(સંવાદદાતા દ્વારા) સુરત તા.૧૯
કામરેજ તાલુકાના નવાગામ અને ખોલવડ ખાતે વરલી મટકા તથા તીન પત્તીનો જુગાર રમાડતા અડ્ડાઓ પર પોલીસે દરોડા પાડી નવાગામ ખાતેથી ૧.૬૮ લાખ તથા ખોલવડ ખાતેથી ૬૭ હજારનો મુદ્દામાલ પકડી પાડી કુલ ૭ જુગારીઓની ધરપકડ કરી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કામરેજ ગામના માહ્યાવંશી ફળિયામાં જીતુભાઈ કાંતિભાઈ માહ્યાવાંશી રહે છે. નવાગામ ખાતે ઉમા મંગલ રોડની બાજુમાં તેઓ મુંબઈથી ચાલતા વરલી મટકા પર ચાલતા જુગાર રમાડતા હતા. પોલીસે દરોડા પાડી ૧૩,૧૦૦ રોકડા, મોબાઈલ ફોન, ઓટો રિક્ષા મળી કુલ રૂા.૧.૬૮ લાખનો મુદ્દામાલ કબજે લઈ જીતુભાઈની ધરપકડ કરી હતી. જ્યારે કામરેજ ખોલવડ અકબરની વાડી પાસે તીન પત્તીનો હાર જીતનો જુગાર ૬ જણા રમતા હતા. ત્યારે પોલીસે દરોડા પાડી ૪૧,૭૦૦ રોકડા, ૪ નંગ મોબાઈલ ફોન મળી કુલ ૬૭,૭૦૦નો મુદ્દામાલ કબજે કરી તમામની ધરપકડ કરી હતી.