પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સોમવારે કૃષિ કાયદાઓ અંગે કેન્દ્ર સરકાર પર નિશાન તાકતાં માગ કરી હતી કે, તેઓ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદૂર શાસ્ત્રીની ૫૫મી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે ત્યારે આ કાયદાઓ રદ કરો. શાસ્ત્રીના નારા ‘‘જય જવાન, જય કિસાન’’ની યાદ અપાવતા મમતાએ કહ્યું કે, ખેડૂતો દેશના હીરો છે. તેમણે ટિ્વટમાં લખ્યું કે, ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદૂર શાસ્ત્રીની આજે પુણ્યતિથિ છે. તેમણે આપણને પ્રેરણાદાયક સૂત્ર આપ્યું ‘જય જવાન, જય કિસાન’. અમે અમારા ખેડૂત ભાઇઓ અને બહેનો પર ગર્વ કરીએ છીએ. ખેડૂતો દેશના હીરો છે. કેન્દ્ર સરકારે અત્યારે જ ખેડૂત વિરોધી કાયદા રદ કરવા જોઇએ. ઉલ્લેખનીય છે કે, મમતા બેનરજી નવા કૃષિકાયદાઓ વિશે ખુલ્લેઆમ વિરોધ નોંધાવે છે જેનો છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીની બહાર ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમની પાર્ટી તૃણમુલ કોંગ્રેસે પણ આંદોલનને સમર્થન આપ્યું છે.