(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
બાળકો સાથે દુષ્કર્મ મામલે મોતની સજાની માગણી સાથે અનિશ્ચિત ભૂખ હડતાળ પર ઉતરેલ દિલ્હી મહિલા કમિશનના અધ્યક્ષ સ્વાતિ માલિવાલને એક્ટિવિસ્ટના એક જૂથે ઉપવાસનો અંત લાવવા વિનંતી કરી છે. એક્ટિવિસ્ટ જૂથે જણાવ્યું કે મૃત્યુદંડનો કાયદો બળાત્કાર માટે પ્રતિબંધક તરીકે કામ કરે છે તેવા કોઈ પુરાવા નથી. છેલ્લા નવ દિવસથી ઉપવાસ કરતાં માલિવાલને એક ખુલ્લા પત્રમાં કાર્યકર્તાઓએ જણાવ્યું કે સગીરો પર બળાત્કારીઓ માટે મૃત્યુદંડ માટેની તમારી માંગ દ્વારા મૂળભૂત મુદ્દાઓ અને ચિંતાઓ માટે અમને એકત્ર કરવા માટે જરૂરી હતા પરંતુ મૃત્યુદંડ બળાત્કાર માટે પ્રતિબંધક તરીકે કામ કરે છે તેવો કોઈ પુરાવો નથી. સજાના તીવ્ર સ્વરૂપને બદલે સજાની નિશ્ચિતતા એ સૌથી મહત્ત્વપૂર્ણ પ્રતિબંધક પરિબળ તરીકે કામ કરશે એમ કાર્યકર્તાઓએ પત્રમાં જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે મૃત્યુદંડ સામે મહિલા આંદોલનના ઘણા પ્રતિનિધિઓ સાથે માલિવાલ એક સૈદ્ધાંતિક વિરોધથી જોડાયેલા છે એમ તેમને સમજવું પડશે. કાર્યકર્તાઓએ માલિવાલ પાસે માગણી કરી કે માલિવાલે સજાના તીવ્ર સ્વરૂપને બદલે સજાની સચોટતા અને નિશ્ચિતતા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.