Religion

ઉમ્મુલ મોમીનીન હઝરત જુવેરીયા બિંતે અલ હારિસ (રદીઅલ્લાહુ અનહા) (વિસાલ. ઈસ આ.૬૭૬)

પ્રભાવી વ્યક્તિત્વ – મુહમ્મદ સઈદ શેખ

ઉમ્મુલ મોમીનીન (મોમીનોની માતા) હઝરત જુવેરીયા બિંતે અલ હારિસ રદીઅલ્લાહુ અનહા પયગમ્બર હઝરત મુહમ્મદ(સ.અ.વ.) સાહેબના આઠમા પુનિત પત્ની હતા.
તેઓ બનુ મુસ્તલીક કબીલાના સરદાર અલ હારિસ બિન અબી જરાર અલ ખુઝાઈની પુત્રી હતા.
મદીનામાં નબી (સ.અ.વ.) સાહેબને જાણ થઇ કે બનુ મુસ્તલીકના કબીલાવાસીઓ હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે તો આપ સહાબા રદી.સાથે શાબાન હિસ ૫/ ડિસેમ્બર ૬૨૬માં એમનો હુમલો રોકવા માટે નીકળી પડ્યા. કેટલાક ઈતિહાસકારોએ હિસ પાંચને બદલે ૬ લખ્યું છે. અલ મુરીસી સ્થળે પહોંચી પડાવ નાખવામાં આવ્યો અને આ જ સ્થળે બનુ મુસ્તલીકના સરદાર અલ હારિસ અને એના લશ્કર સાથે મુઠભેડ થઇ. લડાઈ શરૂ થતા પહેલાં જયારે બંને જૂથો સામસામે હતા ત્યારે હજરત ઉમર રદી.બિન અલ ખત્તાબે નબી (સ.અ.વ.)સાહેબના આદેશથી શત્રુઓને સંબોધીને કહ્યું કે લા ઇલાહા કહી ઇસ્લામ સ્વીકારી લો, તમારા જાન માલ સુરક્ષિત થઇ જશે. બનું મુસ્તલીકે આ પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં અને લડાઈ શરૂ થઇ ગઈ. લડાઈના પ્રારંભમાં વિરોધીઓએ તીર-કામઠાનો વાર કર્યો. નબી (સ.અ.વ.)સાહેબના આદેશથી સહાબાએ કીરામે હુમલો કરી દીધો. બનુ મુસ્તલીકના માત્ર દસ લોકો ખેતોમાં રહ્યા એ સિવાય બધા લોકોને યુદ્ધ કેદી બનાવી લેવામાં આવ્યા. એમાં સરદાર અલ હારિસની પુત્રી જુવેરીયા પણ હતી, જે હ.સાબિત બિન કૈસ રદી. અને એમના પિત્રાઈ ભાઈના ભાગમાં આવી. પરંતુ નબી (સ.અ.વ.) સાહેબે હ.જુવેરીયાની દરખાસ્ત થી એમને એમના માલિક હ.સાબિત બિન કૈસ રદી.થી ખરીદી એમને આઝાદ કરી દીધા. એ પછી આપ (સ.અ.વ.) સાહેબે એમની સાથે નિકાહ કરી લીધા. એ વખતે હ.જુવેરીયા રદી.ની ઉમર વીસ વર્ષ હતી. સરદારની દીકરીને આપવામાં આવેલ આ પ્રતિષ્ઠાને કારણે સહાબા કીરામે બનુ મુસ્તલીકના બધા કેદીઓને આઝાદ કરી દીધા. આ વાત એમના માટે ખૂબ માન સન્માન આપનારી લાગી કે એમના સો (બીજા સંદર્ભ મુજબ ચાળીસ) લોકોને આપવામાં આવેલી આઝાદી જાણે કે મહેર રૂપે સાબિત થઇ અને એમણે બધાએ ઇસ્લામ સ્વીકારી લીધો. ઉમ્મુલ મોમીનીન હઝરત જુવેરીયા રદી.નું મૂળ નામ બર્રા હતું. નબી (સ.અ.વ.) સાહેબને આ નામ પસંદ નહોતું અને એ બદલીને જુવેરીયા રાખી દીધું. હ.જુવેરીયા રદી.ના પ્રથમ પતિનું નામ મસાફા બિન સફ્વાન હતું, જે આ લડાઈમાં માર્યો ગયો હતો. એમના પતિના નામ બાબતે કેટલીક અસંગતતાઓ જોવા મળે છે. ઇબ્ન હઝમે અબ્દુલ્લાહ બિન જહશ અલ અસદી લખ્યું છે તો ઇબ્ને સા’દ એ સફ્વાન બિન માલિક લખ્યું છે. હ.જુવેરીયા રદી.સાથે લગ્ન કરી નબી (સ.અ.વ.) સાહેબ દુશ્મનો સાથે ઉદારદિલી, માનવતા અને પ્રતિષ્ઠાભર્યો વર્તાવ કરી શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂં પાડ્યું. હ.જુવેરીયા રદી.થી માત્ર સાત હદીસોની રિવાયત મળે છે જેમાંથી એક સહીહ બુખારીમાં અને બે સહીહ મુસ્લિમમાં છે. એમના પિતા અલ હારિસ રદી.પણ નબી (સ.અ.વ.)સાહેબની સેવામાં હાજરથી ઇસ્લામ સ્વીકારી લીધો હતો.
તેઓ ખૂબ સુંદર હતા. ઇબાદતમાં વ્યસ્ત રહેતા હતા. હઝરત આયશા રદી.એ એમના વિશે કહ્યું હતું કે ‘મેં જુવેરીયા બિંતે હારિસથી વધારે બીજી કોઈ સ્ત્રી નથી જોઈ જે પોતાના સંપૂર્ણ કબીલા માટે કૃપા અને આશીર્વાદરૂપ સાબિત થઇ હોય.’ હ. ઉમર રદી.એ પોતાના ખિલાફત કાળમાં હ.જુવેરીયા રદી.ને વાર્ષિક છ હજાર દિરહમ પેન્શન બાંધી આપ્યું હતું. હ.જુવેરીયા રદી.નું હિસ ૫૬/ઇસ ૬૭૬માં લગભગ ૭૦ વર્ષની વયે અવસાન થયું. એમને જન્નતુલ બકીઅમાં દફનાવવામાં આવ્યા. એમની જનાઝાની નમાઝ મદીનાના શાસક મરવાન બિન અલ હકમે પઢાવી હતી.