(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૧
ગુજરાતમાં કોંગ્રેસ ગામડાઓમાં વધુ મજબૂત છે પરંતુ શહેરી વિસ્તારમાં ખૂબ જ નબળી પૂરવાર થઈ છે. આથી શહેરી વિસ્તારમાં કોંગ્રેસનો જનાધાર વધારવા અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, ગુજરાતના પ્રભારી રાજીવ સાતવની ઉપસ્થિતિમાં ચિંતન બેઠક મળી હતી. જેમાં શહેરી વિસ્તારમાં પગદંડો જમાવવા ભાર મૂકવામાં આવ્યો હતો. ગુજરાતના ગામડાઓમાં કોંગ્રેસ તરફી ઝોક વધુ હોવાનું જણાય છે. કોંગ્રેસના માનવા મુજબ ગુજરાતના મોટા શહેરોમાં કોંગ્રેસ તરફી જનાધાર ઓછો છે. આથી નવનિયુક્ત પ્રમુખે શહેરી વિસ્તારોમાં કોંગ્રેસનો વ્યાપ વધારવા ખાસ ભાર મૂક્યો હતો. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી શહેરી મતદારોને કોંગ્રેસ તરફ આકર્ષવા ખાસ એકશન પ્લાન તૈયાર કરવાની પણ ચિંતન બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ચર્ચા થયા મુજબ પ્રદેશ પ્રમુખ, વિપક્ષના નેતા જિલ્લાઓનો પ્રવાસ પૂર્ણ કરી તમામ મહાનગરોમાં પ્રવાસ કરશે અને કોંગ્રેસને શહેરી વિસ્તારમાં મજબૂત કરવા સંગઠનના માળખામાં યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપશે. કોંગ્રેસમાં નવા સભ્યોની નિમણૂક કરવા સાથે આંતરિક રીતે મજબૂત કરવાના પ્રયાસો પણ હાથ ધરાશે. ૩૧ મે સુધીમાં સંગઠનમાં નવી નિમણૂકોની શક્યતા છે. ચિંતન બેઠકમાં નક્કી થયા મુજબ ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં બબ્બે શહેર પ્રમુખો નિમવામાં આવશે. આ ચારે શહેરોમાં નિમવામાં આવનાર બંને શહેર પ્રમુખોને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવશે. ઉપરાંત ૮ મહાનગરોમાં આંદોલનાત્મક કાર્યક્રમો પણ આપવામાં આવશે. જેમાં શાળાઓની ફી વધારાનો મુદ્દો, શિક્ષણ આરોગ્ય, ટ્રાફિક સમસ્યા, પ્રદૂષણ જેવા અનેક મુદ્દા સમાવી લેવાશે.