International

ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવા માટે સમજૂતી થયા પછી ગાઝાના લોકો ઉત્તર તરફ પાછા ફરશે : કતાર

(એજન્સી)            નવી દિલ્હી, તા.ર૭
મધ્યસ્થી કતાર દ્વારા સોમવારની વહેલી સવારે જાહેરાત કરવામાં આવી હતી કે ઇઝરાયેલી નાગરિક બંધકને મુક્ત કરવા અને પેલેસ્ટીનીઓને ઉત્તરી ગાઝામાં પાછા ફરવાની મંજૂરી આપવા માટે એક કરાર થયો છે, જે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના નાજુક યુદ્ધવિરામના પ્રથમ મોટા સંકટને હળવો કરશે. કતારના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હમાસ નાગરિક બંધક, આર્બેલ યેહુદ, અને બે અન્ય બંધકોને શુક્રવાર પહેલા સોંપશે. અને સોમવારે, ઇઝરાયેલી અધિકારીઓ પેલેસ્ટીનીઓને ઉત્તરી ગાઝામાં પાછા ફરવાની મંજૂરી આપશે. ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બંધક મુક્તિ, જેમાં સૈનિક અગમ બર્જરનો સમાવેશ થશે, ગુરૂવારે થશે અને પુષ્ટિ આપી છે કે પેલેસ્ટીનીઓ સોમવારે ઉત્તર તરફ આગળ વધી શકે છે. ઇઝરાયેલની સેનાએ કહ્યું કે લોકો સવારે ૭ વાગ્યે પગપાળા ક્રોસિંગ શરૂ કરી શકે છે. યુદ્ધવિરામ કરાર હેઠળ, ઇઝરાયેલે શનિવારે પેલેસ્ટીનીઓને ઉત્તરી ગાઝામાં તેમના ઘરે પાછા ફરવાની મંજૂરી આપવાનું શરૂ કરવાનું હતું. પરંતુ ઇઝરાયેલે યેહૂદને કારણે તેને મોકૂફ રાખ્યું, જેને ઇઝરાયેલે કહ્યું હતું કે, શનિવારે મુક્ત કરવામાં આવવો જોઈએ. હમાસે ઇઝરાયલ પર કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો.  હમાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આતંકવાદી જૂથે યુદ્ધવિરામના છ અઠવાડિયાના પ્રથમ તબક્કામાં મુક્ત થનારા તમામ બંધકો વિશે જરૂરી માહિતીની યાદી સોંપી છે. ઇઝરાયેલી વડાપ્રધાન કાર્યાલયે પુષ્ટિ આપી હતી કે, તેમને તે મળી ગઈ છે. હજારો પેલેસ્ટીનીઓનો ગાઝાને વિભાજીત કરતા નેત્ઝારીમ કોરિડોર દ્વારા ઉત્તર તરફ જવાની રાહ જોઈ રહ્યા છે, જ્યારે સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે ઇઝરાયેલી દળોએ ભીડ પર ગોળીબાર કર્યો હતો, જેમાં બે લોકો માર્યા ગયા હતા અને નવ ઘાયલ થયા હતા. આ દરમિયાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સૂચન કર્યું હતું કે ગાઝાની મોટાભાગની વસ્તીને ઓછામાં ઓછા અસ્થાયી રૂપે ઇજિપ્ત અને જોર્ડન સહિત અન્યત્ર પુનઃસ્થાપિત કરવામાં આવે, જેથી યુદ્ધગ્રસ્ત વિસ્તારને ‘ફક્ત સાફ’ કરી શકાય. ઇજિપ્ત, જોર્ડન અને પેલેસ્ટીનીઓએ તેનો ઇન્કાર કર્યો હતો, કારણ કે ઇઝરાયેલ ક્યારેય શરણાર્થીઓને પાછા ફરવા દેશે નહીં તેવી આશંકા હતી. હમાસના વરિષ્ઠ અધિકારી બાસેમ નઈમે જણાવ્યું હતું કે, પેલેસ્ટીનીઓ આવા પ્રસ્તાવને ક્યારેય સ્વીકારશે નહીં, ભલે તે પુનર્નિર્માણના બહાને સારા ઈરાદાથી હોય. તેમણે કહ્યું કે જો ઇઝરાયેલ તેની નાકાબંધી હટાવે તો પેલેસ્ટીનીઓ ગાઝાને પહેલા કરતાં પણ વધુ સારી રીતે ફરીથી બનાવી શકે છે.  ઇઝરાયેલી દળોએ રાતોરાત અને રવિવારે રાહ જોઈ રહેલા ટોળા પર ત્રણ વખત ગોળીબાર કર્યો હતો, જેમાં બે લોકો માર્યા ગયા હતા અને એક બાળક સહિત નવ ઘાયલ થયા હતા, એમ અલ-અવદા હોસ્પિટલના જણાવ્યાં અનુસાર, જ્યાં જાનહાનિ થઈ હતી.  