીમાં જણાવે છે કે – ઉર્દૂ-હિન્દીના ખ્યાતનામ સાહિત્યકાર મુંશી પ્રેમચંદના પ્રમુખ પદે ૧૯૩૬માં સ્થપાયેલ પ્રગતિશીલ લેખક સંઘનું ૧૭મું રાષ્ટ્રીય અધિવેશન ૧૩-૧૪-૧૫ સપ્ટેમ્બરે જયપુર ખાતે યોજાશે. તે પહેલાં દરેક રાજ્યોમાં તેના રાજ્ય અધિવેશનો યોજવામાં આવશે. તેના ભાગરૂપે પ્રગતિશીલ લેખક સંઘ, ગુજરાત રાજ્ય સમિતિનું ૧૭મું રાજ્ય અધિવેશન અને બહુભાષી પરિસંવાદ તા. ૪-૮-૧૯, રવિવારે સવારે ૧૦ વાગે દલિત કવિ નીરવ પટેલ નગર (બેંક કર્મચારી યુનિયનનો હોલ, ૨-નંદનવન કોમ્પ્લેક્સ, ટાઉનહોલ પાસે એલિસબ્રિજ), અમદાવાદ ખાતે મળશે.
આ અધિવેશનનું ઉદ્‌ઘાટન પૂર્વ પ્રો. ગુજરાત વિદ્યાપીઠ તેમજ હઝરત પીર મોહમ્મદશાહ લાયબ્રેરીના ડાયરેક્ટર પ્રો. મોહિયુદ્દીન બોમ્બેવાળા કરશે અને મુખ્ય અતિથિ તરીકે દલિતઅકાદમીના અધ્યક્ષ અને પૂર્વ આઈ.એ.એસ. પ્રવિણ ગઢવી તથા અતિથી વિશેષ તરીકે (પ્રલેસ-મધ્ય પ્રદેશના સેક્રેટરી દિનેશ ભટ્ટ ઉપસ્થિત રહેશે.
ગુજરાત પ્રલેસના પ્રમુખ મંડળના સભ્ય મનિષિ જાની – કવિ નીરવ પટેલ વિશે વાત કરશે. અધિવેશનમાં ત્રિવાર્ષિક અહેવાલ – નટુભાઈ નિમ્બાર્ક – મહામંત્રી, પ્રલેસ – ગુજરાત રજૂ કરશે. અધિવેશનમાં નવા હોદ્દેદારોની ચૂંટણી અને રાષ્ટ્રીય અધિવેશન માટેના ડેલીગેટોની ચૂંટણી કરવામાં આવશે.
બહુભાષી પરિસંવાદમાં ઉર્દુના જાણીતા લેખક જાવેદ અંસારીના વ્યક્તિત્વ અને કૃતિત્વ – વિશે કી નોટ્‌સ ઈબહામ રશીદ, પૂર્વ પ્રિન્સીપાલ ઉર્દુ કે અદીબ ઔર શાયર, ગુજરાતનું પ્રગતિશીલ સાહિત્ય આંદોલન : એક, વિહંગાવાલોકન વિશેની કી નોટ્‌સ ડો. સરૂપબહેન ધ્રુવ અને ગુજરાત કી પ્રગતિશીલ હિન્દી કહાનિયાં વિશેની કી નોટ્‌સ ડો. ઈશ્વરસિંહ ચૌહાણ રજૂ કરશે. ત્યાર પછી તેના ઉપર ખુલ્લી ચર્ચા યોજાશે. આ સમગ્ર કાર્યક્રમમાં સ્વાગત, સંચાલન અને આભાર વિધિ પ્રગતિશીલ લેખક સંઘ ગુજરાતના મહામંત્રી રામસાગરસિંહ પરિહાર કરશે.