
ઈસ્લામની ઝલક – પ્રો. અખ્તરૂલ વાસે
મનુષ્યના આર્થિક જીવનને સત્ય અને ન્યાય પર સ્થાપિત રાખવા માટે ઈસ્લામે કેટલાક નિયમ અને સીમાઓ નિર્ધારિત કરી છે. જેથી કરીને ધનની ઉત્પત્તિ, પ્રયોગ અને વિતરણની તમામ વ્યવસ્થા આ જ સીમાઓની અંદર હોય અને સમાજમાં સ્થિરતા તેમજ ન્યાય સ્થાપિત થઈ શકે.
ઈસ્લામના અનુસાર સંસાર તથા તેની વસ્તુઓ અલ્લાહે માનવજાતિ માટે બનાવી છે. તેથી પ્રત્યેક મનુષ્યનો આ જન્મસિદ્ધ અધિકાર છે કે તે ધરતી પર પોતાની રોજી-રોટી(આજીવિકા) પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે. આ અધિકારમાં તમામ મનુષ્ય બરાબરીના ભાગીદાર છે. કોઈને પણ આ અધિકારથી વંચિત કરી શકાતો નથી અને ન તો એક ને બીજાની ઉપર વરિષ્ઠતા આપી શકાય છે.
આ જ પ્રકારે ઈસ્લામની દૃષ્ટિએ એવી વરિષ્ઠતા અને નિર્ધારણ પણ યોગ્ય નથી કે જેને કારણે રોજી-રોટી મેળવવાના કોઈ સંસાધન કોઈ વર્ગ, ધર્મ, જૂથ અને પરિવારના માટે વિશેષ થઈ જાય. અલ્લાહે બનાવેલી ધરતી ઉપર તેણે પેદા કરેલા સંસાધનોમાંથી પોતાનો હિસ્સો પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો તમામ મનુષ્યનો બરાબરનો અધિકાર છે. આ જ રીતે પ્રયત્નના પ્રયાસ પણ તેના માટે બરાબર કે એકસરખા હોવા જોઈએ. ઈસ્લામે માનવ સમાજને ઝઘડા દૂર કરવા માટે કબજા ભોગવટાને સંપત્તિના આધારનું કારણ નિર્ધારિત કર્યું છે. જ્યાં સુધી કોઈ વસ્તુ ઉપર કોઈનો કબજો જળવાઈ રહ્યો હોય તે સમય સુધી કોઈ બીજો તેમાં હસ્તક્ષેપ કરી શકતો નથી. હા, સ્વયં તેનો માલિક અને કબજેદારને જોઈએ કે પોતાની આવશ્યકતા કરતા વધારે ઉપર કબજો જાળવી ન રાખે પરંતુ તેની અન્યોમાં વહેંચણી કરી દે.
ઈસ્લામ ફક્ત આટલું જ ઈચ્છતો નથી કે સામૂહિક જીવનમાં ધન પ્રાપ્તિની આ દોડ સર્વે માટે સમાન હોય પરંતુ તે એવું પણ ઈચ્છે છે કે આ મેદાનમાં પ્રયત્ન કરનાર એકબીજા માટે નિર્દયી ન બને બલ્કે દયાવાન અને સહયોગી બને. ઈસ્લામ જ્યાં પોતાની નૈતિક શિક્ષાઓથી લોકોમાં આ માનસિકતા પેદા કરે છે કે તે પોતાના દરિદ્ર, નિર્ધન અને આર્થિક સ્વરૂપ પાછળ હડસેલાઈ ગયેલા ભાઈઓને સહયોગ પૂરો પાડે તો બીજી બાજુ આ વાતનો પણ અભિલાષી છે કે સમાજમાં એક કાયમી સંગઠન એવું જોઈએ જે કમજોર લોકો અને નિર્ધનોની સહાયતા કરવા માટે જવાબદારી ઉપાડે. જે લોકો આર્થિક દોડમાં ભાગ લેવાને લાયક ન હોય તેઓ આ સંગઠન પાસેથી પોતાનો હિસ્સો મેળવે, જે લોકો કોઈક કારણે આ દોડમાં પડી ગયા હોય તથા પાછળ રહી ગયા હોય તેમને આ સંગઠન ઉપાડીને ફરીથી દોડવા લાયક-બનાવે અને જે લોકોને આ આર્થિક પ્રયત્નમાં સહારો મેળવવાની આવશ્યકતા હોય તેઓને આ સંગઠન પાસેથી સહારો મળે. આ ઉદ્દેશની પ્રાપ્તિ માટે ઈસ્લામે જકાતની વ્યવસ્થા કરી છે અને તેને એક અનિવાર્ય ઈબાદત બનાવી છે. આ એક એવો સામૂહિક ઈન્સ્યોરન્સ (વીમો) છે કે જેનાથી કોઈપણ વ્યક્તિ પોતાની મોજૂદગી (હયાતી)માં જીવનની કોઈપણ મૌલિક આવશ્યકતાઓથી કયારેય વંચિત રહી શકતો નથી. ઈસ્લામ ધન અને મૂડીવાદના તે નિયમોનો પણ વિરોધી છે, જેનાથી મનુષ્યની અંદર ધન સંગ્રહ કરવાની લાલસા જન્મે છે. અલ્લાહનું કથન છે કે જે લોકો સોનું અને ચાંદીને ખજાનો બનાવીને રાખે છે અને તેને અલ્લાહે ચીંધેલા માર્ગ પાછળ ખર્ચ કરતા નથી તેઓને કષ્ટદાયક (પીડાદાયક) અલ્લાહના પ્રકોપના સમાચાર આપી દો. આ જ પ્રકારે ઈસ્લામે લેનદેન (લેવડ-દેવડ) કરવાના કાર્યોમાં કોઈ એવી પ્રણાલી તથા શૈલીને યોગ્ય બતાવી નથી જે ન્યાયની વિરૂદ્ધ તથા જેનાથી માનવતાના શોષણનો ભય હોય. અલ્લાહનું કથન છે કે અલ્લાહે પોતે લેનદેનને હલાલ કાર્ય બતાવ્યું છે અને વ્યાજને હરામ બતાવ્યું છે. આ ઈસ્લામી શિક્ષાઓને કારણે જે અર્થવ્યવસ્થા પ્રચલિત થઈ તેમાં ખેડૂતો, શ્રમિકો, તથા સમાજના તમામ લોકોના અધિકારોને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવામાં આવ્યા. પયગમ્બર હઝરત મોહંમદ (સ.અ.વ.) સાહેબનું કથન છે કે શ્રમિકને તેની મહેનતનું મહેનતાણું તેનો પરસેવો સુકાઈ જાય તે પહેલાં જ આપી દો. ઈસ્લામી અર્થવ્યવસ્થાની સૌથી મહત્ત્વપૂર્ણ વિશેષતા આ છે કે તે યોગ્ય રીતે એકત્રિત કરવામાં આવેલ ધનને પણ એક સ્થળે સમેટીને મૂકી દેતો નથી બલ્કે પોતાના વારસાઈ કરવાના નિયમ દ્વારા સંતાનો કે જેમનો હક હોય તેઓની વચ્ચે વહેંચી દે છે. આ રીતે તે મૂડીવાદ અને જાગીરદારી વ્યવસ્થાને કાયમ કરવા દેતો નથી.
(લેખક ડૉ. ઝાકીર હુસૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇસ્લામિક સ્ટડીઝના ડાયરેક્ટર છે.)