(એજન્સી) તા.૩૦
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસ દલિતો, આદિવાસીઓ અને ઓબીસીના માર્ગમાં ઉભી રહેલી દિવાલને મજબૂત કરી રહ્યા છે, તેમ છતાં તેમણે સ્વીકાર્યું હતું કે યુપીએએ તે દિવાલને નબળી બનાવવા માટે પગલાં લીધાં હતાં, પરંતુ તે પગલાં પૂરતા ન હતા. સંવિધાન રક્ષક અભિયાન’ને સંબોધતા, ગાંધીએ સંસદમાં બંધારણ દિવસ પર યોજાયેલા કાર્યક્રમનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તે તેમની ગેરંટી છે કે ‘મોદીએ બંધારણ વાંચ્યું નથી’. ગાંધીએ ભારતના બંધારણની નકલ દર્શાવતા કહ્યું, ‘જો પીએમ મોદીએ આ પુસ્તક વાંચ્યું હોત તો તેઓ દરરોજ જે કરે છે, તે ન કરતા,’ ગાંધીએ કહ્યું કે દેશની આખી વ્યવસ્થા દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગના લોકો વિરૂદ્ધ છે. તેમણે કહ્યું કે એક દિવાલ દલિતો, આદિવાસીઓ અને ઓબીસીના માર્ગમાં અવરોધ ઉભી કરે છે અને મોદી અને આરએસએસ ‘તેમાં સિમેન્ટ ઉમેરીને’ દિવાલને મજબૂત કરી રહ્યા છે. ગાંધીએ કહ્યું,“ધીમે ધીમે દિવાલ (SC, ST, OBCના માર્ગમાં અવરોધરૂપ) મજબૂત થઈ રહી છે. અગાઉ, યુપીએ સરકારે મનરેગા, જમીન સંપાદન અધિનિયમ, અને ખોરાકનો અધિકાર આપ્યો હતોપતે દિવાલને નબળી બનાવવાના માર્ગો હતા. આજે, જ્યારે હું પાછું વળીને જોઉં છું, ત્યારે હું કહી શકું છું કે યુપીએ સરકારે દિવાલને એટલી હદે નબળી કરી નથી, જેટલી હોવી જોઈએ’. કોંગ્રેસના પૂર્વ પ્રમુખે કહ્યું, ‘જો કે, અમે તે દિવાલને નબળી બનાવવાના પ્રયાસો કરતા હતા પરંતુ તેઓ (ભાજપ) કોંક્રિટ ઉમેરીને તે દિવાલને મજબૂત કરી રહ્યા છે,’. ગાંધીએ કહ્યું કે તેલંગાણામાં જાતિ સર્વેક્ષણ એ એક ઐતિહાસિક પગલું છે અને કોંગ્રેસ જ્યાં પણ સત્તામાં આવશે ત્યાં તે આવું જ કરશે.