(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૨
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ટકારમાં ગામની સીમમાં અજાણ્યા વાહન ચાલકે એક બાઈક સવારને ટક્કર મારતા ચાલકનું કરૂણ મોત નીપજાવી ફરાર થઈ ગયો હોવાનો બનાવ કીમ પોલીસ મથકે નોંધાવતા પોલીસે ફેટલનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઓલપાડ તાલુકાના સોદામીઠા ગામના વતની શૈલેન્દ્રસિંહ મોરથાણાએ પોલીસ મથકમાં નોંધાવેલી એક ફરિયાદમાં જણાવ્યું હતું કે, બાઈક નંબર જીજે-૦૫-ડીબી-૫૮૭૦ લઈને ખેતરમાં કામ કરતો ચાકર કિશનભાઈ રાઠોડ તથા તેના મિત્ર નગીનભાઈ નાનુભાઈ રાઠોડ ખેતરમાં કામ કરવા જતો હતો. ત્યારે અજાણ્યા વાહન ચાલકે પૂરપાટ ઝડપે વાહન હંકારી તેમની બાઈકને ટક્કર મારી ચાકર કિશનભાઈનું મોત નીપજાવી ફરાર થઈ ગયો હતો. જ્યારે તેના મિત્ર નગીનભાઈના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કીમ પોલીસે ફેટલનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.