Muslim Freedom Fighters

આઝાદીમાં મુસ્લિમો : ‘જય હિંદ’થી ‘સારે જહાં સે અચ્છા’ સુધી..

કોમવાદી તાકાતો સતત મુસ્લિમોને દેશદ્રોહી સાબિત કરવા મચી પડી છે ત્યારે પાલનપુરી પત્રકાર હિદાયત પરમારનો આ લેખ આવા તત્ત્વોને બોલતી બંધ કરી દેવા માટે પૂરતો છે

આઝાદીના જંગમાં મુસ્લિમોનું યોગદાન

૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આપણને મળેલી આઝાદી લાંબા સંઘર્ષનું પરિણામ હતું, જેમાં વિવિધતામાં એકતાના પ્રતીક એવા આપણા ભારતના તમામ વર્ગ અને સમાજના પુરુષો અને મહિલાઓના યોગદાન અને બલિદાન સામેલ હતા. ભારતીય રાષ્ટ્રીય ચળવળના ઇતિહાસમાં ભારતીય મુસ્લિમોની ભૂમિકાનો ઉલ્લેખ કર્યા વિના આ આઝાદીની ચળવળ અધૂરી રહેશે, જે દસ્તાવેજો અને પુસ્તકોના સ્વરૂપે આપણી પાસે ઉપલબ્ધ છે જ. અંગ્રેજો સામેની ભૂમિકામાં અઢારમી સદીના મધ્યમાં પલાશી (પ્લાસી)ના યુદ્ધ સાથે ૨૩ જૂન, ૧૭૫૭માં શરૂ થયેલ બળવો. તે વખતના નવાબ સિરાજ-ઉદ-દૌલા કે જેમણે પ્રથમ ભારતીય શાસકોને જાગૃત કર્યા અને બ્રિટિશરો વિરુદ્ધ બ્યૂગલ ફૂંક્યું. તેમ છતાં, તેઓ તે યુદ્ધ હારી ગયા અને ૨૪ વર્ષની નાની ઉંમરે તેમને ફાંસી આપવામાં આવી. ૧૭૮૦થી ૧૭૯૦ના દાયકામાં મૈસુરના શાસક હૈદર અલી અને તેમના પુત્ર ‘મૈસૂરના વાઘ’ ટીપુ સુલતાન દ્વારા અઢારમી સદીમાં ભારતમાં અંગ્રેજો સામે પ્રથમ સ્વતંત્રતા સંગ્રામનું નેતૃત્વ કરવામાં આવ્યું. ૧૭૯૯માં ચોથા એંગ્લો-મૈસુર યુદ્ધ દરમિયાન લોર્ડ વેલેસ્લી દ્વારા ટીપુ સુલતાનની ષડયંત્ર થકી હત્યા કરવામાં આવી હતી. શાહજહાંપુરના મુહંમદ અશફાકઉલ્લાહ ખાન જેમણે કાકોરી (લખનૌ) ખાતે બ્રિટિશ તિજોરી લૂંટવાનું કાવતરું રચ્યું અને લૂંટ કરી સરકારી વહીવટને અપંગ બનાવી દીધું અને તેમને ફાંસી આપતાં પહેલાં તેમની છેલ્લી ઈચ્છા પૂછતાં તેમણે કહેલું, “કોઈ જ ઈચ્છા બાકી રહી નથી, બસ કોઈક મારા કફનમાં મારી માતૃભૂમિની થોડી માટી મૂકી દે એ જ અંતિમ ઈચ્છા.”
‘સરહદના ગાંધી’ તરીકે જાણીતા ખાન અબ્દુલ ગફ્ફાર ખાન સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય સેનાનીઓમાંના એક હતા અને પોતે ‘સરહદના ગાંધી’નું બિરુદ મેળવી મહાત્મા ગાંધીના અનુયાયી બન્યા હતા. અબ્દુલ ગફ્ફાર ખાન ગાંધીને મળ્યા અને ૧૯૧૯માં રોલેટ એક્ટ આંદોલન દરમિયાન રાજકારણમાં જોડાયા, જે આંદોલને રાજકીય અસંતુષ્ટોને અજમાયશ વિના ધરપકડ કરવાની મંજૂરી આપી. પછીના વર્ષોમાં તેઓ ખિલાફત ચળવળમાં જોડાયા.
