Ahmedabad

આમેના ખાતુન હોસ્પિટલમાં નાત-જાત-ધર્મના ભેદભાવ વિના કોરોનાની સારવાર શરૂ

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર
અમદાવાદના સરખેજ રોડ પર આવેલી આમેના ખાતુન હોસ્પિટલમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની દરખાસ્તથી અને રાજ્યસભાના સાંસદ અહમદભાઈ પટેલના સંપૂર્ણ સાથ સહકારથી અને માર્ગદર્શનથી કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવતા નાત-જાત અને ધર્મના ભેદભાવ વિના માનવતાના ધોરણે કોવિડ-૧૯ની સારવાર શરૂ કરવામાં આવતા આમેના ખાતુન હોસ્પિટલના ટ્રસ્ટીઓએ સાંસદ અહમદભાઈ પટેલ અને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો આભાર વ્યક્ત કર્યો છે. કોરોના સંદર્ભે શરૂઆતમાં ફેલાયેલી ગેરસમજને લીધે લોકો ખાસ કરીને મુસ્લિમ સમાજના લોકો સારવાર કરાવા આગળ આવતા ન હતા. પરિણામે સારવારના અભાવે કે સમયસર સારવાર ન મળતા મોતનો આંક વધી રહ્યો હતો પરંતુ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના અથાગ પ્રયત્નોથી ખાનગી હોસ્પિટલો શરૂ થયા બાદ લોકો ધીમે ધીમે સારવાર માટે બહાર આવી રહ્યા છે પરંતુ કેટલાક કિસ્સામાં ખૂબ મોડું થઈ ગયું હોવાથી દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. આથી લોકો ડર રાખ્યા વિના અલ્લાહ પર ભરોસો રાખી જીવન અને મોત આપનાર એ જ છે એના પર સંપૂર્ણ ઈમાન રાખી સારવાર માટે બહાર આવે તે જરૂરી છે. શરૂઆતમાં કેટલાક તત્વો દ્વારા એવી અફવા ફેલાવવામાં આવી હતી કે, કોરોના તો કોઈ બિમારી જ નથી. આ તો લોકોને ખોટી રીતે કોરોનામાં નાખી દેવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીને જબરદસ્તી કોરોના વોર્ડમાં દાખલ કરી દેવામાં આવે છે. તેમજ ઈન્જેક્શન આપીને દર્દીને મારી નાંખવામાં આવે છે. જે બાબત તદ્દન જુઠી, સત્યથી વેગળી અને બિનપાયેદાર છે. આ પ્રકારની અફવાથી ડરના લીધે લોકો સારવાર માટે બહાર ન આવતા મોટા પ્રમાણમાં જીવન ગુમાવવાનો વારો આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી હતી તે બાબત ૧૦૦ ટકા સાચી છે. સિવિલ હોસ્પિટલની બેદરકારી બાબતે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને સિવિલ હોસ્પિટલને દર્દીઓ સાથે જાનવરની જેમ નહીં પરંતુ માનવની જેમ વર્તન કરવા આદેશ આપી કઠોર ટિપ્પણી પણ કરી હતી. હવે હાઈકોર્ટના આદેશ પછી સિવિલ હોસ્પિટલની કામગીરીમાં આંશિક સુધારો પણ જણાય છે. એસવીપી હોસ્પિટલમાં કોવિડ-૧૯ના દર્દીઓના દાખલ થવાના વધુ ધસારાને પરિણામે અમદાવાદની અસારવા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ તેમજ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નહોતો પરંતુ સિવિલ હોસ્પિટલની બેદરકારીને કારણે લોકોમાં ભયનું વાતાવરણ ઊભું થયું અને એસવીપી હોસ્પિટલમાં જગ્યા ન હોવાને કારણે મુસ્લિમ સમાજના લોકો સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા કરતા પોતાના ઘરે જ રહી સારવાર મેળવવા પ્રયાસ કરતા હતા. શરદી, તાવ, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ જેવા કોરોનાના લક્ષણો હોવા છતાં દર્દીઓને જરૂરી સારવાર ન મળતા શરૂઆતના તબક્કે યોગ્ય સારવાર નહીં કરવાને કારણે દર્દીઓમાં ઓક્સિજનનું પ્રમાણ ભયજનક રીતે ઘટતાં શ્વાસ લેવાની તકલીફ ઊભી થાય ત્યારે નાછૂટકે અંતિમ તબક્કામાં હોસ્પિટલ જતા હતા. તેના પરિણામે કોરોનાની બિમારીમાં કૃત્રિમભય અને ગંભીર બેદરકારીને કારણે અસંખ્ય લોકો મૃત્યુને ભેટ્યા છે. રાજ્યસભાના સાંસદ અહમદભાઈ પટેલના સંપૂર્ણ સહયોગની ખાતરી સાથે આમેના ખાતુન હોસ્પિટલને કોવિડની સારવાર માટે શરૂ કરવાની ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની દરખાસ્તનો હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા સ્વીકાર કરવામાં આવેલ છે. હવે જ્યારે આમેના ખાતુનના ટ્રસ્ટીઓ દ્વારા સમાજમાં ફેલાયેલી ગેરસમજોને પરિણામે લોકો પોતાના જીવ ગુમાવી રહ્યાની ગંભીરતા જોઈ આમેના ખાતુનમાં કોવિડ-૧૯ હોસ્પિટલ શરૂ કરવાનું જે સરાહનીય પગલું લેવામાં આવ્યું છે. તેના પરિણામે સમાજમાં વિશ્વાસનું વાતાવરણ ઊભું થતા ભયની લાગણી દૂર થઈ છે. કોરોના લક્ષણ ધરાવતા લોકો નિર્ભયપણે સ્વેચ્છાએ આમેના ખાતુન હોસ્પિટલમાં સારવાર માટે આવવા લાગ્યા છે. પરિણામે પ૦ બેડની આમેના ખાતુન હોસ્પિટલ શરૂ થતાં ફક્ત બે જ દિવસમાં સંપૂર્ણપણે ભરાઈ ગયેલ છે.

