National

અમારા શબ્દકોશમાં ‘શહીદ’ કે ‘માર્ટિર’ જેવા શબ્દો નથી : કેન્દ્ર સરકાર

નવી દિલ્હી, તા. ૧૫
સંરક્ષણ અને ગૃહમંત્રાલયે કેન્દ્રીય માહિતી પંચને જાણકારી આપતા કહ્યું છે કે, સેના અથવા પોલીસના શબ્દકોશમાં શહીદી અથવા શહીદ જેવો કોઇ શબ્દ છે જ નહીં અને તેના સ્થાને કાર્યવાહી દરમિયાન મોતને પામેલા સૈનિક અથવા પોલીસકર્મી માટે ક્રમશઃ ‘બેટલ કેઝ્‌યુઅલ્ટી’ અથવા ‘ઓપરેશન કેઝ્‌યુઅલ્ટી’નો ઉપયોગ કરવામાં આવે છે. આ મુદ્દો ત્યારે સામે આવ્યો જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રાલય સમક્ષ માહિતી અને અધિકાર(આરટીઆઇ) અંતર્ગત એક અરજી આવી હતી જેમાં જાણકારી માગવામાં આવી હતી કે, કાયદા અને બંધારણ અનુસાર ‘શહીદ(માર્ટીર) શબ્દના અર્થની વ્યાપક પરિભાષા શું છે ? આરટીઆઇ અરજીમાં તેના બેફામ ઉપયોગ પર લગામ લગાવવા માટે કાનુનીજોગવાઇઓ તથા ઉલ્લંઘન પર સજાની માગ કરાઇ હતી. આ અરજી ગૃહ તથા સુરક્ષા મંત્રાલયોના વિવિધ અધિકારીઓ સમક્ષ સ્થાનાંતરિત થઇ પરંતુ જ્યારે અરજકર્તાને સંતોષજનક પ્રતિક્રિયા ન મળતા તેણે સીઆઇસીનો સંપર્ક કર્યો હતો જે માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત સર્વોચ્ચ અપીલને પાત્ર છે. માહિતી કમિશનર યશોવર્ધન આઝાદે કહ્યું કે, સંરક્ષણ અને ગૃહમંત્રાલયના પ્રતિવાદી આ દરમિયાન મોજુદ હતા અને તેમને સંભળાવવામાં આવ્યું હતું. આઝાદે કહ્યું કે, સંરક્ષણ મંત્રાલય તરફથી હાજર રહેલા અધિકારીએ જણાવ્યું હતું કે, તેમના મંત્રાલયમાં શહીદ અથવા માર્ટીર શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેના સ્થાને બેટલ કેઝ્‌યુઅલ્ટી અને ઓપરેશન્સ કેઝ્‌યુઅલ્ટી શબ્દોનો ઉપયોગ કરાય છે. મંત્રાલયો દ્વારા આપવામાં આવેલા જવાબો પર તેમણે કહ્યં કે, બેટલ કેઝ્‌યુઅલ્ટી અને ઓપરેશન્સ કેઝ્‌યુઅલ્ટીના કેસમાં જાહેર કરવાનો નિર્ણય, બંને મામલામાં કોર્ટ ઓફ ઇન્કવાયરીનો રિપોર્ટ આવ્યા બાદ જ લેવામાં આવે છે.