(એજન્સી) તેલ અવીવ,તા.૭
ઇઝરાયેલ સંસદની પૂર્વ સાંસદ હેબા યઝબકની ઇઝરાયેલ પોલીસે ગઈકાલે ૨૦૧૫ના વર્ષમાં ફેસબુક પોસ્ટને લઇ એમની ઉપર મુકાયેલ ઉશ્કેરણીજનક આરોપોના લીધે પૂછપરછ કરી હતી. હેબા ઉપર ૨૦૧૫ અને ૨૦૧૭ વચ્ચે ફેસબુક પોસ્ટને લઇ આરોપો મુકાયા હતા જ્યારે તેઓ સાંસદ પણ ન હતા. હેબાએ તપાસની ઝાટકણી કાઢી હતી એમણે કહ્યું કે તપાસ ગેરકાયદેસર અને રાજકીય પ્રેરિત છે. એમણે કહ્યું કે જે પોસ્ટ સંદર્ભે એમની પૂછપરછ કરવામાં આવે છે એ બાબત પહેલા જ સુપ્રીમ કોર્ટમાં ચર્ચા થઇ હતી. ઈઝરાયેલી પોલીસે કહ્યું કે હેબાની પૂછપરછ સરકારી વકીલ અને ઉત્તરીય જિલ્લાના સરકારી વકીલની પરવાનગી પછી કરવામાં આવી હતી. હેબાને આ પહેલા ૨૦૧૫ના વર્ષમાં પોતાની ફેસબુક પોસ્ટના લીધે આલોચનાઓનો સામનો કરવો પડ્યો હતો. જેમાં એમણે લેબેનોનના એક ત્રાસવાદી સમીર કુંતરની પ્રશંસા કરી હતી. જેમણે ઇઝરાયેલની જેલમાં હત્યાના આરોપોના લીધે ૩૦ વર્ષની સજા ભોગવી હતી. બીજી પોસ્ટમાં એમણે અમીર માખોઉલના ૯ વર્ષના જેલવાસનો અંત આવતા એમને આવકાર્યો હતો. અમીરે લેબેનોનના હિઝબુલ્લાહને સંવેદનશીલ માહિતી આપવાનો ગુનો સ્વીકાર્યો હતો. હેબા ૨૦૧૯-૨૦૨૦ દરમિયાન સાંસદ તરીકે ચૂંટાઈ હતી. જોકે માર્ચ ૨૦૨૧માં યોજાયેલ ચૂંટણીઓમાં એ હારી ગઈ હતી.