AhmedabadGujarat

આગામી મંત્રીમંડળની બેઠકમાં ‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ’ ઓર્ડિનન્સ માટે પ્રસ્તાવ રજૂ કરાશે, ગુંડાગર્દી છોડો, નહીં તો ગુજરાત છોડવું પડશે

આ વટહુકમ હેઠળ કોઈપણ ગુનો નોંધતા પહેલાં સંબંધિત રેન્જ આઈજી અથવા પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી ફરજિયાત લેવી પડશે

હિંસા, ધાકધમકી, નિર્દોષ નાગરિકોનું બળજબરીથી શોષણ, જમીન કૌભાંડીઓ, દારૂનો વેપાર, જુગાર, ગાયોની કતલ, નશાનો વેપાર, અનૈતિક વેપાર, માનવ વેપાર, બનાવટી દવાનું વેચાણ, વ્યાજખોરી, અપહરણ, ગેરકાયદે કૃત્યો આચરવા કે ગેરકાયદેસર હથિયારો રાખવા જેવી બદીઓને નશ્યત કરવા કડક કાયદાકીય જોગવાઈઓ કરાશે

(સંવાદદાતા દ્વારા)    અમદાવાદ, તા.૧
રાજ્યમાં વધતી જતી ગુનાખોરીને ડામવા રાજ્ય સરકાર દ્વારા ગુંડા વિરોધી કડક કાયદા માટે ‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ’ માટે આગામી મંત્રીમંડળની બેઠકમાં ઓર્ડિનન્સ માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. જેમાં હિંસા, ધાકધમકી, બળજબરીથી નિર્દોષ નાગરિકોનું શોષણ કરનારા ગુંડા તત્ત્વો, દારૂ, જુગાર, ગાયોની કતલ, નશાનો વેપાર, અનૈતિક વેપાર, માનવ વેપાર, બનાવટી દવાનું વેચાણ, વ્યાજખોરી, અપહરણ, ગેરકાયદે કૃત્યો આચરવા કે, ગેરકાયદે હથિયારો રાખવા જેવી બદીઓને ડામવા કડક કાયદાકીય જોગવાઈઓ કરાશે. જે અંતર્ગત ૧૦ વર્ષ સુધીની સખ્ત કેદ અને પ૦ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે.
રાજ્યમાં જાહેર શાંતિ, સલામતી અને અવિરત વિકાસમાં રૂકાવટ ઊભી કરનારા ગુંડા તત્ત્વોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, આવનારા દિવસોમાં આવા તત્ત્વોએ ગુંડાગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે.
‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ’ ઓર્ડિનન્સનો અમલ કરાવીને રાજ્યમાં જે ગુંડા તત્ત્વો નિર્દોષ નાગરિકોને રંજાડે છે તેવા માથાભારે લોકો સામે પણ કાનૂની સકંજો કસી ગુજરાતને અપરાધમુક્ત, સલામત-સુરક્ષિત અને સમૃદ્ધ બનાવી ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જવા સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
રાજ્યમાં દારૂનો વેપાર, જુગાર, ગાયોની કતલ, નશાનો વેપાર, અનૈતિક વેપાર, માનવ વેપાર, બાળકોની જાતિય સતામણી, બનાવટી દવાનું વેચાણ, લોન શાર્ક (વ્યાજખોર), જમીન છીનવી લેવી, અપહરણ, ગેરકાયદે કૃત્યો, ગેરકાયદેસરના હથિયારો વગેરે જેવી અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા ગુંડા તત્ત્વો સામે કડક કાયદાકીય જોગવાઈ ઊભી કરવાના હેતુથી નવા અલગ કાયદાની આ દરખાસ્ત કરવામાં આવી છે.
ગુંડા તત્ત્વોની વ્યાખ્યામાં વ્યક્તિગત અથવા જૂથમાં હિંસાની ધમકી આપવી, ધાકધમકી આપવી અથવા અન્ય રીતે જાહેર વ્યવસ્થાને નુકશાન પહોંચાડવાના ઉદ્દેશથી કામ કરતી અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી વ્યક્તિઓનો સમાવેશ પણ આ કાયદા અંતર્ગત સજા પાત્રતામાં કરવામાં આવ્યો છે.
કોઈ ગુંડા તત્ત્વ અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોય કે તેવી પ્રવૃત્તિ કરવાની તૈયારી કરતા હોય અથવા રાજ્યમાં શાંતિની જાળવણીમાં બાધક બને ત્યારે તેને સાત વર્ષથી ઓછી નહીં અને દસ વર્ષ સુધીની કેદની અને પચાસ હજાર રૂપિયાથી ઓછો નહીં તેટલા દંડની શિક્ષાની જોગવાઈ પણ આ નવા કાયદામાં સુનિશ્ચિત કરી છે.
એટલું જ નહીં, રાજ્યસેવક/સરકારી કર્મચારી હોય તેવી કોઈ વ્યક્તિ આવા ગુંડા તત્ત્વોને ગુનો કરવા પ્રેરિત કરે કે મદદ કરે અથવા ગેરકાયદેસર રીતે કોઈ મદદ કરે કે સાથ આપે તો તેને ત્રણ વર્ષથી ઓછી નહીં પરંતુ દસ વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે.
આ અધિનિયમના નિયમોનું ઉલ્લંઘન કરીને ગુંડા તત્ત્વો દ્વારા કરવામાં આવેલા કોઈપણ કાર્ય માટે દસ હજાર સુધી દંડ સહિત અથવા દંડ વિના છ મહિના સુધીની મુદ્દતની કેદની સજાની જોગવાઈ પણ વટહુકમમાં મુખ્યમંત્રીએ કરી છે.
આ વટહુકમ હેઠળ કોઈ પણ ગુનો નોંધતા પહેલાં સંબંધિત રેન્જ આઈ.જી. અથવા પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી સિવાય આવો ગુનો નોંધી શકાશે નહીં તેવી જોગવાઈ પણ કરવામાં આવી છે. આ વટહુકમને વધુ વ્યાપક બનાવવા કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો પણ આવરી લેવાશે.
રાજ્યમાં નશાબંધી ધારો, કેફી ઔષધ ધારાની જોગવાઈનો ભંગ કરી દારૂ, માદક દ્રવ્યો, જોખમી ઔષધોનું સેવન કરવું, ઉત્પાદન કરવું, હેરાફેરી કરવી અથવા આયાત નિકાસ કરવા જેવી બાબતોનો પણ સજા પાત્રતામાં સમાવેશ થાય છે. કાયદાની જોગવાઈથી વિપરીત રીતે સ્થાવર મિલકતોનો કબજો લેવો, તેમાં મદદ કરવી, માલિકી હકના ખોટા દાવા ઊભા કરવા કે તે સંદર્ભમા બનાવટી દસ્તાવેજો ઊભા કરવા જેવી બાબતોને પણ આ કાયદામાં સજાપાત્ર બાબત તરીકે આવરી લેવાઈ છે.
આ ઉપરાંત મહિલાઓના અનૈતિક વ્યાપાર સંદર્ભના ગુનાઓ, બાળ રક્ષણ અધિનિયમ હેઠળના ગુનાઓ, જુગાર પ્રતિબંધ હેઠળના ગુનાઓ, સામુદાયિક સંવાદિતાને ખલેલ પહોંચાડવી તે માટે હિંસાનો આશ્રય લેવો, પ્રજામાં ગભરાટ ફેલાવવો કે આતંક ફેલાવવો ખંડણીના ઈરાદાથી વ્યક્તિનું અપહરણ કરવું, નાણાં ધિરધાર અધિનિયમ હેઠળ મુદ્દલ કે વ્યાજની વસૂલાત માટે કોઈ પણ વ્યક્તિની સ્થાવર કે જંગમ મિલકત લઈ લેવા શારીરિક હિંસા કરવી કે ધમકી આપવી, ગેરકાયદેસર રીતે પશુધનની હેરફેર કરવી, શસ્ત્ર અધિનિયમનો ભંગ કરી શસ્ત્ર અને દારૂગોળાના ઉત્પાદન વેચાણ અને હેરફેરમાં સંડોવણી જેવા કિસ્સાઓમાં આ ગુંડા ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નિર્દોષ ઈમાનદાર નાગરિકોને ગુંડા તત્ત્વોથી રક્ષણ આપવા ખાસ જોગવાઈ કરાશે