એ જ રીતે, ગદર પાર્ટીના બરકતુલ્લાહ અને સૈયદ રહેમત શાહે ભારતીય આઝાદી માટે પોતાનું બલિદાન આપ્યું. તે વખતના એક બહુ મોટા ઉદ્યોગપતિ એવા ઉમર સુભાની, બોમ્બેના કરોડપતિ, જેમણે ગાંધીજીને આંદોલનના ખર્ચ માટે એક કોરો ચેક રજૂ કર્યો હતો અને આખરે આઝાદી માટે લડતાં લડતાં પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. મૌલાના હસરત મોહાનીએ પોતાની કવિતાઓ થકી યુવા હ્રદયોમાં સ્વતંત્રતાનો ઉત્સાહ ભર્યો હતો.
છેલ્લાં મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર ભારતીય સ્વતંત્રતા માટે મજબૂતાઈથી લડનારા રાજવી હતા, જે લડત ૧૮૫૭ના સ્વતંત્રતા સંગ્રામ તરફ દોરી ગઈ. મુસ્લિમોએ આઝાદીની લડત માટે મસ્જિદોનો ઉપયોગ કર્યો. જ્યારે એક ઈમામ ઉત્તર પ્રદેશની એક મસ્જિદમાં ભારતની સ્વતંત્રતા વિશે સંબોધન કરી રહ્યા હતા ત્યારે બ્રિટિશ આર્મીએ તે મસ્જિદમાં રહેલા તમામ મુસ્લિમો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના એક, જેમનું નામ સ્વતંત્રતાની લડતમાં અગ્રેસર તરીકે લેવાય છે એવા મૌલાના અબુલ કલામ આઝાદ, જેઓ માત્ર ૧૬ વર્ષની નાની વયે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં જોડાયા હતા. ભારત આઝાદ થયા પછી પણ તેઓ આજીવન દેશસેવામાં લાગેલા રહ્યાં.
ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લાના બખ્ત ખાને, ૧૮૫૭ના બળવામાં મુખ્ય ભાગ ભજવ્યો હતો. અનુભવી આર્મીમેન તરીકે બખ્ત ખાને ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સેનામાં સુબેદાર તરીકે સેવા આપી હતી. પછીથી બખ્ત ખાને બળવાખોર દળોની કમાન સંભાળી. તેમની મજબૂત અને શક્તિશાળી આ બળવા પ્રવૃત્તિઓએ બ્રિટિશ શાસકોને આ માણસનો શિકાર કરવા માટે પ્રેરિત કર્યા. ૧૮૫૯ના મે મહિનામાં બ્રિટિશરોએ તેમને ગોળી મારી દીધી હતી. કેરળના મુહંમદ અબ્દુર રહીમે મીઠા સત્યાગ્રહની જેમ જ ત્યાં સત્યાગ્રહ કરેલો અને તેમને સાત મહિનાની સખત કેદની સજા ફટકારાઈ હતી. તેમણે મુસ્લિમ લીગ પાર્ટીના બે રાષ્ટ્રના સિદ્ધાંત વિરુદ્ધ મુસ્લિમ સમાજને એકત્રિત કરી ૨૩ નવેમ્બર ૧૯૪૫ના રોજ કોડિયાથુર ખાતે જાહેર સભાને સંબોધ્યા બાદ તરત જ અંતિમ શ્વાસ લીધા હતા.
ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદથી પ્રેરિત, અબ્બાસ અલી શિક્ષણ પૂર્ણ કર્યા પછી કિશોરાવસ્થામાં જ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં જોડાયા. તેઓ ઇન્ડિયન નેશનલ આર્મી (આઈએનએ)/’આઝાદ હિંદ ફોજ’માં જોડાયા અને ત્યારબાદ કોર્ટ-માર્શલ કરવામાં આવ્યા અને તેમને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. સૈયદ મુહંમદ શરફુદ્દીન કાદરી ૧૯૩૦માં મીઠાના સત્યાગ્રહ આંદોલન દરમિયાન ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા હતા. તેમણે દરેક સંઘર્ષમાં મહાત્મા ગાંધીને ભરપૂર ટેકો આપ્યો હતો અને મહાત્મા ગાંધી સાથે એક જ સેલમાં કેદ રહ્યા હતા.
