(એજન્સી)
લખનૌ, તા.૨૮
પોલીસે શુક્રવારના રોજ જણાવ્યું હતું કે, એક કાર્પેટ નિકાસકાર સહિત બે વ્યક્તિઓ પર દલિત કાર્યકરને માર મારવા અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ અહીં કેસ દાખલ કરવામાં આવ્યો છે. ગુરૂવારના દિવસે કાર્પેટ નિકાસકાર અનુરાગ બરનવાલ અને અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS))અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ઔરાઈ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. પોલીસ અધિક્ષક (SP) મીનાક્ષી કાત્યાયને એફઆઈઆરને નોંધીને જણાવ્યું હતું, બરનવાલને ૭,૮૦,૦૦૦ રૂપિયાનું કાર્પેટ ફિનિશિંગ અને પેકિંગનું કામ ૩૪ વર્ષીય ફરિયાદી ઓમપ્રકાશ ગૌતમ અને તેના ૨૦ મજૂરોએ મેથી ઓગસ્ટ દરમિયાન તેની નિકાસ પેઢીમાં કરાવ્યું હતું. શરૂઆતમાં બરનવાલે તેમને ૨,૧૪,૪૮૫ રૂપિયા ચૂકવ્યા હતા. એસપીએ જણાવ્યું હતું કે ૩૦ ઓગસ્ટના રોજ બરનવાલે ૫,૬૫,૫૧૫ રૂપિયાની બાકી રકમ ચૂકવવા માટે ગૌતમને તેની ઓફિસમાં બોલાવ્યો હતો. ગૌતમ જ્યારે તેની ઓફિસે ગયો ત્યારે બરનવાલ અને અન્ય એક વ્યક્તિએ ઓફિસ બંધ કરીને તેને માર માર્યો હતો. તેઓએ ફરિયાદીના કપડા ફાડી નાખ્યા અને તેના પર એસિડ નાખીને જાનથી મારી નાખવાની ધમકી આપી. ગૌતમની બૂમો સાંભળીને ફેક્ટરીના કેટલાક કામદારોએ દરવાજો ખોલ્યો. પછી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.