આમેના ખાતુન હોસ્પિ.માં ૫૦ બેડ સંપૂર્ણ ભરાયા : ૭૫ બેડ માટે પ્રયત્નો જારી

ઈકબાલ હુસેન શેખ

ગ્યાસુદ્દીન શેખ

આમેના ખાતુન હોસ્પિટલના ટ્રસ્ટી ઈકબાલ હુસેન શેખે ગુજરાત ટુડેને જણાવ્યું હતું કે, કોવિડ હોસ્પિટલ શરૂ કરવા હાલ અમને ૫૦ બેડની મંજૂરી મળી છે પરંતુ બે દિવસમાં જ સંપૂર્ણ બેડ ભરાઈ ગયા છે. આથી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની મહેનતથી ૧૨૫ બેડુ સુધી લઈ જવા પ્રયત્નો ચાલુ છે. હાલ ૫૦ બેડનું કોવિડ સેન્ટર તો કાર્યરત છે જ હોસ્પિટલ શરૂ થયાની જાણ થતાં જ અમદાવાદ અને આસપાસના જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. પરંતુ મોટાભાગના દર્દીઓ ૮૦ ટકાથી ૫૦ ટકા સુધી ઓક્સિજન લેવલ થઈ ગયું હોય તે વખતે આવે છે. પરંતુ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. ઉપરાંત ડોકટરોની પણ કમી છે. હોસ્પિટલ માટે જરૂરી તમામ સાધનો છે અને જરૂર પડ્યે અડધી રાત્રે સાધનો વસાવી લઈશું, પરંતુ જો તંત્ર ડોકટરો પુરા પાડે તો કામ આસાન થઈ જાય. રાજ્યસભાના સાંસદ અહમદભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરતા ઈકબાલ હુસેન શેખે જણાવ્યું હતું કે, આટલા મોટાગજાના માણસ હોવા છતાં રોજ મારા પુત્રને ફોન કરી કેટલા પેશન્ટ આવ્યા ? શું તકલીફ છે ? વગેરે ઝીણી-ઝીણી બાબતો અંગે માહિતી મેળવી સમાજની ફિકર રાખી રહ્યા છે અને કોઈ તકલીફ હોય તો બેધડક જણાવવાનું કહી તમામ મદદની ખાતરી આપી રહ્યા છે. જ્યારે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પણ સતત સંપર્કમાં રહી જ્યારે જરૂર પડે ત્યારે મદદ માટે હાજર થઈ જાય છે. અંતમાં તેમણે લોકોને અપીલ કરી છે કે, ડર રાખ્યા વિના વહેલીતકે સારવાર કરાવો નહીં તો ઓક્સિજન લેવલ ઘટી જાય પછી ગમે તેટલી સારવાર કારગત નિવડશે નહીં.