(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૮
૧૭ જૂનના ઇલેક્શન કમિશનના રાજ્યસભાની ચૂંટણીમાં પોસ્ટલ બેલેટ પેપર દ્વારા મતદાનને માન્ય રાખવાના આદેશને પડકારતી પિટિશન સુપ્રીમ કોર્ટમાં ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધનાણી દ્વારા દાખલ કરવામાં આવી છે. પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની જોગવાઈ એ લોકો માટે કરવામાં આવે છે જે રૂબરૂમાં આવીને મતદાન નથી કરી શકતા. પરેશ ધાનાણીના જણાવ્યા અનુસાર “પોસ્ટલ બેલેટથી રાજ્યસભાની ચૂંટણીમાં મતદાનને મંજૂરી આપવી તે સાંવૈધાનીક વ્યવસ્થાથી વિપરીત અને ગેરકાયદેસર છે જ્યારે રાજ્યસભાની ચુંટણીમાં બેલેટ વોટની જોગવાઈ જ નથી અને ભૂતકાળમાં માત્ર એક રાજ્યસભાની સીટ જીતવા માટે જે હથકંડા અપનાવવામાં આવ્યા જેમકે ધારાસભ્યોને તોડવા, ધમકાવવા, પોલીસ સ્ટેશનમાં વારંવાર બોલાવવા, પ્રોક્સી વોટ નાખવા જેવા અનેક હથકંડા ફરી અપનાવી બેલેટ વોટથી પોતાના તરફી મતદાન કરાવવા માટે સત્તાધારી પક્ષ દ્વારા પોસ્ટલ બેલેટને માન્યતા આપતો આદેશ ચૂંટણી પંચ જોડે કરાવવામાં આવ્યો છે. “ આથી ૧૭ જૂનના ઇલેક્શન કમિશનના રાજ્યસભાની ચૂંટણીમાં પોસ્ટલ બેલેટ પેપર દ્વારા મતદાનને માન્ય રાખવાના આદેશને પડકારતી પિટિશન ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આજે આ કેસની સુનાવણીમાં આવતીકાલની રાજ્યસભાની ચૂંટણી અને તેમાં થનાર મતદાન ઉપર સ્ટે આપવાનો ઇન્કાર કર્યો છે પણ ઇલેક્શન કમિશન તથા કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે તથા આ ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન સબ જ્યુડિશ રહેશે એટલે કે આ પિટિશન ઉપર કોર્ટ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તેને આધીન રહેશે તેવો આદેશ કરવામાં આવ્યો છે. આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.