(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૨૬
આણંદના પોલીસ અધિક્ષક મકરંદ ચૌહાણની બદલી કરવાની માંગ સાથે છેલ્લા બે માસથી આણંદના વકીલ વિજય મકવાણા, ભગાભાઈ, કિરણ સોલંકી સહિતના સામાજીક કાર્યકરો આંદોલન ચલાવી રહ્યા છે અને પોલીસ અધિક્ષક મકરંદ ચૌહાણ દલીતોના કેસમાં યોગ્ય તપાસ કરતાં નથી તેમજ અસભ્યતાભર્યું વર્તન કરે છે અને જમીન માફીયાઓ સાથે સાંઠગાંઠ ચલાવે છે તેવા આક્ષેપો સાથે પોલીસ અધિક્ષકની બદલી કરવાની માંગ કરી રહ્યા છે. અને તેઓએ થોડા દિવસ પુર્વે પણ કલેકટર કચેરીમાં શરીરે કેરોસીન રેડી આત્મ વિલોપનનો પ્રયાસ કરતાં પોલીસે તેઓના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ત્યારબાદ પણ તેઓએ આજે આત્મ વિલોપન કરવાની ચીમકી ઉચ્ચારતાં કલેકટર કચેરી, પોલીસ અધિક્ષકની કચેરી અને પોલીસ અધિક્ષકના નિવાસસ્થાને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.તેમજ ચિમકી આપનાર વિજય મકવાણાને ઝડપી પાડી તેની અટકાયત કરી હતી.
આજે સવારથી જ એક ડીવાયએસપી, એક પીઆઈ, પાંચ પીએસઆઈ અને ૪૫ પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારનાર વિજય મકવાણા સહિત પાંચ શખ્સોની શોધખોળ હાથ ધરી વિજય મકવાણા સહીત અન્ય પાંચ જણાની અટકાયત કરી આત્મ વિલોપનનાં પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.