YSR કોંગ્રેસ સરકારે અમરાવતી કેપિટલ રિજીયનમાં જમીન ખરીદનાર પિટિશનર અને PDP શાસન દરમિયાન ટોચના સરકારી અધિકારીઓ વચ્ચેની સાઝીશમાં તપાસ કરવા એક કેબિનેટ પેટા સમિતિની રચના કરી હતી
(એજન્સી) તા.૨૧
આંધ્રપ્રદેશ હાઇ કોર્ટે મુખ્ય પ્રધાન વાય એસ જગનમોહન રેડ્ડીની સરકારને મોટો ફટકો આપતા અમરાવતી જમીન સોદાઓમાં ઇનસાઇડર ટ્રેડિંગના એક ક્રિમિનલ કેસની કાર્યવાહીને ફગાવી દીધી હતી. કેટલીક ખાનગી વ્યક્તિઓ વિરૂદ્ધ સીઆઇડી દ્વારા પાટનગર જમીન સોદામાં ઇનસાઇડર ટ્રેડિંગમાં એક ક્રિમિનલ કેસની કાર્યવાહી શરૂ કરી હતી જે આંધ્રપ્રદેશ હાઇકોર્ટે રદબાતલ ઠરાવી હતી.
હાઇ કોર્ટે જણાવ્યું હતું કે સમગ્ર મામલામાં કેટલીય કાનૂની ખામીઓ રહેલી છે અને ફરિયાદી પક્ષના કેસને મૂળમાંથી જ કાપી નાખે છે.ન્યાયમૂર્તિ ચીકટી માનવેન્દ્રનાથ રોયની સિંગલ જજની બેંચે સુનાવણી કરતાં જણાવ્યું હતું કે વાસ્તવમાં આ અદાલતની સમજથી પર છે કે કઇ રીતે ઉક્ત પ્રાઇવેટ વેચાણ ટ્રાન્ઝેક્શનને નજીવા કારણોના આધારે ક્રિમીનલ બનાવી શકાય છે અને જમીનના ખરીદનારાઓને અપરાધી બતાવીને કાર્યવાહી કરી શકાય છે. આ ચુકાદાના દુરોગામી પરિણામ આવવાનું અનુમાન છે કારણકે રાજ્ય સરકાર આ પ્રકારના આરોપના આધારે અન્ય કેટલાક કેસોમાં કાર્યવાહી કરી રહી છે જેમાં કેટલાક મોટા માથાઓ પણ શામેલ છે.
ન્યાયમૂર્તિએ ઇનસાઇડર ટ્રેડિંગના એ સિદ્ધાંતને મૂળથી જ ફગાવી દીધો જેનો વાયએઆસઆર કોગ્રેસ વિપક્ષમાં રહીને ૨૦૧૬થી જ અમરાવતી પાટનગર રિજીયનમાં જમીનના સોદાને લઇને પ્રચાર કરતી રહી છે. વાયએસઆર કોંગ્રેસે પૂર્વ મુખ્ય પ્રધાન એન ચંદ્રાબાબુ નાયડુ, તેમના પરિવારજનો અને તેલુગુદેશમ પાર્ટીના કેટલાક નેતાઓ પર ઇનસાઇડર ટ્રેડિંગમાં સંડોવણી હોવાનો આરોપ મૂંક્યો છે.
આ કેસમાં પ્રતિવાદી રહેલ રાજ્ય સરકારે એવો આક્ષેપ કર્યો હતો કે જમીન ખરીદનાર પિટિશનર અને એ વખતે સરકારમાં કામ કરતાં ટોચના સરકારી અધિકારીઓ અને રાજકીય નેતાઓ વચ્ચે પાટનગરના સ્થળ સબંધીત માહિતી અનધિકૃત રીતે જાહેર કરવાના સંદર્ભમાં સાઝીશ રચાઇ હતી.
આ દૃષ્ટિએ જોઇએ તો અરજદારોને ઉક્ત વિસ્તારમાં પાટનગરના સ્થળ અંગેે કોઇ માહિતી ખરેખર મળી હોય તો પણ ઉક્ત જમીન ખરીદવાના સમયે વેચાણ કરનારને ઉક્ત માહિતી નહીં જાહેર કરવાની બાબતને આઇપીસીની કલમ-૪૨૦ હેઠળ ગુના માટે પિટિશનરોની ગુનાહિત જવાબદારીના હેતુ માટે હકીકત અપ્રમાણિક રીતે છૂપાવી છે એવું ગણી શકાય નહીં એવું ન્યાયમૂર્તિ રોયે નોંધ્યું હતું. વાયએસઆર કોંગ્રેસ સરકારે અમરાવતી કેપિટલ રીજીયનમાં જમીન ખરીદનાર પિટિશનર અને પીડીપી શાસન દરમિયાન ટોચના સરકારી અધિકારીઓ વચ્ચેની સાઝીશમાં તપાસ કરવા એક કેબિનેટ પેટા સમિતિની રચના કરી હતી.