Site icon Gujarat Today

અમારા મતદારો રજા પર છે; હરિયાણાની સ્થાનિક એકમની ચૂંટણીમાં દયનીય પ્રદર્શન અંગે ભાજપની પ્રતિક્રિયા

 

(એજન્સી) તા.૩૧
હરિયાણામાં પાંચમાંથી ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશન ગુમાવનારા ભાજપ તરફથી હવે સફાઈ આપવામાં આવી રહી છે. ભાજપ અને તેના સહયોગી પક્ષ જનતા જનનાયક પાર્ટીએ સોનીપત અને અંબાલામાં બુધવારે મેયરની રેસમાં પરાજયનો સ્વાદ ચાખ્યો હતો.
જે ત્રણ બેઠક ગુમાવી છે તેમાંથી હિસારની ઉકાલના અને રેવારીની ધારૂહેરા ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાના ગઢ સમાન છે. હરિયાણા ભાજપના પ્રવક્તા સંજય શર્માએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ૨૫,૨૬ અને ૨૭ ડિસેમ્બરે રજાઓ હતી.
તેમણે કહ્યું કે તમે બધા જાણો જ છો કે આ વર્ષનો અંત છે અને રજાઓની ભરમાર છે. લોકો મોટા મોટા પ્રવાસ પર ફરવા નીકળી ગયા છે. દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે જે લોકો ફરવા ગયા છે તેમાંથી મોટાભાગના લોકો ભાજપની વોટબેન્ક છે.
ઉલ્લેખનીય છે કે ભાજપ અને જેજેપીએ સાથે મળીને હરિયાણામાં સત્તામાં બિરાજમાન થયાને એક જ વર્ષ થયું છે ત્યાં આ પરાજયનો સ્વાદ તેમના માટે કડવો બની રહ્યો છે. છેલ્લે મહિનાથી પણ વધુ સમયથી દિલ્હી સરહદે કરવામાં આવી રહેલા ત્રણેય કૃષિ કાયદા વિરોધી દેખાવોને લીધે પણ ભાજપની હાલત કથળી છે.
કેન્દ્રમાં પણ ભાજપની જ છે સરકાર છે અને ખેડૂતો દ્વારા આખા રાજ્યમાં દેખાવો કરવામાં આવી રહ્યા છે. અંબાલામાં ખેડૂતોએ આ દરમિયાન ભાજપના પરાજયની ઉજવણી કરી હતી અને તેઓએ મીઠાઈઓ પણ વહેંચી હતી. આ દરમિયાન ગીતો વગાડીને નૃત્ય પણ કરવામાં આવ્યું હતું.

Exit mobile version