ઇઝરાયેલની સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે સૈનિકો તરફ આગળ વધી રહેલા અને તેમના માટે ખતરો ઉભો કરનારા ડઝનેક શંકાસ્પદોના અનેક મેળાવડા પર ચેતવણીરૂપ ગોળીબાર કર્યો હતો. ગયા રવિવારે અમલમાં આવેલા યુદ્ધવિરામ હેઠળ ઇઝરાયેલે ગાઝાના ઘણા વિસ્તારોમાંથી પીછેહઠ કરી છે. સૈન્યએ લોકોને તેના દળોથી દૂર રહેવા ચેતવણી આપી છે, જે હજુ પણ સરહદ પર ગાઝાની અંદર અને નેત્ઝારિમ કોરિડોરમાં બફર ઝોનમાં કાર્યરત છે. હમાસે શનિવારે ચાર મહિલા ઇઝરાયેલી સૈનિકોને મુક્ત કર્યા, અને ઇઝરાયલે લગભગ ૨૦૦ પેલેસ્ટીની કેદીઓને મુક્ત કર્યા, જેમાંથી મોટાભાગના ઘાતક હુમલાઓના દોષિત ઠેરવ્યા બાદ આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા. પરંતુ ઇઝરાયેલે કહ્યું કે, સૈનિકો પહેલાં યહૂદને મુક્ત કરી દેવો જોઈતો હતો. હમાસે કહ્યું કે, તેણે મધ્યસ્થીઓ, યુનાઇટેડ સ્ટેટ્‌સ, ઇજિપ્ત અને કતારને કહ્યું હતું કે, યહૂદ જીવિત છે અને ગેરંટી આપી હતી કે, તેમને મુક્ત કરવામાં આવશે. ગાઝાથી વિસ્થાપિત ફાદી અલ-સિનવારે પણ યહૂદનો ઉલ્લેખ કરતા કહ્યું કે દસ લાખથી વધુ લોકોનું ભાવિ એક વ્યક્તિ સાથે જોડાયેલું છે. આ યુદ્ધવિરામનો ઉદ્દેશ્ય ૭ ઓકટોબર, ૨૦૨૩ના રોજ હમાસના હુમલાથી શરૂ થયેલા ૧૫ મહિનાના યુદ્ધનો અંત લાવવા અને સેંકડો પેલેસ્ટીની કેદીઓના બદલામાં ગાઝામાં બંધકોને મુક્ત કરવાનો છે. લગભગ ૯૦ બંધકો હજુ પણ ગાઝામાં છે, અને ઇઝરાયેલી અધિકારીઓ માને છે કે ઓછામાં ઓછાં એક તૃતીયાંશ, અથવા અડધા જેટલા, મૃત્યુ પામ્યા છે. યુદ્ધવિરામનો પ્રથમ તબક્કો માર્ચની શરૂઆત સુધી ચાલે છે અને તેમાં ૩૩ બંધકો અને લગભગ ૨,૦૦૦ પેલેસ્ટીની કેદીઓની મુક્તિનો સમાવેશ થાય છે. બીજા અને તેનાથી પણ વધુ મુશ્કેલ તબક્કા પર હજુ સુધી વાટાઘાટો થવાની બાકી છે. હમાસે કહ્યું છે કે, તે યુદ્ધનો અંત લાવ્યા વિના બાકીના બંધકોને મુક્ત કરશે નહીં, જ્યારે ઇઝરાયેલે ધમકી આપી છે કે જ્યાં સુધી હમાસનો નાશ ન થાય ત્યાં સુધી તે ફરીથી હુમલો શરૂ કરશે. ૭ ઓકટોબરના રોજ થયેલા હુમલામાં હમાસના નેતૃત્વ હેઠળના આતંકવાદીઓએ લગભગ ૧,૨૦૦ લોકોને મારી નાખ્યા હતા, જેમાં મોટાભાગના નાગરિકો હતા અને લગભગ ૨૫૦ લોકોનું અપહરણ કર્યું હતું. નવેમ્બર ૨૦૨૩માં એક અઠવાડિયા સુધી ચાલેલા યુદ્ધવિરામ દરમિયાન ૧૦૦થી વધુ લોકોને મુક્ત કરવામાં આવ્યા હતા. ઇઝરાયેલી દળોએ આઠ જીવિત બંધકોને બચાવ્યા છે અને ડઝનેક વધુ લોકોના અવશેષો મેળવ્યા છે, જેમાંથી ઓછામાં ઓછા ત્રણ ઇઝરાયેલી દળો દ્વારા ભૂલથી માર્યા ગયા હતા. તાજેતરના યુદ્ધવિરામમાં સાતને મુક્ત કરવામાં આવ્યા છે. ગાઝાના આરોગ્ય મંત્રાલય અનુસાર, ઇઝરાયેલના લશ્કરી અભિયાનમાં ૪૭,૦૦૦થી વધુ પેલેસ્ટીની માર્યા ગયા છે, જેમાં અડધાથી વધુ મહિલાઓ અને બાળકો છે. તે જણાવતું નથી કે મૃતકોમાંથી કેટલા લડવૈયા હતા. ઇઝરાયેલી સૈન્ય કહે છે કે તેણે પુરાવા આપ્યા વિના ૧૭,૦૦૦થી વધુ લડવૈયાઓને માર્યા છે. ઇઝરાયેલી બોમ્બમારા અને જમીની કાર્યવાહીએ ગાઝાના વિશાળ વિસ્તારને સપાટ કરી દીધો છે અને તેની ૨૩ લાખ વસ્તીના લગભગ ૯૦% લોકોને વિસ્થાપિત કર્યા છે. યુદ્ધવિરામ શરૂ થયા પછી ઘરે પાછા ફરેલા ઘણા લોકોને ફક્ત કાટમાળના ઢગલા મળ્યા છે.
 

Related posts
International

ઇઝરાયેલે યમનમાં પાવર સ્ટેશન, બંદરો પર હવાઈ હુમલા શરૂ કર્યા

(એજન્સી)…
Read more
International

ગાઝા પર યુદ્ધ દરમિયાન ઇઝરાયેલની જાતીય હિંસા, ગેંગરેપના પુરાવા : અહેવાલ

(એજન્સી)…
Read more
International

ગાઝા પર યુદ્ધ દરમિયાન ઇઝરાયેલની જાતીય હિંસા, ગેંગરેપના પુરાવા : અહેવાલ

(એજન્સી)…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *