(એજન્સી) તા.ર૪
ગલવાન ખીણમાં થયેલી અથડામણ પછી પેદા થયેલા તનાવ સામે નિપટવા માટે આશરે ૧૧ કલાક સુધી ચાલેલી બીજા રાઉન્ડની બેઠક પછી ચીન શાંતિ કાયમ કરવા માટે સંમત થઈ ગયું હતું. ચીનના વિદેશ મંત્રાલયે પ્રવચન વહેતું કરીને કહ્યું હતું કે, આ મીટિંગમાં બંને પક્ષો તનાવ ખતમ કરીને સ્થિતિને નિયંત્રણમાં લાવવા વિશે સંમત થયા છે. પણ એવું લાગે છે કે ચીનનો આ રવૈયો દેખાડવા માટે જ છે, કારણ કે ગઈ ૧પ જૂનથી હમણા સુધી ચીને સરહદ ઉપર પોતાના સૈનિકોની તૈનાતીમાં ૩૦ ટકાનો વધારો કરી દીધો છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ અનુસાર ભારતના રણનીતિકારોનું કહેવું છે કે ચીને લદ્દાખના મોર્ચા પર પોતાની સૈન્યની તૈનાતીમાં ૩૦ ટકાનો વધારો કરી દીધો છે. પૂર્વી લદ્દાખની સરહદ પર ચીન સાથે ચાલી રહેલા તનાવ વચ્ચે બુધવારે સૈન્યના પ્રમુખ એમ.એમ. નરવણે લદ્દાખના સરહદી વિસ્તારોનો પ્રવાસ કરશે. આ પહેલા મંગળવારે એમણે ગલવાન ખીણમાં ચીની સૈનિકો સાથે થયેલી અથડામણમાં ઘાયલ થયેલા સૈનિકો સાથે મુલાકાત કરી હતી. આજે ભારત અને ચીન ડબ્લયુએમસીસી વર્ચુઅલ મીટ ઉપર વાર્તાલાપ કરી શકે છે. સમાચાર એજન્સી, એ.એન.આઈ.ના અનુસાર આ ડી.જી., જોઈન્ટ સેક્રેટરી સ્તરની વાતચીત હશે. જેમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ બાબતે વિગતવાર વાતચીત થશે. આ પહેલા ભારત અને ચીનના પ્રમુખ સૈન્ય કમાન્ડરો વચ્ચે સોમવારે થયેલી બેઠક દરમ્યાન બંને દેશોની સૈન્ય પૂર્વી લદ્દાખમાં ઘર્ષણ થયેલા સ્થાનો અને વિસ્તારો ઉપરથી ખસી જવા સંમત થઈ છે. અધિકારીઓના સૂત્રોએ સમાચાર એજન્સી પીટીઆઈ ભાષાને જણાવ્યું કે આ વાતચીત સકારાત્મક, રચનાત્મક વાતાવરણમાં થઈ હતી અને સામુહિક રીતે એ નિર્ણય લેવામાં આવ્યો કે બંને પક્ષ પુર્વી લદ્દાખમાંથી ઘર્ષણવાળા તમામ સ્થાનોથી ખસી જવાના તૌર-તરીકા અમલમાં લાવશે.
ગલવાન ખીણ : પૂર્વ લદ્દાખમાં ભારતીય સ્થાનોમાં ચીનના ડ્રોન દેખાયા
(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૬
એલઓસીની આસપાસ અનેક સ્થળોએ મડાગાંઠ ચાલુ હોવા છતાં પૂર્વ લદ્દાખમાં ભારતીય સ્થાનો પર ચીનના સુનિયોજિત ડ્રોન ફરતા દેખાયા છે. સૂત્રોએ જણાવ્યું કે, જાણીજોઇને જાસૂસી કરવા આવેલા આ ડ્રોન છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારતના ઓછામાં ઓછા ચાર સ્થાનો પર દેખાયા હતા. છેલ્લા એક મહિના ઉપરાંતથી પડેલી મડાગાંઠ દરમિયાન એકબીજા પર નજર રાખવા માટે બંને દેશોની તરફથી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારતીય સેનાની ૧૪મી કોર્પ્સ એલએસી પર નજર રાખવા માટે મીડિયમ અલ્ટીટ્યૂડ લોંગ એન્ડ્યોરન્સ ડ્રોનનો ઉપયોગ કરી રહી છે. તેની સ્થિરતા ૨૪ કલાકથી વધુની છે અને ૧૦ કિલોમીટર ઊંચે ઊડી શકે છે. ભારતીય સૈનિકો જમીન પરથી માનવ સંચાલિત ડ્રોનનો ઉપયોગ કરે છે. લદ્દાખ ક્ષેત્રના પર્વતીય વિસ્તારોમાં આ ડ્રોનનો વધુ પડતો ઉપયોગ થાય છે.