International

ઇઝરાયેલ-હમાસ યુદ્ધવિરામ : દરેક ઇઝરાયેલી બંધકની મુક્તિ સામે ૩૦ પેલેસ્ટીની કેદીઓને મુક્ત કરાશે અને એક મહિલા સૈનિકની મુક્તિના બદલામાં ૫૦ પેલેસ્ટીની કેદીઓને મુક્ત કરાશે

બંને પક્ષો વચ્ચે થયેલી સમજૂતી મુજબ સૌ પથમ મહિલા અને બાળકોને કેદમાંથી મુક્ત કરવામાં આવશે અને એ પછી પુરૂષોને મુક્ત કરવામાં આવશે 

(એજન્સી)                                        તેલ અવીવ, તા.૧૬
૧૫ મહિના સુધી ચાલુ રહેલા યુદ્ધ પછી આખરે ઇઝરાયેલ અને પેલેસ્ટીનના લડાકુ જૂથ હમાસ વચ્ચે યુદ્ધવિરામની સમજૂતી થઈ ગઈ છે. આ સમજૂતી મુજબ બંને પક્ષો એમની પાસેના બંધકોને મુક્ત કરશે અને પ્રારંભિક રીતે છ સપ્તાહમાં યુદ્ધવિરામ લાગુ કરવામાં આવશે એ પછી ગાઝા વિસ્તારમાંથી તબક્કાવાર ઇઝરાયેલી સૈન્ય પાછું ખેંચી લેવામાં આવશે.  ઇઝરાયેલ દ્વારા પેલેસ્ટીની કેદીઓને આઝાદ કરવામાં આવશે અને હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા ઇઝરાયેલી નાગરિકો અને સૈનિકોને મુક્ત કરવામાં આવશે. પહેલા તબક્કામાં એટલે કે છ સપ્તાહમાં જીવિત હોય કે મૃત્યુ એવા ૩૩ બંધકોને અને મોટાભાગે મહિલાઓ તથા બાળકોને તથા સૈનિકોને અને ૫૦ વર્ષથી મોટી વયના પુરુષોને મુક્ત કરવામાં આવશે. ઇઝરાયેલનું લશ્કર ગાઝામાંથી પાછું હટી ગયા બાદ વિસ્થાપિત પેલેસ્ટીન નાગરિકો પાછા ફરી જશે અને પોત પોતાના વિસ્તારોમાં ચાલ્યા જશે. આ સમય દરમિયાન હમાસ દ્વારા મુક્ત કરવામાં આવનારા પ્રત્યેક ઇઝરાયેલી બંધકની સામે ઇઝરાયેલ ૩૦ પેલેસ્ટીની કેદીઓને આઝાદ કરશે જ્યારે પ્રત્યેક એક મહિલા સૈનિકના બદલામાં ઇઝરાયેલ ૫૦ પેલેસ્ટીની નાગરિકોને મુક્ત કરશે એવું ઇઝરાયેલના મીડિયા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. રવિવારે પહેલા ત્રણ બંધકોને મુક્ત કરવામાં આવશે જેમાં મહિલાઓ અને બાળકો હશે. જ્યારે ૫૦ વર્ષથી ઉપરની ઉંમરના પુરુષોને મુક્ત કરવામાં આવશે. ૪૨ દિવસ સુધી આ પ્રક્રિયા ચાલશે. દર સપ્તાહે ત્રણ ત્રણ બંધકોને મુક્ત કરવામાં આવશે જ્યારે ઇઝરાયેલની જેલમાં બંધ કેદીઓમાંથી સૌપ્રથમ મહિલા કેદીઓને જે ૭ ઓક્ટોબર પછી પકડી લેવામાં આવી હતી એ તમામને મુક્ત કરવામાં આવશે જ્યારે ૧૯ વર્ષથી ઓછી વયના પુરુષ કેદીઓને પણ મુક્ત કરવામાં આવશે. જ્યારે ૯૯૦થી ૧,૬૫૦ જેટલા લડાકુઓને પણ મુક્ત કરવામાં આવશે તેવી ધારણા છે. પહેલા તબક્કાના ૧૬માં દિવસે યુદ્ધવિરામના બીજા તબક્કાની ચર્ચા શરૂ થશે એ બીજા તબક્કામાં સૈનિક સહિત બાકીના તમામ બંધકોને હમાસ દ્વારા મુક્ત કરવામાં આવશે અને એ સાથે ઇઝરાયેલના પુરેપુરા લશ્કરને પણ ગાઝામાંથી પાછું ખેંચી લેવામાં આવશે જ્યારે ત્રીજા તબક્કામાં ગાઝાના પુનઃ નિર્માણની કામગીરી ઇજિપ્ત તથા કતાર અને યુનોના માર્ગદર્શન હેઠળ ચાલુ કરવામાં આવશે અને બાકીના તમામ બંધકોને પણ છોડી મૂકવામાં આવશે.