જ્યારે હજારો સ્વાતંત્ર્ય સેનાનીઓ દરરોજ જેલમાં જઈ રહ્યા હતા, ત્યારે આસફ અલી આગળ આવ્યા અને તેમને જેલોમાંથી બહાર કાઢવા માટે કાનૂની લડાઈઓ લડી હતી. તેઓ જવાહરલાલ નહેરુ સાથે જેલમાં પણ ગયા હતા. તેમણે ‘ભારત છોડો ચળવળ’માં ભાગ લીધો હતો અને ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે શક્ય એટલા તમામ પ્રયાસો કર્યા હતા. ૧ એપ્રિલ ૧૯૫૩ના રોજ, અસફ અલીનું ભારતના પ્રતિનિધિ તરીકે સેવા આપતી વખતે બર્ન (સ્વિટ્‌ઝરલેન્ડ)માં અવસાન થયું. ૧૯૮૯માં તેમના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
૨૨ ડિસેમ્બર ૧૮૮૬ના રોજ બિહારના પટના જિલ્લામાં જન્મેલા, મૌલાના મઝહરુલ હક ૧૮૯૭ના દુકાળ દરમિયાન તેમના સામાજિક-સેવાકીય કાર્યો માટે જાણીતા બન્યા હતા. તેમણે અસહકાર અને ખિલાફત ચળવળો અને ચંપારણ સત્યાગ્રહને સફળ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જાન્યુઆરી ૧૯૩૦માં તેમનું અવસાન થયું તે પહેલાં તેમણે શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે તેમની બધી મિલકત દાનમાં આપી દીધી હતી. તેમના સન્માનમાં, એપ્રિલ ૧૯૮૮માં, મૌલાના મઝહરુલ હક દ્વારા અરબી અને પર્શિયન (ફારસી) યુનિવર્સિટીની સ્થાપના પટના ખાતે કરવામાં આવી હતી.
જલિયાંવાલા બાગના હીરો તરીકે ઓળખાતા ડો.સૈફુદ્દીન કિચલૂએ ભારતીય રાષ્ટ્રીય ચળવળ દરમિયાન રોલેટ એક્ટનો વિરોધ કરીને ૩૦ માર્ચ, ૧૯૧૯ના રોજ ઐતિહાસિક જલિયાંવાલા બાગમાં જાહેર સભા યોજી હતી. ત્યાં તેમણે બ્રિટિશ સામ્રાજ્યવાદી શાસકોની નિંદા કરતું વ્યાખ્યાન આપ્યું. બ્રિટિશ સરકારે ડો. કિચલુને ચર્ચા માટે આમંત્રિત કર્યા, પરંતુ તેમને એ બહાને કસ્ટડીમાં લીધા અને તેમને દેશનિકાલ કરવામાં આવ્યા હતા.
મગફૂર એહમદ એઝાઝી બિહારના રાજકીય કાર્યકર્તા રહ્યા હતા. ગાંધીજીના અનુયાયી બનવા બી. એન. કોલેજ પટનાનો અભ્યાસ છોડી દીધો અને ૧૯૨૧માં અસહકાર આંદોલનમાં જોડાયા. ત્યાં તેમણે સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ભાગ લીધો, જેમાં અંગ્રેજી કપડાં સળગાવવા અને બહિષ્કાર, મીઠાનો કાયદો તોડવો, વ્યક્તિગત સત્યાગ્રહ, સાયમન કમિશન વિરોધ અને ભારત છોડો સામેલ છે.
