National

‘કાળિયાર’ના શિકારી ‘ટાઇગર’ને પાંચ વર્ષની જેલ

(એજન્સી) જોધપુર, તા. ૫
ભારતના સૌથી દિગ્ગજ અભિનેતાઓમાંથી એક સલમાનખાનને ૨૦ વર્ષ પહેલા રાજસ્થાનના જોધપુરમાં કાળિયાર હરણના શિકાર કેસમાં પાંચ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. ૫૨ વર્ષના અભિનેતાને આ કેસમાં ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકારાયો છે. આ કેસ વર્ષ ૧૯૯૮માં ‘હમ સાથ સાથ હૈં’ ફિલ્મના શૂટિંગ દરમિયાન બનેલી ઘટનાનો છે. સલમાનની જામીન અરજી પર શુક્રવારે સુનાવણી થશે. સલમાનના સાથી કલાકારો સૈફઅલી ખાન, તબ્બુ, સોનાલી બેન્દ્રે અને નીલમ કોઠારીને પુરાવના અભાવે મુક્ત કરી દેવામાં આવ્યા છે.
આ અંગે મહત્વના મુદ્દા
૧. સલમાન ખાન પોતાના લકી મનાતા બ્લેક શર્ટ સાથે કોર્ટમાં હાજર રહ્યો હતો. તેની બહેનો અલવિરા અને અર્પિતા ચુકાદા બાદ રડી પડી હતી.
૨. સલમાન ખાને સજા સંભળાયા બાદ સીધો જોધપુર સેન્ટ્રલ જેલમાં લઇજવાયો હતો જ્યાં તેને આ કેસમાં ૨૦૦૬માં પણ રાખવામાં આવ્યો હતો. સલમાન કોર્ટમાંથી બહાર આવ્યો ત્યારે બિશ્નોઇ સમાજના લોકો દ્વારા ચીચીયારીઓ પડાઇ હતી જેઓ આ કેસમાં મુખ્ય સાક્ષીઓ રહી ચુક્યા છે. સલમાનને સજાના સમાચાર વાયુવેગે પ્રસરતા સોશિયલ મીડિયા પર પણ સમગ્ર દિવસમાં તેના સમાચાર ચાલતા રહ્યા હતા.
૩. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇથી તેના જીવને જોખમ હોવાને કારણે જેલમાં લઇ જવાતા સમયે તેને ભારે સુરક્ષા આપવામાં આવી હતી. સલમાનને આશારામની બાજુની બેરેકમાં રાખવામાં આવ્યો છે જે કિશોરીના બળાત્કાર કેસમાં જેલવાસ ભોગવી રહ્યા છે.
૪. આ કેસમાં મુખ્ય સાક્ષી બનેલા બિશ્નોઇ સમાજના ગામ નજીક કાળિયાર હરણનો શિકાર કરાયો હતો. સલમાન કાળિયારના ટોળા નજીક પહોંચ્યો હતો અને બેમાંથી એકને ગોળી મારી હતી તેમ કોર્ટને કહેવાયંુ હતુું.
૫. કોર્ટે કુલ ૨૮ સાક્ષીઓને તપાસ્યા હતા જેમાં ગોળીનોઅવાજ સાંભળીને બહાર દોડી આવેલા બિશ્નોઇ સમાજના લોકોને પણ સમાવેશ થાય છે.
૬. ગામલોકોએ કહ્યું કે, તેઓએ બાઇક દ્વારા જીપ્સીનો પીછો કર્યો હતો પણ અભિનેતા જતો રહ્યો હતો. અભિનેતાઓ ગયા બાદ હરણના મૃતદેહના નિશાન મળી આવ્યા હતા.
૭. બે દશકથી વધુ ચાલેલી સુનાવણીમાં અભિનેતાએ કહ્યું હતું કે, તેની પાસે ફક્ત એરગન હતી અને તેણે તેને માર્યો નથી. કોર્ટમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં એવું કહેવાયું હતુંકે, પ્રાણી વધુ ખાવાને કારણે મોતને ભેટ્યું હતું અથવા તેને કુતરાઓએ મારી નાખ્યું હશે.
૮. ૨૦૦૯ના ઇન્ટરવ્યૂમાં સલમાને એક સમાચાર ચેનલને કહ્યું હતું કે, તેણે હરણને બચાવ્યું હતું અને તેની રક્ષા કરી હતી. અમે તેની પાછળ એક કૂતરાને દોડતો જોયો અને તેને ભગાવી હરણને પાણી આપ્યું હતું. કૂતરાઓને બિસ્કીટ આપ્યા હતા અને તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. આ તમામ વિવાદ ત્યાંથી જ શરૂ થયો છે.
૯. સલમાન ખાન ભારતના સૌથી પ્રતિષ્ઠિત અભિનેતાઓમાંથી એક છે જેના કરોડો પ્રશંસકો છે. હાલ સલમાનખાનની વિવિધ ફિલ્મો પાછળ રૂપિયા ૭૦૦ કરોડ રોકાયેલા છે જેમાં મોટા બજેટની ફિલ્મ રેસ-૩નોપણ સમાવેશ થાય છે.
૧૦. વર્ષ ૨૦૦૨માં સલમાન ખાનને હિટ એન્ડ રન કેસમાં મુક્ત કરી દેવામાં આવ્યો હતો જે મુંબઇના બાંદ્રામાં ફૂટપાથ પર સુઇ રહેલા ઘરવિહોણા લોકો પર ટોયોટા કાર ચડાવી એકની હત્યા કરવાનો કેસ હતો.
૧૧. સલમાન ખાન દોષારોપણ સામે સેસન્સકોર્ટમાં જામીન માટે અરજી કરી શકે છે. જ્યારે તે પહેલાથી જ સુનાવણી દરમિયાન જામીન પર હતો અને તેની સામે કોઇ અન્ય આરોપો લાગ્યા નથી તેથી તેના પરિવારજનો અને વકીલોનું માનવું છે કે, તેને ચોક્કસ જામીન મળી જશે.
૧૨. સરકાર સેસન્સ કોર્ટમાં સહઆરોપીઓને છોડી મુકવાના આદેશને પડકારશે તેથી આ કેસ અહીં પુરો થતો નથી.