આ વટહુકમમાં નિર્દોષ ઇમાનદાર નાગરિકોને આવા ગુંડા તત્ત્વોથી રક્ષણ આપવા એવી જોગવાઈ પણ સુનિશ્ચિત કરી છે કે, ગુંડા ધારા હેઠળ ગુનામાં જે વ્યક્તિ સાક્ષી બનશે તેને પણ રાજ્ય સરકાર પૂરેપૂરૂ રક્ષણ આપશે અને સાક્ષીની ઓળખ, સરનામું ગુપ્ત રાખવામાં આવશે.
તદ્‌ઉપરાંત સાક્ષીઓના નામ અને સરનામાનો ઉલ્લેખ કરવામાં આવશે નહીં. આ જોગવાઈના ઉલ્લંઘન બદલ જે તે વ્યક્તિને એક વર્ષ સુધીની કેદ અને ૫૦૦૦ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરાઈ છે.
આ ઉપરાંત ગુંડા તત્ત્વો દ્વારા મેળવવામાં આવેલી મિલકત ગુંડા ધારા હેઠળ કાનૂની કાર્યવાહીને પાત્ર હોય તેવા કિસ્સામાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તે ટાંચમાં લઈ શકાશે અને જરૂર જણાયે આવી મિલકતના વહીવટકર્તાની પણ તેઓ નિમણૂક કરી શકશે.

કાયદાના ઝડપી અમલ માટે વિશેષ અદાલતોની સ્થાપના કરવાનો નિર્ણય

આ કાયદાના ઝડપી અમલ અને નાગરિકોને સત્વરે ન્યાય આપી શકાય તે હેતુસર વિશેષ અદાલતોની સ્થાપના કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે અને એ માટે પૂરતી જોગવાઈ પણ કરી દેવાઈ છે. આ ઉપરાંત જરૂર જણાયે નિયત સિવાયના અન્ય સ્થળે પણ કોર્ટ કાર્યવાહી માટે બેઠક બોલાવી શકાય તેવી જોગવાઈ પણ કરાઈ છે અને વિશેષ અદાલતોની રચના થયેથી તે અગાઉના કોઈ પણ ન્યાયાલયમાં પડતર કેસો વિશેષ અદાલતની હકુમતોમાં આવી જશે. જરૂર જણાયે કોઈ કેસને નિકાલ માટે એક વિશેષ અદાલતમાંથી બીજી વિશેષ અદાલતમાં તબદીલ કરવાની પણ જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી છે. વધુમાં આરોપીઓ સામે વિશેષ કોર્ટ સિવાય અન્ય કોર્ટમાં કામ ચાલતું હોય તો આરોપીની ગેરહાજરીમાં પણ આવા કેસો ચલાવી શકાશે અને આવા કેસોનો નિકાલ પણ થઈ શકશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  Gujarat

  ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

  ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
  Read more
  AhmedabadCrime

  બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

  અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
  Read more
  Crime DiaryGujarat

  રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

  માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.