યુસુફ મહેર અલી ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજવાદી નેતા હતા. તેઓ નેશનલ મિલિશિયા, બોમ્બે યુથ લીગ અને કોંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટીના સ્થાપક હતા અને અનેક ખેડૂત અને ટ્રેડ યુનિયન ચળવળોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
મેહર અલીએ “સાયમન ગો બેક” અને “ભારત છોડો”નો આવિષ્કાર કર્યો હતો અને બ્રિટિશ સામ્રાજ્ય પાસેથી સ્વતંત્રતા મેળવવા માટે ભારતના છેલ્લા રાષ્ટ્રવ્યાપી અભિયાન માટે ગાંધીજી સાથે ભારત છોડો આંદોલનનો ભાગ બન્યા હતા. તેઓ ભૂગર્ભ પ્રવૃત્તિઓમાં સક્રિય હતા અને ભારત છોડો આંદોલનમાં મોખરે હતા.
હૈદરાબાદના રહેવાસી આબિદ હસન સફરાની, જેઓ નેતાજી સુભાષચંદ્ર બોઝના વિશ્વાસુ સહાયક, આઈએનએના મેજર અને પછીથી, સ્વતંત્ર ભારતના પ્રારંભિક રાજદ્વારીઓમાંનો એક હતા. તેમણે ‘જય હિન્દ’ના નારાનો આવિષ્કાર કર્યો હતો.
અસહકાર આંદોલન અને સ્વદેશી ચળવળમાં જબરદસ્ત મુસ્લિમ ભાગીદારી જોવા મળી હતી. જનાબ સબુસિદ્દીક જે તે સમયના સુગર-કિંગ હતા. તેમણે અંગ્રેજ હુકુમતના બહિષ્કારના સ્વરૂપ તરીકે પોતાનો વ્યવસાય છોડી દીધો. ખોજા અને મેમણ સમુદાયો તે સમયના સૌથી મોટા બિઝનેસ હાઉસની માલિકી ધરાવતા હતા અને તેમના આ બહિષ્કારને ટેકો આપવા માટે તેમના ભંડારવાળા ઉદ્યોગોથી અલગ થઈ ગયા હતા.
મુસ્લિમ સ્વાતંત્ર્ય સેનાનીઓ પત્રકારત્વના ક્ષેત્રમાં પણ એટલા જ સક્રિય હતા. મૌલાના આઝાદને ઘણી વખત વસાહતી શક્તિઓ દ્વારા રોકવામાં આવ્યા હોવા છતાં અંગ્રેજો સામે તેમની કલમનો ઉપયોગ ચાલુ રહ્યો હતો. હકીકતમાં, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને કારણે જાહેરમાં શહીદ થનાર પ્રથમ પત્રકાર પણ મુસ્લિમ હતા – તે હતા મૌલાના બાકર.
ભારતીય રાષ્ટ્રીય ચળવળનો ઇતિહાસ મુસ્લિમ મહિલાઓની હૃદયપૂર્વકની સેવાઓના ઉલ્લેખ વિના પણ અધૂરો જ રહેશે. એક અંદાજ મુજબ લગભગ ૨૨૫ મુસ્લિમ મહિલાઓએ વિદ્રોહમાં પોતાનો જીવ આપ્યો હતો. ઓગણીસમી સદીની શરૂઆતથી જ મુસ્લિમ ક્રાંતિકારીઓનું યોગદાન જોઇ શકાય છે. ૧૮૫૭-૫૮ દરમિયાન દિલ્હીમાં ફાંસી આપવામાં આવેલા મુસ્લિમોની સંખ્યા ૨૭,૦૦૦ આસપાસ હતી. આ બળવા દરમિયાન અસગરી બેગમ (કાઝી અબ્દુર રહીમના માતા, થાના ભવનના ક્રાંતિકારી, મુઝફ્ફરનગર) બ્રિટિશરો સામે લડ્યા હતા અને હાર્યા ત્યારે તેણીને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.
