• ચારેક લોકોને ઈજા, બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે અન્ય મકાનોના પણ કાચ તૂટી ગયા
• કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કલેક્ટર સાથે ટેલિફોનિક વાત કરી માહિતી મેળવી
(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૨
ગાંધીનગર જિલ્લાના કલોલના પંચવટી વિસ્તારમાં આવેલી ગાર્ડન સિટી સોસાયટીમાં આજે સવારે ૭ઃ૪૫ વાગ્યાના સુમારે ભેદી બ્લાસ્ટ થતાં બે મકાનો ધરાશાયી થયા હતા, જેમાં બે લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે ચારથી પાંચ લોકોને ઈજા પહોંચી હતી. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે, આ બે મકાનની આસપાસના અન્ય મકાનોના પણ કાંચ તૂટી ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ, ગેસ કંપની તેમજ ફાયરની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.
આ સોસાયટીના રહીશોએ આક્ષેપ કરતા જણાવ્યું કે, આ બ્લાસ્ટ ઓએનજીસીની પાઈપલાઈનને કારણે જ થયો છે. સવારે ઓએનજીસીના અધિકારીઓ અહીં જોવા પણ આવ્યા હતા પરંતુ તેઓ ચૂપચાપ આવી જતાં રહ્યા હતા. પરંતુ તેમની ગાડી પર ઓએનજીસીનું સિમ્બોલ હતું. આ સાથે જાણવા મળી રહ્યું છે કે, સ્થાનિકોએ કાટમાળ હટાવવાની કામગીરી અટકાવી દીધી હતી અને લેખિતમાં બ્લાસ્ટનું કારણ આપવા માંગ કરી હતી.
બીજી તરફ આ અંગે ઓએનજીસી તરફથી સત્તાવાર નિવેદન આવ્યું હતું કે, અકસ્માત સ્થળે ઓએનજીસી પાઈપલાઈન જ નથી. આ ઉપરાંત રેન્જ આઈ.જી. અભય ચૂડાસમાના જણાવ્યા પ્રમાણે, આજે વહેલી સવારે ધડાકા સાથે બે મકાન ધરાશાયી થયા હતા, જેમાં બે લોકોનાં મૃત્યુ અને એક ઈજાગ્રસ્ત થયા છે. સંભવતઃ પ્રાથમિક તપાસમાં ગેસ લીકેજને કારણે આ બ્લાસ્ટ થયો હોવાનું માનવામાં આવે છે. ઓએનજીસીની પાઈપલાઈન જતી હોય ત્યાં સામાન્ય રીતે મકાન ન બની શકે એવો નિયમ છે, પણ એ તપાસનો વિષય છે.
ગાંધીનગર કલેક્ટર, કુલદીપ આર્યને આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, એફએસએલ, સાબરમતી ગેસ અને ઓએનજીસીના અધિકારીઓ સાથે અમે સ્થિતિનો તાગ મેળવ્યો છે. સાબરમતી ગેસનો સપ્લાય આખા વિસ્તારમાં છે. પ્રથમ દ્રષ્ટિએ બંધ મકાનમાં ડોમેસ્ટિક ગેસ લીકેજના કારણે આ ઘટના બની હોવાનું જણાય છે.
આ દુર્ઘટના બાદ, ત્યાંના રહીશોમાં ભારે રોષ વ્યાપી રહ્યો છે. હાલ એ લોકોની એક જ માંગ છે કે, આ દૂર્ઘટના પાછળનું ચોક્કસ કારણ અમને લેખિતમાં જણાવો. બીજી તરફ કલોલમાં બનેલી દૂર્ઘટના અંગે ગાંધીનગર લોકસભાના સાંસદ તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર કલેક્ટર તથા જિલ્લા વહીવટી તંત્ર સાથે ટેલિફોનિક વાત કરી ઘટનાની માહિતી મેળવી તેની સમીક્ષા કરી હતી. તેમજ આ દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી દિલસોજી પાઠવી હતી. આ સાથે તેમણે આ મામલે રિપોર્ટ માંગ્યો હતો.