(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૩૧
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદૈવી ગામમાં કેટલાંક સમયથી ગરીબ આદિવાસી સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવીને ધર્માંતરણ કરનાર અને ગેરકાયદેસર ચર્ચ બાંધનાર ખ્રિસ્તી મીશનરી સામે કાયદેસરની કાર્યવાહી અંગે આદિવાસી સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગણી કરી હોવાનું જાણવા મળે છે.પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદૈવા ગામે છેલ્લા કેટલાક સમયથી આદિવાસી (ગરીબ) સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવીને ગેરકાયદેસર ધર્માતરણ કરનાર અને ગેરકાયદેસર ચર્ચ બનાવવાની ઘટના સામે આવી હતી. જે અંગે આજરોજ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા નવસારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને તેમાં જણાવ્યું છે કે, ગણદેવા ગામમાં કેટલાંક સમયથી ખ્રિસ્તી મીશનરીઓ દ્વારા ગરીબ આદિવાસી હળપતિ સમાજના લોકોની ગરીબી અને અભણતાનો લાભ કેટલાક લોકો પ્રલોભન આપીને ચર્ચામાં લઈ જતા હોય છે. બીમાર પડેલ માણસોને ચર્ચમાં જવાથી સાજા થઇ જતા હોવાની વાતો કરીને ચર્ચમાં લઈ જઈને મંત્રેલું પાણી આપવામાં આવે છે. જે પાણી પીવાથી બીમાર પડેલ વ્યકિત સાજા થઈ જાય છે. તેમજ રવિવારે ચર્ચમાં પ્રાર્થના કરાવે છે. ગરીબોને દવાખાનામાં લઈ જવાને બદલે ચર્ચમાં લઈ જવામાં આવે છે. ઘણાં બિમાર માણસોને ડરાવીને દવાખાને જવા દેતા નથી તેના કારણે અત્યાર સુધીમાં ચાર લોકોનાં મોત થયા છે. ગામમાં ખ્રિસ્તી મીશનરીઓની ધર્માતરણ દ્વારા કોઇપણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધા વિના ધર્મ સ્વતંત્ર અધિનિયમ ૨૦૧૩-૮મી એપ્રિલ ક્રમાંક ૨૨ની કલમ ૩, ૪, અને ૫નું ઉલ્લંઘન કરેલ છે. જેની સામે કાયદાકીય રીતે કડક પગલાં ભરવા માંગણી કરી હતી. પરવાનગી વિના બાંધવામાં આવેલ ચર્ચ પણ ગેરકાયદેસર છે. કાયદાકીય કાર્યવાહી કરવા જણાવી હાલમાં બનેલ ખ્રિસ્તીઓનો ધર્મ સ્વીકારનાર હળપતિઓના દરજ્જા બંધ કરી તેમને આપવામાં આવેલ તમામ અધિકારો બંધ કરવા માગણી કરી હતી.