સલમાનને આસારામની બાજુની બેરેકમાં રખાશે, જમીન પર ઊઘવું પડશે

કાળા હરણ શિકાર કેસમાં સલમાન ખાનને દોષિત જાહેર ઠેરવીને પાંચ વર્ષની જેલની સજા કરવામાં આવ્યા બાદ તેને તમામ જરૂરી વિધિ કરવામાં આવ્યા બાદ જોધપુર જેલમાં લઇ જવામાં આવ્યો હતો. સલમાન ખાનની જામીન અરજી મામલે આવતીકાલે સેશન કોર્ટમાં સુનાવણી થનાર છે ત્યારે આજે તેને જેલમાં રાત્રિ ગાળવી પડશે. સલમાનને જોધપુર સેન્ટ્રલ જેલમાં લઇ જવામાં આવ્યો હતો. જેલમાં આની તૈયારી ચુકાદો આવ્યા બાદ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં સલમાનના ચાહકો પણ જોધપુર જેલની આસપાસ પણ એકત્રિત થયા હતા. અત્રે નોંધનીય છે કે, બળાત્કારના કેસમાં દોષિત જાહેર થયેલા આસારામને આજ જેલમાં રાખવામાં આવ્યા છે. ઉપરાંત સલમાને ગુરૂવારની રાત જમીન પર સૂઇને વીતાવવી પડશે. આસારામ છેલ્લા ઘણા સમયથી જેલમાં છે. સલમાન ખાનને પણ આસારામની નજીકના બેરેકમાં રાખવામાં આવશે. સલમાન ખાનની મુશ્કેલીઓમાં સતત વધારો ફરી એકવાર થઇ ગયો છે.
સલમાનને જેલમાં મોકલવા દરમિયાન જજે
કહ્યું…‘‘ કારણ કે લોકો તેની તરફ જોઇ રહ્યા છે’’

