Gujarat

કચરાની ડમ્પિંગ સાઈટમાં સપ્તાહથી ભભૂકેલી આગ ઠરવાનું નામ લેતી નથી આગ અને ધુમાડાથી આસપાસના ગામોમાં પ્રદૂષણ ફેલાયું

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૮
શહેરના સીમાડે જાંબુઆ બાયપાસ હાઇવે ઉપર મનપાએ શરૂ કરેલી કચરાની ડમ્પીંગ સાઇટમાં વિતેલા સપ્તાહથી આગ ભભુકી રહી છે. છતાં ઠરવાનું નામ નથી દીધું. હજારો લીટર પાણી અને સેંકડો ટ્રક માટી ઠાલવી હોવા છતાં પરિસ્થિતિમાં સુધારો નહીંવત થયો છે. આગ અને ધુમાડાને કારણે જાંબુઆ આસપાસના ગામડાઓમાં ભારે પ્રદુષણ ફેલાયું છે. લોકો ગળાના રોગના શિકાર બન્યા છે. દુર્ગંધ અસહ્ય બની છે. જીવન દોહયલુ બન્યું છે.
આ પરિસ્થિતિ વચ્ચે રીયલ એસ્ટેટમાં જબ્બર કડાકો બોલાયો છે. બાયપાસ હાઇવે આજુબાજુ તૈયાર થતા રહેણાંકના મકાનોનો કોઇ ખરીદનાર નથી અને જે રહે છે તે વેચવા ફરી રહ્યા છે. કારણ કે મનપાએ જાંબુવા સાઇટને કાયમી ધોરણે કચરાની ડમ્પીંગ સાઇટ બનાવી દીધી હોઇ રહીશો પોલ્યુલશનને લીધે રોગનાં ભોગ બની રહ્યાં છે.
મનપા દ્વારા શહેરમાંથી રોજે રોજ કચરો ઉઠાવી જાંબુવા બાયપાસ હાઇવે ઉપર ડમ્પીંગ કરવામાં આવે છે. રોજ અંદાજે ૭૫૦ ટન કચરો આ સાઇટ ઉપર ઠલવાય છે. જેમાં ધન કચરા સાથે પ્લાસ્ટીક, થર્મોકોલ સહિતનો તમામ કચરો એક સાથે ઠાલવવામાં આવે છે. સામાન્ય રીતે નાશવંત અને નાશ ન થઇ શકે તેવો કચરો અલગ ડમ્પ કરવાનો નિયમ છે. મનપાએ શહેરના માર્ગો ઉપર આ પ્રકારની કચરા પેટીઓ પણ મુકેલી છે. પરંતુ કચરા પેટીનો કચરો ઉઠાવવા આવનાર ઇજારદારના માણસો બન્ને કચરો ભેગો કરી કચરાના વાહનની ડેકીમાં ઠાલવી દેતા હોવાથી નાશવંત અને નાશ ન થઇ શકે એવો ભેગો કચરો ડમ્પીંગ સાઇટ ઉપર ઠાલવી દેવામાં આવે છે. એને લીધે મનપાએ કરેલી વર્ગીકૃત મહેનતનો કોઇ અર્થ સરતો નથી.
જાંબુઆ ડમ્પીંગ સાઇટ ઉપર ફકત પ્લાસ્ટીક જ નહીં પરંતુ વેફર વગેરેનાં પેકીંગમાં જે થેલીઓ વપરાય છે તે પ્લાસ્ટીક કરતાં પણ ભયંકર છે. તેનો ક્યારેય નાશ થઇ શકતો નથી. કચરાના ઢગલામાં આ થેલીઓ જવાથી વિચીત્ર પ્રકારની દુર્ગંધ અને ગેસ છુટે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનીકારક છે.
જાંબુઆ ગામ સહિત આસપાસનાં વિસ્તારમાં રહેણાંકની અનેક યોજનાઓ ચાલું છે. આમાં કેટલીક બહુમાળી ઇમારતોના ફલેટો વેચાયા છે. કેટલીક સાઇટોનું કામ ચાલું છે. મકરપુરાથી લઇ છેક જાંબુઆ સુધી બાંધકામ સાઇટોની ભરમાર છે. અત્યાર સુધી કચરાની સાઇટ પ્રત્યે લોકો બેધ્યાન હતા. પરંતુ આગ લાગી, પ્રદુષણ ફેલાયુ અને દુર્ગંધ છૂટી ત્યારે લોકો સફાળા જાગ્યા કે આ સ્થળ હવે રહેવા માટે યોગ્ય નથી. એટલે ફલેટોમાં રહેતાં લોકોએ તેમના મકાનો વેચવા કાઢેલા છે અને નવા ફલેટો ખરીદવા કોઇ તૈયાર નથી. આથી કરોડોનું રોકાણ કરી બેસેલા બિલ્ડરો માથે હાથ દઇ બેઠા છે તેમના માટે મોટો પ્રશ્ન એ ઉપસ્થિત થયો છે કે હવે શું કરવું ?
કારણ કે મનપા ડમ્પીંગ સાઇટ હવે ખસેડે નહીં અને ખસેડવી હોય તો મનપામાં બિલ્ડરોએ મની પાવર વાપરી અખતરો કરવો પડે એમાં સફળતા મળે અને ન પણ મળે તેવો ઘાટ છે પણ અત્યારે તો કચરાની ડમ્પીંગ સાઇટ બિલ્ડરો માટે માથાનાં દુખાવા સમાન પુરવાર થઇ છે. કારણ કે રોજ ૭૫૦ ટન કચરો ઠલવાય છે. મહિને ૨૨ હજાર ૫૦૦ અને વર્ષે બે લાખ તોતેર હજાર સાતસો પચાસ ટન કચરો ઠલવાય એટલે વર્ષે એક મોટો પહાડ તૈયાર થઇ જાય. એમાંથી વછૂટતી દુર્ગંધ અને ઝેરી ગેસ વચ્ચે જીવન જીવવું લોકો માટે કપરૂ થયું છે. આને લીધે રહેણાંકના મકાનોનાં વેચાણ ઉપર જબ્બર ફટકો પડયો છે.
પોલ્યુશન કંટ્રોલ બોર્ડનાં નિયમો અનુસાર ધન અથવા પ્લાસ્ટીક યા અન્ય કચરો નિકાલ કરવાનાં ચોક્કસ નિયમો ઘડેલા ખુલ્લામાં કચરો ડમ્પ કરી શકાય જ નહીં. પરંતુ મનપા તમામ નિયમોને નેવે મુકી જાંબુઆ ખાતે ડમ્પીંગ સાઇટ ઉભી કરી છે. જેના દુષ્પરિણામ અત્યારથી લોકો ભોગવી રહ્યાં છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  GujaratHarmony

  ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

  માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
  Read more
  Gujarat

  વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

  શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
  Read more
  CrimeGujarat

  સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

  પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.