(એજન્સી) બૈરૂત, તા.૨૯
ઇરાન સમર્થિત બળવાખોર અને શક્તિશાળી જૂથ હિઝબુલ્લાહના કમાન્ડર હસન નસરલ્લાહને શહીદ કરી દીધા બાદ ઇઝરાયેલને બીજી મોટી સફળતા મળી છે અને ઇઝરાયેલની સેના દ્વારા રવિવારે જાહેર કરવામાં આવ્યું હતું કે, બંડખોર જૂથના બીજા સૌથી સિનિયર અને મોટા કમાન્ડર નબીલ કૌકને પણ ખતમ કરી દેવામાં આવ્યા છે.
જો કે, બંડખોર જૂથ દ્વારા નબીલનાં મોતની વાતને સમર્થન આપવામાં આવ્યું નથી પણ એમના ટેકેદારો શનિવારથી શ્રદ્ધાંજલિના સંદેશા આપી રહ્યા છે તેના પરથી એવું લાગ્યું છે કે, ઇઝરાયેલ દ્વારા આ કમાન્ડરને પણ ખતમ કરી દેવામાં આવ્યા છે તેઓ બંડખોર જૂથની સેન્ટ્રલ કાઉન્સિલના નાયબ વડા તરીકે ફરજ બજાવી રહ્યા હતા અને તેઓ ૧૯૯૫થી ૨૦૧૦ સુધી દક્ષિણમાં મિલિટરી કમાન્ડર પણ હતા.
બળવાખોર જૂથ હિઝબુલ્લાહ વડાને હવાઈ આક્રમણમાં શહીદ કરી દીધા બાદ નબીલનો પણ કાંટો કાઢી નાખવામાં આવ્યો હોવાનું જાહેર થયું છે આની પહેલા પણ ૧૯૯૨માં ઇઝરાયેલને આવી જ મોટી સફળતા મળી હતી એ સમયે આ જૂથના વડા અબ્બાસ મૌસાવીની ઇઝરાયેલ દ્વારા હત્યા કરી નાખવામાં આવી હતી આ રીતે બંડખોર જૂથના એક પછી એક ટોચના નેતાઓનો ઇઝરાયેલ દ્વારા સફાયો કરી નાખવામાં આવ્યો હોવાથી નેતાગીરીનો ખાલીપો ઊભો થયો છે. લેબેનોન પર ઇઝરાયેલના આક્રમણ બાદ હજારો લોકો હિજરત કરી રહ્યા છે અને વિસ્થાપિત થઈ ગયા છે પરંતુ ઇઝરાયેલ દ્વારા લક્ષ્યાંકો પર હુમલા ચાલુ રાખવામાં આવ્યા છે અને વધુ વેગમાન બનાવવામાં આવ્યા છે. લેબેનોનના પર્યાવરણ મંત્રી નાસિર યાસીને જણાવ્યું હતું કે, લગભગ અઢી લાખ લોકો તેમના ઘર છોડી ગયા છે અને સરકારના આશ્રય સ્થાનોમાં જીવ બચાવીને આશરો લઈ રહ્યા છે પણ ખરેખર આંકડો ચાર ગણો વધુ હોઈ શકે છે.