Ahmedabad

ઉપવાસના બીજા દિવસે પ્રવીણ તોગડિયાની તબિયત લથડી

અમદાવાદ, તા.૧૮
વીએચપીમાંથી હકાલપટ્ટી બાદ મંગળવારથી ધરણા ઉપર બેસેલા વીએચપીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડિયાની બુધવારે તબિયત બગડી હતી. જો કે તેમને બ્લડ પ્રેશર અને સુગર પણ વધી ગઈ હતી. એટલે ડૉકટરોએ તેમને વધુ ન બોલવા અને આરામ કરવાની સલાહ આપી છે. તદ્‌ઉપરાંત હિન્દુ હેલ્પલાઈનની જાહેરાત પણ કરી હતી.
વિશ્વ હિન્દુ પરિષદમાંથી હકાલપટ્ટી બાદ ડૉ. પ્રવીણ તોગડિયાના આમરણાંત ઉપવાસના સત્યાગ્રહનો આજે બીજો દિવસ હતો. આજે પણ ડો.પ્રવીણ તોગડિયાએ વડાપ્રધાન મોદી પર રામ મંદિર, કોમન સિવિલ કોડ અને ગૌ હત્યા પ્રતિબંધના મુદ્દે સંસદમાં કાયદો પસાર કરવાની માંગણીના પુનરોચ્ચાર સાથે આકરા પ્રહારો કર્યા હતા. બીજીબાજુ, ડો.તોગડિયાના સમર્થનમાં ગુજરાત સહિત દેશભરમાંથી સાધુ-સંતો અને મહંતોનું સમર્થન અને આગમન વધતુ જાય છે. આજે સાધુ સંત સમાજના દિગ્ગજો તોગડિયાને મળવા પહોંચ્યા હતા અને તેમને પોતાનું ખુલ્લું સમર્થન જાહેર કર્યું હતું. તો, પાટીદાર નેતા દિલીપ સાબવા સહિતના રાજકીય મહાનુભાવોએ પણ તોગડિયાની મુલાકાત લઇ તેમના ખબરઅંતર પૂછયા હતા. જો કે, ૪૮ કલાકના ઉપવાસ વીતી ગયા હોઇ ડો.પ્રવીણ તોગડિયાની તબિયત અને આરોગ્ય પર પણ તેની સીધી અસર વર્તાઇ રહી છે. જેમાં ડો.તોગડિયાનું વજન બે કિલોથી વધુ ઘટી ગયું છે. ડોકટરે તેમને વધુ પડતું નહી બોલવા પણ સલાહ આપી છે. સાથે સાથે તેમનું નિયમિત મેડિકલ ચેક અપ પણ કરવામાં આવી રહ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદમાંથી હકાલપટ્ટી બાદ પોતાના આ સત્યાગ્રહ અને ઉપવાસ આંદોલનના પ્રારંભ સાથે જ ડો.પ્રવીણ તોગડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે જાહેરમાં ખુલ્લેઆમ મોરચો માંડ્યો છે. ગઇકાલથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા પ્રવીણ તોગડિયાએ પોતાના ભાષણમાં નરેન્દ્ર મોદી પર આજે ફરીવાર સીધા નિશાન તાકી તોગડિયાએ તેમના પર અનેક આરોપ મૂક્યા હતા. ડો.પ્રવીણ તોગડિયાએ મોદીને સીધા સવાલો કર્યા હતા કે, સત્તા મેળવતાં પહેલાં દેશના કરોડો હિન્દુઓને રામમંદિર, ગૌ હત્યા પ્રતિબંધ અને કોમન સિવિલ કોડ મુદ્દે આપેલા વચનો કયારે પાળશો? દેશની કરોડો હિન્દુ જનતા સાથે આ ગંભીર વિશ્વાસઘાત છે.
તદઉપરાંત બુધવારે તોગડિયાએ ઉપવાસના સ્થળેથી હિન્દુ હેલ્પલાઈનની જાહેરાત કરતા કહ્યું હતું કે આ હેલ્પલાઈનથી દેશના કોઈપણ ખૂણામાં સેવા મળશે. દેશના વનવાસી વિસ્તારોમાં ફોનથી વ્યવસ્થા મળશે. હાલમાં આ સેવા પુનાથી કાર્યરત થઈ રહી છે તેને દેશભરમાં લાગુ કરાશે. હું ડૉકટર હતો ત્યારથી મફતમાં સેવા આપતો હતો. લોકોને આ સેવાથી ખાનગી ડૉકટરો દ્વારા સારવારની સેવા મફતમાં મળશે. તદ્‌ઉપરાંત આજે દેશમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે સમૃદ્ધ કિસાન, કર્જ મુક્ત કિસાન અભિયાન શરૂ કરાશે એમ તોગડિયાએ મીડિયાને જણાવ્યું હતું.