૧૯૯૮ના કાળિયાર હરણ શિકાર કેસમાં સલમાન ખાનને સજા સંભળાવતી વખતે જોધપુર કોર્ટના જજે ભાર મુક્યો હતો કે, આરોપી ફિલ્મ સ્ટાર છે અને લોકો તેની તરફ જોઇ રહ્યા છે. સલમાન ખાનને પાંચ વર્ષની સજા સંભળાવ્યા બાદ જોધપુર સેન્ટ્ર્‌લ જેલમાં લઇ જવાયો હતો. જજે કહ્યું હતું કે, જ્યારે આરોપી ફિલ્મ સ્ટાર છે જ્યારે લોકો તેનીતરફ જોઇ રહ્યા છે અને તેણે નિર્દોષ હરણની હત્યા કરી છે કારણ કે અહીં પીછો કરીને શિકાર કરાયો છે. વર્ષ ૨૦૦૨માં સલમાન ખાનને હિટ એન્ડ રન કેસમાં મુક્ત કરી દેવામાં આવ્યો હતો જે મુંબઇના બાંદ્રામાં ફૂટપાથ પર સુઇ રહેલા ઘરવિહોણા લોકો પર ટોયોટા કાર ચડાવી એકની હત્યા કરવાનો કેસ હતો.

સલમાનને પાંચ વર્ષનીસજાને કારણે રેસ-૩ ફિલ્મ પર સંકટના વાદળો

સુપરસ્ટાર સલમાન ખાન બે દશક જુના કાળિયાર હરણ શિકાર કેસમાં દોષિત સાબિત થયો છે. જોધપુર કોર્ટે આ કેસમાં સલમાનને દોષિત ઠરાવ્યો હતો જ્યારે અન્ય આરોપીઓને છોડી મુક્યા હતા. અદાલતે તબ્બુ, સૈફઅલી ખાન, સોનાલી બેન્દ્રે અને નીલન કોઠારીને નિર્દોષ જાહેર કર્યા હતા જ્યારે સલમાનને પાંચ વર્ષ કેદની સજા સંભળાવી હતી. સલમાન જો જેલમાં જાય તો તેને ૧,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થઇ શકે છે. નિષ્ણાતો અનુસાર જો સલમાને જેલમાં જવું પડે તો ૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થશે. સલમાન હાલ ત્રણ ફિલ્મો (રેસ-૩, ભારત અને દબંગ-૩)માં કામ કરી રહ્યો છે. રેસ-૩નું શૂટિંગ તાજેતરમાં પુરૂ કરી સલમાન અબુધાબીથી પરત ફર્યો હતો. અભિનેતાને રેસ-૩ માટે કોર્ટમાંથી પોસ્ટ પ્રોડક્શન વર્ક સમાપ્ત કરવાનો સમય મળી જશે. જ્યારે ભારત અને દબંગ-૩ના શૂટિંગનું કામ શરૂઆતના તબક્કામાં જ છે. સલમાનને સજાની સૌથી મોટી અસર તેના શો પર પડશે. સોની ટીવી પર તે વહેલી તકે દસ કા દમ શો લઇને આવનારો છે. ફિલ્મો અને ટીવી શો ઉપરાંત સલમાનને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટને કારણે પણ ભારે નુકસાન ઉઠાવવું પડી શકે છે.

કાળિયાર શિકાર કેસમાં બોલિવૂડ અભિનેતાઓને
મુક્ત કરવા વિરૂદ્ધ અમે અપીલ કરીશું : બિશ્નોઇ સમાજ