૨૨૫ મુસ્લિમ મહિલાઓએ વિદ્રોહમાં પોતાનો જીવ આપ્યો હતો, એમાંથી એક અવધના ક્રાંતિકારી રાણી બેગમ હઝરત મહલ, આઝાદીના પ્રથમ યુદ્ધના નાયિકા રહ્યા હતા, જેમણે બ્રિટિશ શાસક સર હેનરી લોરેન્સને ગોળી મારી હતી અને ૩૦ જૂન,૧૮૫૭ના રોજ ચિન્હાટ ખાતે નિર્ણાયક યુદ્ધમાં બ્રિટીશ સેનાને હરાવી હતી. સેંકડો મહિલાઓ કે જેમણે બ્રિટિશ રાજ સામે તેમના પારિવારિક પુરુષો (પતિ, ભાઈ, પિતા) સાથે રહી આઝાદીની લડાઈ લડી હતી. અબાદી બેગમ (મૌલાના મુહમ્મદ અલીના માતા), અમજદી બેગમ (મૌલાના મુહમ્મદ અલીના પત્ની), અમીના તૈયબજી (અબ્બાસ તૈયબજીના પત્ની), બેગમ સકીના લુકમાની (ડો. લુકમાનીના પત્ની અને બદરૂદ્દીન તૈયબજીના પુત્રી), નિશાત-ઉન-નિસા (બેગમ,હસરત મોહાની), સાદત બાનો કિચલૂ (ડો. સૈફુદ્દીન કિચલૂના પત્ની), ઝુલેખા બેગમ (મૌલાના આઝાદના પત્ની), મેહર તાજ (ખાન અબ્દુલ ગફ્ફાર ખાનના પુત્રી), ઝુબૈદા બેગમ દાઉદી (શફી દાઉદીના પત્ની, બિહારના પ્રતિષ્ઠિત રાષ્ટ્રવાદી) અને અન્ય ઘણા બધા હતા, યાદી લાંબી છે. અરુણા અસફ અલી સ્વતંત્રતા ચળવળના ‘ગ્રાન્ડ ઓલ્ડ લેડી’ તરીકે જાણીતા છે. તેઓ ભારત છોડો આંદોલન દરમિયાન મુંબઈના ગોવાલિયા ટાંકી મેદાનમાં ભારતીય ધ્વજ ફરકાવવા માટે જાણીતા છે. ૧૯૩૨માં, તેઓ રાજકીય કેદીઓ સાથેના દુર્વ્યવહાર સામે તિહાડ જેલમાં ભૂખ હડતાળ પર ઉતર્યા હતા. આવી અન્ય ઘણી અસંખ્ય બહાદુર વ્યક્તિઓ કે જેમણે દેશના તમામ લોકો સાથે મળીને નાત-જાત-ધર્મ જોયા વગર એકતા સાથે પોતાના રાષ્ટ્ર માટે લડ્યા. “જય હિન્દ”, “ભારત છોડો”, “સાયમન ગો બેક”, “ઇન્કિલાબ ઝિંદાબાદ”, “સરફરોશી કી તમન્ના, અબ હમારે દિલ મેં હૈ”, “સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા” જેવા પ્રખ્યાત દેશભક્તિના સૂત્રો સામાન્ય રીતે ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન વપરાતા હતા. સ્વતંત્રતા સંગ્રામના આ નારાઓ મુસ્લિમ સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા રચવામાં આવ્યા હતા.
(લેખક વ્યવસાયે કમ્પ્યૂટર એન્જિનિયર અને સ્વતંત્ર પત્રકાર છે)

  • હિદાયત પરમાર
    (સૌ. : ખબરઅંતર.કોમ)

Related posts
Muslim Freedom Fighters

૧૮પ૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મુસલમાનોનો ફાળો

-(મૌલાના) ઈકબાલ હુસૈન બોકડા‘‘ઈતિહાસના…
Read more
Muslim Freedom Fighters

આઝાદીની લડત ફરજિયાત હોવા અંગે ફતવો

-(મૌલાના) ઇકબાલહુસૈન બોકડાભાગ-૩આ…
Read more
Muslim Freedom Fighters

RSSને આતંકી જૂથ જાહેર કરવા‘ઘર વાપસી’ પીડિતોની માંગણી

‘ઘર વાપસી’ પીડિતો સાથે શીખ ફોર…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *