(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૧
આણંદ શહેરમાં વિદ્યાનગર ઉપર આવેલી હેવમોર હોટલમાં અમદાવાદ ગ્રામ્ય એસીબીની ટીમે લાંચનું છટકુ ગોઠવી ખંભાતના ખાતર કૌભાંડમાં એફઆઈઆર નહી નોંધવા માટે અમદાવાદ રેન્જની આર. આર. સેલના એએસઆઈને ૫૦ લાખ રુપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આણંદ જીલ્લામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે વહીવટદારથી આગળ વધેલો પ્રકાશસિંહ રાજ્ય કક્ષાના ઉચ્ચ અધિકારીઓનો માનીતો અને વહીવટદાર બની કરોડો રુપિયાની મિલકતોનો આસામી બન્યો છે. જો એસીબી દ્વારા તેની મિલ્કતોની તપાસ કરવામાં આવે તો આવક કરતા વધુ અપ્રમાણસર મિલકતો બહાર આવે તેમ છે.
મળતી વિગતો અનુસાર અમદાવાદ રેન્જના આઈજીની આર. આર. સેલ સ્ક્વોર્ડમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતો પ્રકાશસિંહ રણજીતસિંહ રાઉલજીએ થોડા દિવસો પુર્વે ખંભાતના કંસારી જીઆઈડીસીમાં આવેલા મીઠાના ગોડાઉનમાં છાપો મારી ભેળસેળવાળું ખાતર બનાવી વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જોકે ત્યારબાદ આ બનાવમાં પ્રકાશસિંહે ગુનો નોંધવાને બદલે ભીનુ સંકેલી લેવા માટે અને એફઆઈઆર નહી નોંધવા માટે કૌભાંડી પાસેથી ૬૦ લાખ રુપિયાની લાંચની માંગણી કરી હતી. અને ત્યારબાદ ૫૦ લાખ રુપિયામાં સોદો થયો હતો. જેથી લાંચના નાણાં નહી આપવા માટે અરજદારે અમદાવાદ એસીબીનો સંપર્ક સાધતા અમદાવાદ ગ્રામ્ય એસીબી પોલીસે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. અને પ્રકાશસિંહે અરજદારને આણંદ વલ્લભ વિદ્યાનગર રોડ ઉપર આવેલી પોતાની હેવમોર હોટલમાં ૫૦ લાખ રૂપિયાની લાંચની રકમ લઈને બોલાવ્યો હતો. જેથી અરજદાર પ્રકાશસિંહને ૫૦ લાખ રુપિયાની લાંચની રકમ આપવા જતા પ્રકાશસિંહે આ ૫૦ લાખની લાંચની રકમ સ્વીકારતા એસીબી પોલીસે પ્રકાશસિંહને રંગેહાથ લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પ્રકાશસિંહને આણંદ એસીબી કચેરીમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે તેની વિરુદ્ધ લાંચ રૂશ્વત ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. સમગ્ર રાજ્યમાં ૫૦ લાખ રુપિયાની લાંચ લેતા પકડાયેલાનો આ પ્રથમ કેસને લઈ ચકચાર મચી જવા પામી છે.