સલમાન ખાનને સજા અને અન્ય ચારને મુક્તકરવાને કારણે બિશ્નોઇ સમાજ ભારે નારાજ છે અને માગ કરી રહ્યા છે કે, સરકારે કોર્ટના આ નિર્ણયને ઉપરી અદાલતમાં પડકારવો જોઇએ. આ મામલે સમાજના લોકોની સાક્ષી પણ મહત્વની સાબિત થઇ છે. રાજસ્થાનનો આ બિશ્નોઇ સમાજ જોધપુર પાસે પશ્ચિમી થાર રણનો મૂળ નિવાસી છે. આ સમાજને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ માટે ઓળખવામાં આવે છે. આ સમાજના લોકો પશુઓને ભગવાનનો દરજ્જો આપે છે. બિશ્નોઇ વીસ(૨૦) અને નવ(૯) મળીને બને છે. આ સમાજના લોકો ૨૯ નિયમોનું પાલન કરે છે. જેમાંથી એક નિયમ શાકાહારી રહેવું અને વૃક્ષો કાપવા નહીં પણ સામેલ છે. આ ઉપરાંત પણ ૨૭ નિયમોનું તેઓ ચુસ્તપણે પાલન કરે છે.

સલમાનને આસારામ બાપુ અને શંભુનાથ રાયગરવાળી જેલમાં મોકલાયો

કાળિયાર હરણ શિકાર કેસમાં સલમાન ખાનને મુખ્ય આરોપી તરીકે દોષિત ઠેરવતા જોધપુર કોર્ટે પાંચ વર્ષ કેદની સજા સંભળાવી છે જ્યારે ૧૦ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ૨૦૦૨ના મુંબઇના હિટ એન્ડ રન કેસની જેમ સલમાન આ કેસમાં લકી સાબિત થઇ ન શક્યો. બોલિવૂડના ભાઇને જોધપુરની સેન્ટ્ર્‌લ જેલમાં બેરેક નં.૧માં રાખવામાં આવશે. દરમિયાન પોલીસેકહ્યું કે, સલમાનને કોઇ ખાસ સુવિધા આપવામાં નહીં આવે. જેલ સુપ્રિન્ટેન્ડેન્ટ વિક્રમસિંહે કહ્યંુ કે, અમે બેરેકને સાફ કરાવી દીધી છે. અહીં ટોઇલેટની સારી સુવિધા છે જોકે, બેરેકમાં કૂલર કે એસીની કોઇ સુવિધા નથી ફક્ત પંખો છે. બની બેઠેલા બાબા આસારામ બાપુને ત્રીજી ઓગસ્ટ ૨૦૧૩ના રોજ ૧૬ વર્ષની શાળાની છોકરી પર બળાત્કારના કેસમાં દોષિત જાહેર થતા જેલની સજા કરવામાં આવી હતી. ૭૬ વર્ષના બાબા પર કિશોરીને તેમના આશ્રમમાં માર મારવાનો પણ આરોપ છે. બીજી તરફ રાજસમંદના લવ જિહાદ કેસમાં મુખ્ય આરોપી શંભુનાથ રાયગરને ડિસેમ્બર ૨૦૧૭માં જોધપુરની સેન્ટ્રલ જેલમાં મોકલાયો હતો. તેણે મોહંમદ અફરાઝુલ નામની વ્યક્તિની કથિત લવ જિહાદના આરોપ હેઠળ ઘાતકી હત્યા કરી દીધી હતી. તેણે પોતાના ભત્રીજાને સાથે રાખી આ હત્યાનો સમગ્ર વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર વાઇરલ કરી મુસ્લિમોને લવ જિહાદ મુદ્દે ધમકીઓ આપી હતી અને કહ્યું હતું અન્યોનો પણ આવો જ હાલ થશે.
સલમાનને જેલમાં મોકલનારા બિશ્નોઇ સમાજ માટે શા માટે કાળિયાર આટલું મહત્વ ધરાવે છે ?

