(એજન્સી) તા.૧૭
ઇઝરાયેલી સૈન્યમાં બળજબરીથી ભરતી કરવાની યોજનાનો વિરોધ કરતાં ડઝનેક અલ્ટ્રા-ઓર્થોડોક્સ યહૂદીઓએ ગઇકાલે ઇઝરાયેલી પોલીસ સાથે અથડામણ કરી હતી.અલ્ટ્રા-ઓર્થોડોક્સ યહૂદીઓ, જેને હેરેડી યહૂદીઓ તરીકે ઓળખવામાં આવે છે, તેઓ ભરતીની યોજનાનો વિરોધ કરવા તેલ અવીવ નજીક તેલ હાશોમર વિસ્તારમાં ઇઝરાયેલી સેનાના સૌથી મોટા ભરતી કેન્દ્રની સામે એકઠા થયા હતા, ઇઝરાયેલી બ્રોડકાસ્ટિંગ ઓથોરિટીએ જણાવ્યું હતું.તેઓએ એક રસ્તો રોક્યો અને પોલીસ સાથે ઝપાઝપી કરી, જેમણે પ્રદર્શનને ગેરકાયદેસર જાહેર કર્યું અને તેમને વિખેરવાનો પ્રયાસ કર્યો.
કેટલાકે બૂમ પાડી કે, ‘નોંધણી કરતાં મૃત્યુ સારું છે.’જૂનમાં, ઇઝરાયેલની સુપ્રીમ કોર્ટે અલ્ટ્રા-ઓર્થોડોક્સ યહૂદીઓને લશ્કરમાં ભરતી કરવાનો આદેશ આપ્યો હતો અને ધાર્મિક સંસ્થાઓને નાણાકીય સહાય પર પ્રતિબંધ મૂક્યો હતો જેમના વિદ્યાર્થીઓએ લશ્કરી સેવાનો ઇનકાર કર્યો હતો.
હરેડી યહૂદીઓ ઇઝરાયેલની અંદાજે ૯.૯ મિલિયન વસ્તીના લગભગ ૧૩ ટકા છે અને લશ્કરમાં સેવા આપતા નથી, તેના બદલે તેમનું જીવન તોરાહના અભ્યાસમાં સમર્પિત કરે છે.ઇઝરાયેલી કાયદા અનુસાર ૧૮ વર્ષથી વધુ ઉંમરના તમામ ઇઝરાયેલી નાગરિકોએ સૈન્યમાં સેવા આપવી જરૂરી છે અને હરેડીને મુક્તિ આપવી એ દાયકાઓથી વિવાદાસ્પદ મુદ્દો છે.