કેટલાકે અમેરિકી સંસદ પર કરાયેલા હુમલા અને બાબરી મસ્જિદ પર ૧૯૯રમાં કરાયેલા હુમલા વચ્ચે સરખામણી પણ કરી.
(એજન્સી) તા.૭
રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં હારી ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ બુધવારે અમેરિકાના કેપિટલમાં ભારે ઉત્પાત મચાવ્યો હતો. આ દરમિયાન આ મામલે ભારતીય ટિ્વટર પર ટિ્વરાતીઓએ આકરો રોષ પ્રગટ કર્યો હતો. અમેરિકી કેપિટલ અંગે અનેક ટિ્વટ કરવામાં આવી હતી જે ટ્રેન્ડમાં રહી હતી.
આ રોષે ભરાયેલા ટ્રમ્પ સમર્થકો દ્વારા કરવામાં આવેલી હિંસા સ્પષ્ટ રીતે દર્શાવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ શાંતિપૂર્ણ રીતે સત્તા જો બાઈડેનને સોંપવા માગતા નથી. તેઓ ઈચ્છે છે કે અમેરિકી સાંસદો પણ આ મામલે દખલ કરે અને જો બાઈડેનની ચૂંટણીને પડકારે. જોકે કાયદાનું અમલ કરતી એજન્સીઓ દ્વારા કેપિટલ બિલ્ડિંગને ખાલી કરાવાયા બાદ કોંગ્રેસની કાર્યવાહી ફરી શરૂ થઇ હતી. ખુદ વડાપ્રધાન મોદીએ આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી અને ટિ્વટ કરી હતી કે અમેરિકી કેપિટલમાં હિંસાના સમાચાર સાંભળ્યા. ખરેખર આશ્ચર્યચકિત છું. આવા ગેરકાયદે દેખાવો લોકશાહી માટે અશોભનિય છે. જોકે મોદીની આ ટિ્વટ પર અનેક લોકોએ મોદીને જ ટ્રોલ કરવાની શરૂઆત કરતા ટિ્વટ કરી હતી કે તમે પોતે જ અનેક પ્રસંગોએ ટ્રમ્પને સમર્થન આપી ચૂક્યા છો.
ટિ્વટરાતીઓએ વધુમાં કહ્યું કે આ દેખાવો દરમિયાન એક વ્યક્તિના હાથમાં ત્રિરંગો પણ જોવા મળ્યો હતો. તે પણ કેપિટલ બિલ્ડિંગ પર આતંકી હુમલાની ઘટનામાં સામેલ હતો. એલેજાન્દ્રો અલ્વરેજ નામના પત્રકારે આ ઘટનાનો વીડિયો ટિ્વટર પર શેર પણ કર્યો હતો.
આ જ વીડિયો ફરી રીટિ્વટ કરતાં વરૂણ ગાંધીએ અનેક સવાલો ઊઠાવ્યા હતા. પીલિભીતથી ભાજપના સાંસદે સવાલ કર્યો કે આ દેખાવોમાં ભારતનો રાષ્ટ્રધ્વજ કેમ ? આ એવી લડાઇ છે જેમાં આપણે સામેલ થવાની જરૂર નથી. કેટલાક લોકોએ આ દેખાવોની તુલના ૧૯૯૨માં બાબરી મસ્જિદ શહીદ કરવાની ઘટના સાથે કરી હતી. તેમાં પણ આ જ રીતે કારસેવકો મસ્જિદ પર ચઢી ગયા હતા અને તેને શહીદ કરી હતી. મહત્વપૂર્ણ છે કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડેન સામે હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, ટ્રમ્પ સતત ચૂંટણીમાં ગડબડનો દાવો કરતા રહ્યા છે.