હમ સાથ સાથ હૈ ફિલ્મના શૂટિંગ દરમિયાન કાળિયાર હરણના શિકાર બદલ બોલિવડના સુપરસ્ટાર સલમાન ખાનને પાંચ વર્ષની સજા જોધપુર કોર્ટે સંભળાવી છે. જ્યારે સહઅભિનેતાઓને પુરાવાના અબાવે મુક્ત કરી દેવામાં આવ્યા છે. સલમાન ખાનને સજા અને અન્ય ચારને મુક્તકરવાને કારણે બિશ્નોઇ સમાજ ભારે નારાજ છે અને માગ કરી રહ્યા છે કે, સરકારે કોર્ટના આ નિર્ણયને ઉપરી અદાલતમાં પડકારવો જોઇએ. આ મામલે સમાજના લોકોની સાક્ષી પણ મહત્વની સાબિત થઇ છે. રાજસ્થાનનો આ બિશ્નોઇ સમાજ જોધપુર પાસે પશ્ચિમી થાર રણનો મૂળ નિવાસી છે. આ સમાજને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ માટે ઓળખવામાં આવે છે. આ સમાજના લોકો પશુઓને ભગવાનનો દરજ્જો આપે છે. બિશ્નોઇ વીસ(૨૦) અને નવ(૯) મળીને બને છે. આ સમાજના લોકો ૨૯ નિયમોનું પાલન કરે છે. જેમાંથી એક નિયમ શાકાહારી રહેવું અને વૃક્ષો કાપવા નહીં પણ સામેલ છે. આ ઉપરાંત પણ ૨૭ નિયમોનું તેઓ ચુસ્તપણે પાલન કરે છે.

હમ સાથ સાથ (નહીં) હૈં ? જોધપુર કોર્ટમાં જ્યારે
સલમાનને સૈફ, તબ્બુએ એકલો છોડી દીધો


તે બોલિવૂડનો ‘ભાઇજાન’ છે સલમાન પોતાની કુદરતી ભેટ માનવતા માટે જાણીતો છે અને હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા યુવા કલાકારો માટે ગોડફાધર તરીકે વિખ્યાત છે. પણ એવો સમય પણ આવ્યો જ્યારે તેને એકલો છોડી દેવાયો. ૧૯૯૮ના કાળિયાર શિકાર કેસમાં જોધપુર કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દેવકુમાર ખત્રીએ ચુકાદો સંભળાવ્યો ત્યારે સલમાન ખાન પોતાની બહેનો અલવિરા, અર્પિતા અને બોડીગાર્ડ શેરા સાથે કોર્ટ રૂમમાં એકલો ઉભો હતો. સૈફઅલી ખાન, તબ્બુ અને નીલમ સહિતના તેના સહકલાકારો અને સહઆરોપી તથા હમ સાથ સાથ હૈં ફિલ્મના સાથી કલાકારો ચુકાદો આવ્યા બાદ સલમાનને એકલો છોડી જતા રહ્યા હતા. પહેલી ઓક્ટોબર ૧૯૯૮ની રાતે આ તમામ કલાકારો સલમાનની સાથે જીપ્સીમાં જ હતા. તેઓ પર અપરાધને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગ્યો હતો. નીલમના પતિ સમીર સોનીએ રાહત વ્યક્ત કરતા કહ્યું કે, અમે આ માટે ખુશ છીએ પરંતુ સલમાન માટે દુઃખ છે. આ કેસમાં યોગ્ય રીતે ન્યાય અપાયો નથી. હું તે માટે સારૂ અનુભવી રહ્યો નથી.
સલમાનખાનને સજા થતાં ૧૦૦૦ કરોડ રૂપિયાના પેન્ડિંગ પ્રોજેક્ટનું નુકસાન થઇ શકે

સુપરસ્ટાર સલમાન ખાન બે દશક જુના કાળિયાર હરણ શિકાર કેસમાં દોષિત સાબિત થયો છે. જોધપુર કોર્ટે આ કેસમાં સલમાનને દોષિત ઠરાવ્યો હતો જ્યારે અન્ય આરોપીઓને છોડી મુક્યા હતા. અદાલતે તબ્બુ, સૈફઅલી ખાન, સોનાલી બેન્દ્રે અને નીલન કોઠારીને નિર્દોષ જાહેર કર્યા હતા જ્યારે સલમાનને પાંચ વર્ષ કેદની સજા સંભળાવી હતી. સલમાન જો જેલમાં જાય તો તેને ૧,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થઇ શકે છે. નિષ્ણાતો અનુસાર જો સલમાને જેલમાં જવું પડે તો ૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થશે. સલમાન હાલ ત્રણ ફિલ્મો (રેસ-૩, ભારત અને દબંગ-૩)માં કામ કરી રહ્યો છે. રેસ-૩નું શૂટિંગ તાજેતરમાં પુરૂ કરી સલમાન અબુધાબીથી પરત ફર્યો હતો. અભિનેતાને રેસ-૩ માટે કોર્ટમાંથી પોસ્ટ પ્રોડક્શન વર્ક સમાપ્ત કરવાનો સમય મળી જશે. જ્યારે ભારત અને દબંગ-૩ના શૂટિંગનું કામ શરૂઆતના તબક્કામાં જ છે. સલમાનને સજાની સૌથી મોટી અસર તેના શો પર પડશે. સોની ટીવી પર તે વહેલી તકે દસ કા દમ શો લઇને આવનારો છે. ફિલ્મો અને ટીવી શો ઉપરાંત સલમાનને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટને કારણે પણ ભારે નુકસાન ઉઠાવવું પડી શકે છે.

