(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૭
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોને સાંભળવા અમદાવાદથી સુરત આવી પહોંચેલા કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ડો.તુષાર ચૌધરીએ ઉમેદવારાનો સેન્સ લીધા હતા.
જોકે મોટાભાગના ઉમેદવારો વિસ્તાર અને જ્ઞાતિવાઈસ પેનલ બનાવીને આવ્યા હોવાથી પ્રભારીઓ ગુંચવાયા છે. સુરત કોંગ્રેસમાં નેતાઓ વધુ અને કાર્યકર્તા ઓછા છે તે વાત આજે ફરીથી સાબિત થઈ ગઈ છે. સુરતના ૩૦ પૈકી વોર્ડ નં.૧૨માંથી પૂર્વ કાઉન્સિલર નઈમબાવા રિફાઈના પુત્ર નદીમબાવાની તરફેણમાં ૧૪ ઉમેદવારોએ સમર્થન જાહેર કર્યું હતું. આ વોર્ડમાં એડવોકેટ નશીમ કાદરી, અર્શિત જરીવાલા અને પૂર્વ પ્રદેશ મંત્રી ફિરોઝ મલેક ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવે છે. આ વોર્ડમાં ખરા અર્થમાં જોવા જઈએ તો લોકોની વચ્ચે રહીને કામ કરતા ઐયુબ પટેલને ટિકિટ ફાળવવામાં આવે એવી સામાન્યજનની માંગ છે. સુરત કોંગ્રેસના સર્વેસર્વા એવા કદીર પીરઝાદા જુથના નઈમબાવાએ પુત્ર નદીમને લડાવવા માટે ચક્રવ્યૂહ બનાવ્યો છે પરંતુ સામાપક્ષે નશીમ કાદરી સહિતના ત્રણેય દાવેદારો પણ પ્રદેશ સુધી સારી પેઠ ધરાવતા હોવાથી મુકાબલો રસપ્રદ રહેશે.
આ સિવાય સુરતના વોર્ડ નં. ૦૧, ૦૮, ૦૯, ૧૨, ૧૩, ૧૮, ૧૯, ૨૦, ૨૮ અને ૩૦ નંબરનો વોર્ડ કોંગ્રેસ માટે થોડો હકારાત્મક હોવાથી સારી પેનલ આપવામાં આવે તો ભારે રસાકસી જામી શકે છે. આ સિવાય કોંગ્રેસના કમિટેડ વોટર્સ વોર્ડ નં. ૦૧, ૧૪, ૨૦ અને કતારગામ રામપુરા વોર્ડમાં પણ હોવાથી આ વોર્ડમાં સારા ઉમેદવાર શોધીને કોંગ્રેસ મેદાનમાં રહી શકે છે.
આ સિવાય પાટીદારોના પ્રભુત્વ વાળા વોર્ડમાં ગત ટર્મમાં કોંગ્રેસના ૨૪ કાઉન્સિલર ચૂંટાયા હતા પરંતુ આ વખતે મતદારોનો મૂડ કેવો રહેશે તે કળવું અત્યંત મુશ્કેલ છે. એ વિસ્તારમાં ધારાસભ્ય વિરજી ઠુમ્મર અને સોનલ પટેલે મોરચો સંભાળ્યો છે.
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ગુજરાત ટુડે સાથે વાતચીત કરતા જણાવ્યું કે, આ વખતની પાલિકાની ચૂંટણી દરવખત કરતાં જુદી છે. દાવેદારોની સંખ્યાને જોતાં કોંગ્રેસમાં નવો જોશ જોવા મળી રહ્યો છે. નેતાઓ અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે એટલે કોંગ્રેસ માટે વાતાવરણ સારૂ છે. ચોક્કસ સ્ટ્રેટેજી સાથે અમે મેદાનમાં ઉતરીશું અને ભાજપને ચોક્કસથી પરાજિત કરીશું એવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
પૂર્વ કેન્દ્રીય પ્રધાન તુષાર ચૌધરીએ જણાવ્યું કે લોકો ભાજપના ભ્રષ્ટાચારથી થાકી ગયા છે. દરેક સરકારી કચેરીમાં વ્યવહાર વિના ફાઈલ આગળ નથી વધતી. નાના નાના સરકારી કામમાં પણ અન્ડર ટેબલ રૂપિયા આપવાની પ્રથાને કારણે લોકો પરેશાન થઈ ઉઠ્યા છે એટલે લોકો ભાજપની વિરૂદ્ધમાં મતદાન કરશે એવો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો.