(એજન્સી) તા.૧૭
ઇઝરાયેલની અદાલતે એક ૧૫ વર્ષીય પેલેસ્ટીની છોકરાને કબજાવાળા વેસ્ટ બેંકમાં હુમલામાં કથિત સંડોવણી બદલ ૧૮ વર્ષની જેલની સજા ફટકારી છે. પેલેસ્ટીની પ્રિઝનર્સ સોસાયટીએ એક નિવેદનમાં જણાવ્યું કે, જેરૂસલેમ ડિસ્ટ્રિક્ટ કોર્ટે પૂર્વ જેરૂસલેમની પૂર્વમાં આવેલા શુફાત શરણાર્થી શિબિરના મોહમ્મદ બસ્સલ જલબાનીને વળતર તરીકે ૩૦૦,૦૦૦ શેકેલ (ઇં૮૩,૩૩૩) ચૂકવવાનો આદેશ પણ આપ્યો હતો. સંગઠને જણાવ્યું કે ઝલબાનીની ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ ઈઝરાયેલના કબજાનો વિરોધ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તેમના પરિવારનું ઘર પણ તોડી પાડવામાં આવ્યું છે. હમાસ દ્વારા સંચાલિત પ્રિઝનર ઇન્ફોર્મેશન ઑફિસના જણાવ્યા અનુસાર, ઝલબાની પર ૨૦૨૩માં શુફત કેમ્પમાં એક ચેકપોઇન્ટ પર ઇઝરાયેલી સૈનિકની હત્યામાં સામેલ હોવાનો આરોપ હતો. પ્રિઝનર્સ અફેર્સ ગ્રૂપ દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, હાલમાં ઓછામાં ઓછા ૧૪,૫૦૦ પેલેસ્ટીની ઇઝરાયેલની જેલોમાં કેદ છે, જેમાં ૧,૧૧૫ બાળકોનો સમાવેશ થાય છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૭ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ ગાઝા યુદ્ધ શરૂ થયું ત્યારથી ઇઝરાયેલી દળો અને ગેરકાયદે વસાહતીઓના હુમલામાં ઓછામાં ઓછા ૯૧૫ પેલેસ્ટીની મૃત્યુ પામ્યા છે અને લગભગ ૭,૦૦૦ અન્ય ઘાયલ થયા છે.