ઇઝરાયેલના લશ્કરી આક્રમણ અને કાર્યવાહીને કારણે ગાઝા જેવી પરિસ્થિતિનું પુનરાવર્તન થવાની અને નાગરિક વિસ્તારો ખાલી કરવાના આદેશ આવે અને હજારો લોકો વિસ્થાપિત થાય એવી લેબેનોનમાં ઘણાને ભીતિ, ઇઝરાયેલના મોટા પ્રમાણમાં હવાઇ આક્રમણનો પણ ડર
(એજન્સી) બૈરૂત, તા.૨૭
લેબેનોન પર ઇઝરાયેલના હવાઈ આક્રમણ અને લશ્કરી કાર્યવાહી તથા નાગરિકોને સલામત સ્થળે ચાલ્યા જવાના ઇઝરાયેલી આર્મીના આદેશને કારણે હવે લેબેનોનમાં ગાઝા જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે એવો હવે ઘણાને ડર લાગવા લાગ્યો છે. નાગરિકોને લેબેનોન છોડી દેવા ચેતવણીઓ જારી કરવામાં આવતા જ એલીન નાસરને ખ્યાલ આવી ગયો કે અહીં પણ ગાઝા જેવું થઈ શકે છે. એક વર્ષથી બૈરૂતની ૨૬ વર્ષીય એલીન ગાઝાની હાલત જોઈ રહી છે હજારો લોકો વિસ્થાપિત થઈ રહ્યા છે અને માર્યા ગયા છે એક સ્થળેથી બીજા સ્થળે હજારો લોકો નાસી રહ્યા છે કહેવાતા માનવતાવાદી ઝોન ઊભા કરવામાં આવે છે અને તેના ઉપર પણ બોમ્બમારો થતાં ત્યાંથી પણ લોકોને નાસી જવું પડે છે. ગાઝા સાથેના એક વર્ષના યુદ્ધ બાદ હવે ઇઝરાયેલની નજર લેબેનોન પર ઠરી છે અને ઈરાન સમર્થિત બંડખોર જૂથ હિઝબુલ્લાહ પર આક્રમણ શરૂ કરી દીધું છે અને વધુ મોટાપાયે યુદ્ધ થવાની બૈરૂતવાસીઓને આશંકા છે. ઇઝરાયેલની આર્મી અહીં ગાઝા પટ્ટીનું પુનરાવર્તન કરે એવી બધાને આશંકા છે. વિસ્તારો છોડી દેવાના હુકમ તથા હજારો વિસ્થાપિત થાય એ દૃશ્યો અને હવાઈ હુમલાને પણ ગાઝા બનાવે એવી અહીં ઘણાને આશંકા છે હવાઈ હુમલા શરૂ પણ થઈ ચૂક્યા છે. જો કે, બે વિસ્તારોની લડાઈ વચ્ચે તફાવત છે. બંડખોર જૂથના રોકેટ આક્રમણને કારણે જે હજારો ઈઝરાયેલી નાગરિકો વિસ્થાપિત થઈ ગયા છે એ ફરીથી પોતાના વિસ્તારોમાં આવી શકે એ માટે ઇઝરાયેલ સરહદ પરથી બંડખોર જૂથને વધુ ઊંડું પાછળ ધકેલી દેવા માંગે છે. ઘણા લોકોને એવી ભીતિ છે કે, ઇઝરાયેલનું લશ્કર ગાઝાની જેમ જ લેબેનોનમાં પણ વધારે પડતું બળ વાપરી શકે છે એવું માનવ અધિકાર જૂથો અને યુનોને પણ લાગે છે કેમ કે ઇઝરાયેલના અધિકારીઓ લેબેનોનનો પણ ગાઝાની જેમ વિનાશ કરવાની ધમકીઓ આપી ચૂક્યા છે. સોમવારે એક જ દિવસમાં ઇઝરાયેલના હવાઈ આક્રમણમાં લેબેનોનમાં ૧૬૦૦ જેટલા વિસ્તારો પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો જેમાં ૫૦૦થી વધુ નાગરિકો મારી ગયા હતા અને ૧૬૪૫ લોકો ઘાયલ થયા હતા. હવાઈ હુમલાની સાથે-સાથે આખો દિવસ નાગરિકોને સ્થળાંતર કરી જવાની ચેતવણીઓ પણ ઇઝરાયેલના લશ્કર દ્વારા આપવામાં આવી હતી. બંડખોર જૂથ દ્વારા જ્યાં જ્યાં શસ્ત્રોનો સંગ્રહ કરવામાં આવ્યો હોય એ તમામ ઇમારતો અને એ વિસ્તારોમાંથી હટી જવા ઇઝરાયેલ દ્વારા નાગરિકોને ચેતવણીઓ આપવામાં આવી રહી છે. આવી ચેતવણી આપવાનો બીજો અર્થ એ છે કે, લોકોમાં અરાજકતા અને ભય ફેલાઈ જાય આવું જ ઇઝરાયેલી આર્મીએ ગાઝામાં કર્યું છે પણ ત્યાં ૪૧,૦૦૦ની નાગરિકોને ઇઝરાયેલ દ્વારા મારી નાખવામાં આવ્યા છે એટલે જે કહેવાતા માનવતાવાદી ઝોન ઊભા કરવામાં આવે છે એ પણ લોકો માટે સુરક્ષિત રહ્યા નથી એટલે જ લેબેનોનમાં લોકો ભયભીત બની ગયા છે.