મહિલાએ તેની ખેતીની જમીન પર ટ્રેક્ટર ચલાવતા તેના પાકને નુકસાન પહોંચાડતા પુરૂષને ઠપકો આપ્યો હતો
૨૦ વર્ષીય યુવતીને બચાવવા ગયેલી તેની કાકી સાથે પણ કથિત રીતે મારપીટ કરવામાં આવી હતી
(એજન્સી)
ભુવનેશ્વર, તા.૨૧
ઓડિશાના બોલાંગીર જિલ્લામાં ૨૦ વર્ષીય આદિવાસી મહિલા પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો અને તેના મોંમાં માનવ મળ નાખવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું કે, આ ઘટના ૧૬ નવેમ્બરે બાંગમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારના જુરાબંધ ગામમાં બની હતી. આરોપી, એક બિન-આદિવાસી પુરૂષ, મહિલાની ખેતીની જમીન પર ટ્રેક્ટર ચલાવતો હતો, જેનાથી પાકને નુકસાન થતું હતું, જેનો તેણે વિરોધ કર્યો હતો. એફઆઈઆર મુજબ આરોપીએ પછી તેના પર હુમલો કર્યો અને તેના મોંમાં માનવ મળ નાખ્યું હતું. જ્યારે તેની કાકી તેને બચાવવા ગઈ ત્યારે તેના પર પણ આરોપીઓએ હુમલો કર્યો હતો. ભુવનેશ્વરમાં એક પત્રકાર પરિષદને સંબોધતા બીજેડીના સાંસદ નિરંજન બીસીએ આરોપ લગાવ્યો કે પોલીસે આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરી નથી, જેનાથી આદિવાસીઓ નારાજ છે. તેમણે કહ્યું કે, જો બાંગમુંડામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે તો રાજ્ય સરકાર જવાબદાર હશે. બોલાંગીરના પોલીસ અધિક્ષક ખિલારી ઋષિકેશ જ્ઞાનદેવે મીડિયાને જણાવ્યું કે, આરોપી ઘટના બાદથી ફરાર છે. એસપીએ જણાવ્યું હતું કે, “અમે તેને પકડવા માટે બે વિશેષ ટીમો બનાવી છે. તેની શોધમાં પડોશી રાજ્યોમાં પણ પોલીસ ટીમો મોકલવામાં આવી છે.” તેમણે કહ્યું કે, તેઓ આશાવાદી છે કે આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.