(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.ર૪
આણંદ નગરપાલિકાની આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ મેળવી ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારો સાથે આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોંગ્રેસ પાર્ટીના આગેવાનો દ્વારા ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
મળતી વિગતો અનુસાર, નગરપાલિકાની આગામી ચૂંટણી સંદર્ભે પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન મુજબ પક્ષની ટિકિટ મેળવી ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોની પસંદગી તેમજ તેમના મંતવ્યો સાંભળીને ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયા માટે આજે કોંગ્રેસ સમિતિ ખાતે દાવેદારો સાથે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસના મધ્ય ગુજરાતના પ્રભારી જીતુભાઈ પટેલ, પ્રભારી રાજુભાઈ બ્રહ્મભટ્ટ, ધારાસભ્ય કાન્તીભાઈ સોઢા પરમારની ઉપસ્થિતિમાં દાવેદારો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસના મંત્રી એમ.જી.ગુજરાતીએ આગામી પાલિકાની ચૂંટણીમાં આણંદ નગરપાલિકામાં કોંગ્રેસનો તિરંગો લહેરાવવા માટે સૌને મતભેદ મનભેદ ભૂલીને સાથે મળીને કામ કરવા તેમજ ટિકિટ મળે કે ના મળે, પાર્ટી દ્વારા જે ઉમેદવારને પસંદ કરાય તે ઉમેદવારને જીતાડવા માટે કામ કરવા આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય કાંતીભાઈ સોઢાએ પણ કાર્યકરોને કોંગ્રેસ પાર્ટીએ વિકાસના કરેલા કામો અને ભાજપ સરકારની નિષ્ફળતાઓ તેમજ આણંદ નગરપાલિકામાં ભાજપના શાસનમાં મળેલી નિષ્ફળતાઓને લોકો સુધી પહોંચાડવા તેમજ લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે અપીલ કરી હતી.