Ahmedabad

ઉનાળુ વેકેશન પૂર્ણ : વિદ્યાર્થીઓના કલરવથી શાળાઓ ધમધમી ઊઠી

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૧
ગુજરાતની શાળાઓમાં ૩પ દિવસના ઉનાળુ વેકેશન બાદ આજથી શાળાઓ બાળકોના કલરવથી ગૂંજી ઉઠી હતી. આજે વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ સ્કૂલ યુનિફોર્મમાં તૈયાર થઈ શાળાએ જવા રવાના થયા હતા. રાજયની પ૭ હજારથી વધુ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આજથી ધમધમી ઉઠી હતી. જો કે હાલ રમઝાન માસ ચાલતો હોવાથી મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ પાંખી જોવા મળી હતી.
ઉનાળુ વેકેશન પૂર્ણ થતા જ ૧૧૬ દિવસના નવા શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ થયો હતો સવા મહિનાથી વધુ સમયથી સુમસામ ભાસતી શાળાઓ પુનઃ ધમધમી ઉઠી હતી. રાજયમાં ૪પ હજારથી વધુ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓ આવેલી છે. જેમાં ૮૮ લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એ જ રીતે ૧ર હજાર જેટલી સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે જેમાં ર૮ લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ તમામ શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરાતા શૈક્ષણિક કેલેન્ડરના આધારે એક સાથે ઉનાળુ વેકેશન આપવામાં આવતું હોય છે. આજે ૧૧ જૂન સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. જે ૪ નવેમ્બર સુધી ચાલશે અને પ નવેમ્બરથી રપ નવેમ્બર સુધી ર૧ દિવસનું દીવાળી વેકેશન રહેશે. બીજુ સત્ર તા.ર૬ નવેમ્બરથી શરૂ થઈ પ મે સુધી રહેશે. આમ સમગ્ર ગુજરાતમાં દીવાળી અને ઉનાળુ વેકેશનની પ૬ અને જાહેર રજાઓ તથા રવિવારની રજાઓ મળી ૮૦ દિવસની રજા જાહેર કરવામાં આવી છે.

નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ
નવા શૈક્ષણિક વર્ષઃ ર૦૧૮-૧૯નો પ્રારંભ થયો
ગુજરાતભરમાં ૧૨ હજારથી વધારે માધ્યમિક અને ૩૨ હજારથી વધારે પ્રાથમિક સ્કુલો ફરીથી ખુલી ગઈ
વેકેશનનો ગાળો પૂર્ણ થતાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક સ્કુલમાં પહોંચ્યા
રવિવારના દિવસે ખરીદી કરવા માટેનો છેલ્લો દિવસ હતો જેથી બજારમાં પુસ્તકો, યુનિફોર્મની મોટાપાયે ખરીદી દુકાનો પર ભીડ જોવા મળી
દુકાનદારોએ પણ રવિવાર હોવા છતાં દુકાનો ખુલ્લી રાખી યુનિફોર્મ, પુસ્તકો અને સ્ટેશનરી મોંઘા થયા !
કેટલીક સ્કુલોમાં વેકેશનનો ગાળો વધુ લંબાવાયો
સ્કુલ વર્ધી રિક્ષામાં અને વાનમાં ૧૦૦ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો
પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને ધ્યાનમાં રાખી નિર્ણય