Sports

એશિયા કપ દુબઈમાં રમાશે… ગાંગુલીએ કહ્યુંઃ તમામ ટીમો ભાગ લેશે

અબુ ધાબી,તા.૨૯
આ વર્ષના સપ્ટેમ્બર મહિનાનાં યોજાનાર એશિયા કપ હવે દુબઈમાં રમાશે. બીસીસીઆઈના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ આ અંગે જાણકારી આપી હતી. તેમના મતે દુબઈમાં યોજાનારી આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન બન્ને ભાગ લેશે. અગાઉ આ ટૂર્નામેન્ટની યજમાની પાકિસ્તાનને આપવામાં આવી હતી, પણ ભારતે આ અંગે વાંધો ઉઠાવ્યા બાદ ટૂર્નામેન્ટ માટેની જગ્યા દુબઈ શિફ્ટ કરવામાં આવી છે. ગાંગુલીએ આ અંગે શુક્રવારે દુબઈ જતા પહેલા માહિતી આપી હતી. તેઓ એશિયા ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં ભાગ લેશે.
પાકિસ્તાનને ગયા વર્ષે એશિયા કપની યજમાની આપવામાં આવી હતી. આશરે એક મહિના અગાઉ બીસીસીઆઈએ સ્પષ્ટતા કરી હતી કે બન્ને દેશના સંબંધ તણાવપૂર્ણ હોવાથી ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઈઓ વસીમ ખાને પણ એવા સંકેત આપ્યા હતા કે એશિયા કપનું આયોજન ન્યુટ્રલ વેન્યુ પર કરી શકાય છે. ત્યારબાદ દુબઈને આ માટેની યજમાની આપવામાં આવી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લે ૨૦૧૨-૧૩માં સિરીઝ રમાઈ હતી. તે સમયે પાકિસ્તાન ટીમ ત્રણ વનડે મેચ રમવા ભારત આવ્યું હતું. ભારતીય ટીમ છેલ્લે વર્ષ ૨૦૦૭-૦૮માં પાકિસ્તાન પ્રવાસ કર્યો હતો. આઈસીસીની ટૂર્નામેન્ટમાં બન્ને ટીમો એકબીજા સામે રમી ચુકી છે. પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પર દબાણ હતું કે તે એશિયા કપની યજમાની માટે ન્યુટ્રલ વેન્યુ પર તૈયારી દર્શાવે.