Religion

ઉમ્મુલ મોમીનીન હઝરત ઝૈનબ બિંતે ખુઝેમા (રદીઅલ્લાહુ અનહા) (ઈસ ૫૯૬ : ૬૨૫)

પ્રભાવી વ્યક્તિત્વ – મુહમ્મદ સઈદ શેખ

ઉમ્મુલ મોમીનીન (મોમીનોની માતા) હઝરત ઝૈનબ બિંતે ખુઝેમા રદીઅલ્લાહુ અનહા પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)સાહેબના પાંચમાં પુનીત પત્ની હતા. તેઓ ‘ઉમ્મે મસાકીન’ તરીકે પણ ઓળખાય છે.
હઝરત ઝૈનબ રદી.નો જન્મ મક્કામાં આશરે ઇસ ૫૯૬માં થયો હતો.એમના પિતાનું નામ ખુઝેમા ઇબ્ન અલ હારીશ બિન અબ્દુલ્લાહ અલ હિલાલીયાહ હતું, તેઓ મક્કાના હિલાલ કબીલાથી સંબંધ ધરાવતા હતા. એમની માતાનું નામ હિન્દ બિંતે ઔફ હતું, જો કે ઇબ્ને કસીરનું માનવું છે કે આ રિવાયત (ઝઈફ) નબળી છે.
હઝરત ઝૈનબના પ્રથમ પતિ એમના પિત્રાઈ જહમ ઇબ્ન અમ્ર ઇબ્ન અલ હારીશ હતા એમ ઇબ્ને હિશામ લખે છે પરંતુ એન્સાયકલોપીડિયા ઓફ ઇસ્લામના સંપાદક એમના પતિનું નામ તુફેલ બિન હારીશ જણાવે છે. એમણે હઝરત ઝૈનબને છૂટાછેડા આપી દીધા હતા. એમણે ક્યારે ઇસ્લામ સ્વીકાર્યું એ માહિતી મળતી નથી પરંતુ એમણે પ્રારંભમાં જ ઇસ્લામ સ્વીકાર્યું હતું એવું કેટલાક સ્ત્રોત પરથી જાણવા મળે છે. એમના બીજા લગ્ન પ્રસિદ્ધ સહાબી હઝરત અબ્દુલ્લાહ બિન જ્હશ રદી.સાથે થયા હતા. ઉહદના યુદ્ધમાં લડતા લડતા તેઓ શહીદ થઇ ગયા હતા.
નબી (સ.અ.વ.) સાહેબે હિસ ૪/ઇસ ૬૨૫માં હઝરત ઝૈનબ રદી.સાથે લગ્ન કર્યા અને ૪૦૦ દીર્હમ મહેર આપી હતી. આમ તેઓ ઉમ્મુલ મોમીનીનના જૂથમાં શામેલ થયા. પરંતુ બે ત્રણ મહિના પછી જ હઝરત ઝૈનબનું અવસાન થયું, ત્યારે એમની ઉમર લગભગ ત્રીસેક વર્ષ હતી. હુઝુર (સ.અ.વ.) સાહેબે પોતે એમની જનાઝાની નમાઝ પઢાવી હતી અને જન્નતુલ બકીઅમાં દફન કર્યા હતા.
હઝરત ઝૈનબ રદી. પહેલાથી જ ખૂબ ઉદાર અને સખી હતા. એમની પાસે જે કઈ હોય એ ગરીબોને આપી દેતા હતા, એથી તેઓ ‘ઉમ્મુલ મસાકીન’ તરીકે પણ ઓળખાય છે. એહમદ મુકર્રમ એન્સાયક્લોપીડિયા ઓફ ઇસ્લામમાં હુઝુર (સ.અ.વ.) સાહેબ સાથે લગ્ન પછીનો એમનો એક કિસ્સો લખે છે. એક વખત એક ગરીબ માણસ આપના ઘરે લોટની ભીખ માગવા આવ્યો. રાત્રે પોતે શું ખાશે એની ચિંતા કર્યા વિના છેલ્લામાં છેલ્લી વસ્તુ એમણે એ ગરીબ માણસને આપી દીધી. હુઝુર (સ.અ.વ.) સાહેબ એમની આ વાતથી એટલા પ્રભાવિત થયા કે આપે બીજી પુનીત પત્નીઓને આ બાબતે જાણ કરી અને કહ્યું “જો તમે અલ્લાહમાં ઈમાન (શ્રદ્ધા) રાખો છો …. તો એ તમને એવી રીતે રોજી આપશે જેવી રીતે એ પક્ષીઓને આપે છે, કે જેઓ ભૂખ્યા પેટે પોતાનો માળો તો છોડે છે પરંતુ સાંજે ભરેલા પેટે પાછા ફરે છે.”