Ahmedabad

આગામી ૪૮ કલાકમાં રાજ્યમાં જોવા મળશે ઠંડીનો ચમકારો

અમદાવાદ, તા.૮
રાજ્ય ભરમાં ઠંડીના પ્રમાણમાં આંશિક ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં મોટાભાગે કોઇ ફેરફારની સ્થિતિ જોવા મળી રહી નથી. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી ૪૮ કલાકમાં પણ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે જેથી ઠંડીના પ્રમાણમાં વધારો થઇ શકે છે. આજે એકંદરે પ્રમાણમાં ઓછી ઠંડી બપોરના ગાળામાં નોંધાઈ હતી. લોકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી ન હતી. જો કે, સવારમાં અને મોડી સાંજે હજુ પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગ તરફથી કોઇપણ પ્રકારની ચેતવણી જારી કરવામાં આવી નથી. અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન ૧૪.૮ ડિગ્રી રહ્યું હતું. ઠંડીનું જોર ઘટ્યું હોવા છતાં અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની સ્થિતિ ઓછી જોવા મળી રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ હાલમાં નિચલી સપાટી ઉપર ઉત્તર પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. વાદળછાયુ વાતાવરણ પણ નથી. ઠંડી વચ્ચે લોકો હાલમાં મજા માણી રહ્યા છે. ઠંડીના પ્રમાણમાં એકાએક અમદાવાદ શહેરમાં ઘટાડો નોંધાયો છે. અલબત્ત સવારમાં ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે પરંતુ એકંદરે ઠંડી ઘટી છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઇ રહી છે ત્યારે તેની અસર ગુજરાતમાં પણ આગામી દિવસોમાં જોવા મળી શકે છે. હાલમાં નીચલી સપાટી પર ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. હાલમાં ઉત્તર ભારત જોરદાર ઠંડીના સકંજામાં આવેલું છે. અમદાવાદ શહેરમાં આવતીકાલે મહત્તમ તાપમાન આંશિક રીતે વધી શકે છે અને પારો ૧૨ની આસપાસ રહી શકે છે. આજે અમદાવાદમાં સવારમાં ધુમ્મસના વાતાવરણના લીધે માહોલ વરસાદી રહ્યો હતો. જોકે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો હતો. હવામાન વિભાગનું કહેવું છે કે, હાલમાં રાજ્યમાં નીચલી સપાટી ઉપર ઉત્તરપૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે જેનાથી ઠંડીનો ચમકારો જોવા મળશે.