Ahmedabad

કઈ રીતે નોકરી મેળવશે ગુજરાત : રાજ્યમાં ૧૬ વર્ષમાં ૩ર૭૦ યુવાનોએ આત્મહત્યા કરી

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૭
ગુજરાતમાં ભાજપ સરકારની શોષણ નીતિના કારણે એકતરફ બેરોજગારીના આંકડાનો ગ્રાફ દિવસે-દિવસે વધી રહ્યો છે. બીજી તરફ ફિક્સ પગાર, આઉટ સોર્સિંગ, હંગામી નોકરીઓને કારણે બેરોજગારોનું આર્થિક શોષણ થતું હોવાથી યુવાઓમાં ભારે આક્રોશ અને અજંપો છે. તેમાંય નિવૃત્ત કર્મચારીઓને પુનઃ નિમણૂક અપાતા લાયકાત ધરાવતા યુવાનોની કારકિર્દીનો ભોગ લેવાતા યુવાધન ડિપ્રેશનમાં આવી ગયો છે. તેના પરિણામે છેલ્લા ૧૬ વર્ષમાં નોકરી નહીં મળવાથી કે નોકરી છૂટી જવાથી ૩ર૭૦ યુવાનોએ આત્મહત્યા કરી હોવાનો ખુલાસો થયો છે.
રાજ્યમાં સરકારી ચોપડે ૧૫ લાખ શિક્ષિત બેરોજગાર નોંધાયા છે જ્યારે ન નોંધાયેલ બેરોજગારોની સંખ્યા ૩૫ લાખ એટલે કે કુલ ૫૦ લાખ બેરોજગાર યુવાન-યુવતી ભાજપની નિતીનો ભોગ બની રહ્યાં છે. ગુજરાતના ૫ લાખ ફિક્સ પગારધારકોના હિત માટે ભાજપ સરકાર તાકીદે સુપ્રીમ કોર્ટમાંથી અરજી પરત ખેંચે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં મોટા ભાગના વિભાગોમાં નિવૃત્ત લોકોને પુનઃ નિમણૂક આપીને મનફાવે તે રીતે કામગીરી કરાવવામાં આવી રહી છે. મોટા ભાગના વિભાગો ઈન્ચાર્જથી જ ચાલી રહ્યાં છે. રાજ્યના ૫ લાખ ફીક્સ પગારદારો અને કોન્ટ્રાક્ટ પ્રથા આઉટ સોર્સીંગમાં કામ કરતાં ૧૦ લાખથી વધુ યુવાનોનું આર્થિક શોષણ કરી ગરીબી અને લાચારી તરફ દોરતી તથા સામાજિક વ્યવસ્થાને ખાડે લઈ જવાની ભૂમિકા ભજવતી આ ફિક્સ પગાર, કોન્ટ્રેક્ટ પ્રથા, આઉટસોર્સીંગ જેવી ગેરબંધારણીય નિતીનો કોંગ્રેસ પક્ષ સ્પષ્ટ વિરોધ કરે છે. દર વર્ષે બે કરોડ નવી રોજગારીના દાવા સામે મોદી શાસનના ૧ વર્ષમાં માત્ર ૧.૩૮ લાખ રોજગારી દેશના યુવાનોને મળી, સામા પક્ષે નોટબંધીનું ઉતાવળિયું પગલું અને જી.એસ.ટી.ના અમલીકરણની નિષ્ફળતાને લીધે દેશમાં લાખો નાના અને મધ્યમ કદના ઉદ્યોગો અને નાના વેપાર-ધંધા પડી ભાંગતા માત્ર ગુજરાતમાં ૨૦ લાખ લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી રોજગારના ખોટા દાવાઓ કરવાને બદલે સાચા અર્થમાં ગુજરાતના યુવાનોની ચિંતા કરે.
૨૦૧૧માં બેરોજગારીનો દર ૩.૮ ટકાથી વધીને ૫ ટકા થઈ ગયો છે. ભારતમાં બેરોજગારીની સંખ્યા ૧.૭ કરોડથી વધીને ૧.૮ કરોડ થઈ જશે એનો મતલબ આ વર્ષે ૧૦ લાખ કરતાં વધુ લોકો બેરોજગારમાં ઉમેરો થશે. ગુજરાતમાં ૬૦ લાખથી વધુ યુવાનો રોજગારી શોધી રહ્યાં છે. બીજી બાજુ મોટા કારખાનાં બંધ થઈ રહ્યાં છે. દેશમાં એન્જીનીયરીંગ પાસ કરનાર માત્ર ૩૭ ટકા યુવાનોને અભ્યાસ પછી નોકરી મળે છે. જ્યારે ગુજરાતમાં માત્ર ૨૪ ટકાને નોકરીની તક મળે છે. શિક્ષણ-રોજગારમાં મોટાપાયે કૌભાંડ, મધ્યપ્રદેશના “વ્યાપમ્‌ કૌભાંડ” ની જેમ જ ગુજરાતમાં સરકારી નોકરીમાં “વ્યાપક કૌભાંડ”થી સાચા-મહેનતું-ઉચ્ચ લાયકાત ધરાવતા લાખો યુવાનોની કારકિર્દીનો ભોગ લેવાયા છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના ૨૦૦૧ થી ૨૦૧૭ના વિવિધ રિપોર્ટમાં આ બિહામણું સત્ય બહાર આવ્યું છે કે, ૧૬ વર્ષમાં ગુજરાતમાં નોકરી નહીં મળવાથી અથવા નોકરી છૂટી જતાં ૩૨૭૦ યુવાનોએ આત્મહત્યા કરી છે. ગુજરાતમાં બેરોજગારી પાછળનું એક સૌથી મોટું કારણ ઔદ્યોગિક વિકાસના પોકળ દાવા છે.

મોંઘા શિક્ષણ પછી કેટલાને રોજગારી
મળી તે અંગે શ્વેતપત્ર બહાર પાડો

વાઈબ્રન્ટ ઉત્સવો થયા પછી ગુજરાતમાં ૭૬ લાખ કરોડના થયેલ મૂડી રોકાણના દાવા અને લાખો રોજગારીનું સર્જનની થયેલી જાહેરાતો સામે હકીકતમાં મૂડી રોકાણ અને રોજગારીના દાવાનું “મોદી મોડેલ” પોકળ સાબિત થયું છે. ગુજરાત સરકારને ખેતીની જમીનો વેચીને માનીતા ઉદ્યોગપતિઓને વધારે ધનવાન બનાવવાની ચાનક ચઢી છે પરિણામે યુવાનો બેકારીના ખપ્પરમાં હોમાઇ રહ્યાં છે. પહેલા કરોડો રૂપિયાના ખર્ચા અને જાહેરાતો સ્વપ્રસિધ્ધી કરાયા છતાં પણ ગુજરાતના નાગરિકોને શું ફાયદો થયો? ગુજરાતમાં કેટલું મૂડી રોકાણ આવ્યુ? રોજગારીના મોટા મોટા અને ખોટા ખોટા દાવાઓ વચ્ચે મોંઘા શિક્ષણ પછી કેટલાને રોજગારી મળી તે અંગે શ્વેતપત્ર બહાર પાડે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
AhmedabadCrime

બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
Read more
AhmedabadGujarat

વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.