(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૧૬
આણંદનાં કાપડીયા પરિવારનાં જમાઈ અને વેવાઈનું ન્યુઝીલેન્ડનાં ક્રાઈસ્ટચર્ચ શહેરમાં મસ્જીદમાં થયેલા આંતકી હુમલામાં ગોળી વાગવાનાં કારણે મોત નિપજવાની ઘટનાને લઈને આજે કાપડીયા દંપતી અને તેમનાં વેવાઈનાં ભાઈ આજે ન્યુઝીલેન્ડ જવા માટે બેંગલુરૂ એરપોર્ટ જવા રવાનાં થયા હતા અને આવતીકાલે બપોરે તેઓ બેંગલુરૂથી વિમાન માર્ગે ન્યુઝીલેન્ડ જવા રવાનાં થશે.
મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં રહેતા મુનાફભાઈ કાપડીયાની દિકરી ખુસ્બુનાં લગ્ન વડોદરાનાં રમીઝભાઈ આરીફભાઈ વ્હોરા સાથે થયા હતા લગ્ન બાદ ખુસ્બુ પોતાનાં પતિ રમીઝ સાથે ન્યુઝીલેન્ડનાં ક્રાઈસ્ટ ચર્ચ સીટીમાં સ્થાઈ થઈ હતી, અને રમીઝ ત્યાં ખાનગી હોસ્પીટલમાં નોકરી હતો, લગ્નનાં લાંબા સમય બાદ ખુસ્બુ ગર્ભવતી બનતા તેઓનાં પરિવારમાં અત્યંત ખુશી પ્રવર્તી ગઈ હતી અને આરીફભાઈ તેમજ તેઓની પત્ની બન્ને જણા આજથી ૧૫ દિવસ પૂર્વે પુત્રવધુની સંભાળ અને દેખરેખ માટે ન્યુઝીલેન્ડ ગયા હતા.
ગઈકાલે શુક્રવાર હોઈ જુમ્માની નમાઝ અદા કરવા માટે રમીઝ અને તેનાં પિતા આરીફભાઈ બન્ને જણા મસ્જીદમાં ગયા હતા જયાં આંતકી હુમલામાં બન્ને પિતા-પુત્રને પણ ગોળીઓ વાગતા તેઓને ગંભીર ઇજાઓ થતા પોલીસ દ્વારા તેઓને હોસ્પીટલમાં ખસેડાયા હતા જયાં બન્ને પિતા પુત્રને મૃત જાહેર કરાયા હતા, પ્રારંભમાં પોલીસે બન્ને પિતા-પુત્રને મીસીંગ જાહેર કર્યા હતા પરંતુ ત્યારબાદ હોસ્પીટલમાં તેઓનાં મૃતદેહની ઓળખ થતા તેઓને મૃત જાહેર કરાતા સપ્તાહ પૂર્વે જ દિકરીને જન્મ આપનાર ખુસ્બુ અને તેની સાસુ પર આભ તુટી પડયું હતું, આ ઘટનાની જાણ થતા આજે ખુસ્બુનાં પિતા મુનાફભાઈ કાપડીયા અને તેમનાં પત્ની સાબેરાબેન તેમજ વડોદરાથી આરીફભાઈનાં ભાઈ મોહસીનભાઈ આજે મુંબઈ જવા રવાના થયા હતા અને મુંબઈથી તેઓ વિમાન માર્ગે બેંગલુરૂ જશે અને આવતીકાલે બપોરે બેંગલુરૂથી વિમાન માર્ગે ન્યુઝિલેન્ડ જવા રવાનાં થશે, જયારે આ હુમલામાં મોતને ભેટનાર રમીઝનો ભાઈ જે ઓસ્ટ્રેલીયા સ્થાઈ થયો છે,જે પણ ઓસ્ટ્રેલીયાથી ન્યુઝીલેન્ડ જવા રવાનાં થઈ ગયો છે.