(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૧૨
આણંદ શહેરમાં લક્ષ્મી ટોકીઝ નજીક ગત ૭મી માર્ચે રાત્રીના ૯ વાગ્યાના સુમારે આગ ફાટી નીકળી હતી. જેમાં તપાસ કરતા શોરુમમાં કામ કરતા કર્મચારીને માલિક દ્વારા માંગ્યા મુજબ ઉપાડ ન આપ્યાની અદાવત રાખી જ્વલનશીલ પ્રદાર્થ છાંટી આગ ચાંપી હોવાનું ખુલ્યું હતું અને જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અને જેના કારણે શોરુમમાં આગ લાગતા અંદાજે સાડા ત્રણ કરોડ રુપિયાનું નુકસાન થયું હતું. જે બનાવ અંગે શોરુમના માલિકે આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં લક્ષ્મી ટોકીઝ પાસે અંબિકા સોસાયટીમાં રહેતા વિપુલકુમાર કીર્તીલાલ શાહનું લક્ષ્મી ટોકીઝ પાસે શ્રીમાન નામનું કાપડ તથા લેડીઝ જેન્ટસ રેડીમેડ કપડાનું શોરુમ આવેલું છે. ગત તા. ૭મી માર્ચના રોજ રાત્રીના ૯ વાગ્યાના સુમારે શોરુમના ઉપરના માળે આગ લાગી હતી. આગમાં માલ બળીને ખાખ થઈ જતા આશરે સાડા ત્રણ કરોડ રુપિયાનું નુકસાન થયું હતું. જે બનાવ અંગે શોરુમનો વીમો હોઈ શોરુમમાં સીસીટીવી કેમેરાની ફુટેજની ચકાસણી કરતા બીજા માળાને કેમેરા નં. ૨૧ માં તા. ૭-૩-૨૦૨૦ ના રાત્રીના ૮-૫૮ કલાકે મેનેજર સંજયકુમાર શંકરરાવ શીર્શાઠ પ્રવેશ કરતા જણાય છે. જેઓ પોતાના ખીસ્સામાંથી કોઈ વસ્તુ કાઢી બીજા ફ્લોરના ટેલેરીંગ વિભાગમાં ફરતા જણાય છે. તેમજ ૮-૫૯ મીનીટે એક ભડકો થાય છે. અને તે ભડકાના અજવાળામાં સંજયકુમાર આગ લગાવતા નજરે પડે છે તેમજ કેમેરા નં. ૧૪ માં તેેઓ બીજા માળેથી ઉતાવળમાં બહાર નીકળતા અને બાજુના સેકશનના પડદા ઉપર કંઈ સ્પ્રે કરતા દેખાય છે. સંજયકુમારે વિપુલકુમાર પાસે ૧૦ હજાર રુપિયાની માંગણી કરી હતી. જેથી વિપુલકુમારે કહ્યુંહતું કે તમારી પાસેથી રુપિયા લેવાના નીકળતા હોય વધુ રુપિયા આપવાની ના પાડી હતી. જેથી સંજયકુમાર શીર્શાઠે વિપુલકુમારને શેઠ મારે તમારું કંઈક કરવું પડશે તેવો જવાબ આપેલો. તેઓએ માંગ્યા મુજબ ઉપાડ ન આપ્યાની અદાવત રાખી બીજા માળે આવેલા ટેલેરીંગ રુમમાં આગ લગાડી હતી જેથી આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસે વિપુલકુમાર કીર્તીલાલ શાહની ફરિયાદના આધારે સંજયકુમાર શંકરરાવ શીર્શાઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.