National

ઉત્તરપૂર્વની પાર્ટીઓના સાંસદોની PM મોદીએ અવગણના કરી, સર્વપક્ષીય બેઠકથી બહાર કર્યા

(એજન્સી) તા.૧૯
એવા આરોપો હંમેશાથી લાગતા આવ્યા છે કે કેન્દ્ર સરકાર દ્વારા ઉત્તર-પૂર્વના રાજ્યોના હિતોની સતત અવગણના કરવામાં આવતી રહે છે. જોકે તેનું તાજેતરનું ઉદાહરણ ફરી સામે આવ્યું છે. ચીન સાથે ભારતની તંગદિલી વચ્ચે કોંગ્રેસના પૂર્વ નેતા અને ત્રિપુરાના રાજ પરિવારના વડા પ્રદ્યોત માણિક્યા દેબબર્મને ટિ્‌વટર પર ફરિયાદ કરી હતી કે શુક્રવારે આયોજિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં ઉત્તર-પૂર્વના રાજ્યોની પાર્ટીઓને સામેલ જ ન કરવામાં આવી. તેમને આમંત્રણ ન અપાયું. તેમણે દલીલ કરી હતી કે ચીન ઉત્તર પૂર્વના રાજ્યો સાથે મોટી સરહદ ધરાવે છે અને તેમાં સિક્કિમ તથા અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યો સામેલ છે. આ વિસ્તારો મહત્ત્વપૂર્ણ છે. તેમણે ટિ્‌વટ કરી કે ચીન ઉત્તરપૂર્વના રાજ્યોમાં વધારે રસ ધરાવે છે અને આ દુઃખદ છે કે ઉત્તરપૂર્વના જ સાંસદોને (પાંચથી વધુ સાંસદ ન હોવાથી) સર્વપક્ષીય બેઠકમાં આમંત્રિત કરાયા નથી. આવી નાની નાની અવગણનાઓ અને ઘટનાઓ જ છે જે રોજિંદા જીવન પર અસર કરે છે. બની શકે કે દિલ્હી અમને અમારા કરતા વધુ જાણતી હશે પણ શું ખરેખર ? ઉલ્લેખનીય છે કે સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આયોજિત કરવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં એવી જ પાર્ટીઓને આમંત્રિત કરાઈ છે જેમના ૫ કે તેથી વધુ સાંસદ છે. આશરે ૨૦ જેટલા પક્ષોને આ બેઠકમાં બોલાવાયા હતા.