બેડ બોય સલમાનખાન ગુડ બોય પણ છે

કાળિયારના શિકારના કેસમાં સલમાનખાનને ૫ વર્ષના કારાવાસની સજા કરવામાં આવી છે. સલમાનખાન માત્ર બેડ બોય નથી, તે ઘણા સારા કાર્યો પણ કરે છે. બોલિવૂડમાં મોટા મનના ‘ભાઇ’ તરીકેની પણ સલમાનખાની ઓળખ છે. તે બીઇંગ હ્યુમન નામની એનજીઓ ચલાવે છે અને સખાવતી કાર્યોમાં પણ જંગી ફાળો આપે છે. બીઇંગ હ્યુમને મહારાષ્ટ્રમાં અને રાજ્ય બહાર ઘણા ગામો દત્તક લીધા છે. ગરીબ બાળકોના શિક્ષણ માટે તે સહાય કરે છે. ફિલ્મ ઉદ્યોગના કર્મચારીઓને તે તબીબી સહાય પણ કરે છે.

સલમાનખાન અંગે લોકો દ્વિધામાં

સલમાનખાન અંગે હંમેશ લોકોનો વિભાજિત અભિપ્રાય રહ્યો છે.એવું માનવામાં આવે છે કે બુદ્ધિજીવીઓ અને વધુ ભણેલો વર્ગ તેનાથી નફરત કરે છે જ્યારે સામાન્ય લોકોમાં તે બહુ લોકપ્રિય છે અને લોકો તેને પ્રેમ કરે છે. કાળિયાર કેસમાં તેને સજા થયા બાદ કોેમવાદી અને કટ્ટરવાદી વિચારસરણી ધરાવતા લોકો ખુશ થયા છે અને કહે છે કે આ કેસમાં ન્યાય થયો છે. સલમાનખાનને ગુજરાતમાં મોદી સાથે પતંગ ચગાવતો જોવામાં આવ્યો હતો અને મોદી સરકાર સામે તેણે હજી સુધી એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં હોવાથી મોદી વિરોધી ઉદારવાદીઓ સલમાનને પસંદ કરતા નથી. તેને સજા થવાથી તેઓ પણ ખુશ છે. જ્યારે તેના લાખો ફેન્સ હતાશ થઇ ગયા છે.

‘બોલિવૂડના સુધરેલા બેડ બોય’ સલમાનને કાળિયારની
હત્યામાં પાંચ વર્ષની સજા : વિદેશી મીડિયા


ર૦ વર્ષની કાનૂની લડત આપ્યા બાદ બોલિવૂડના ખ્યાતનામ અભિનેતા સલમાનખાનને કાળિયાર હરણના શિકાર કેસમાં દોષિત જાહેર થતાં પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. ૧૯૯૮માં ફિલ્મની શૂટિંગ દરમિયાન ઓછી સંખ્યામાં રહેલા કાળિયાર હરણનો પીછો કરી શિકાર કરવાનો અહીના બિશ્નોઈ સમાજના લોકોએ સલમાન અને સાથી કલાકારો પર આરોપ લગાવ્યો હતો. અગાઉ સલમાન બે સમાન શિકાર કેસમાં નિર્દોષ સાબિત થયો હતો તેથી આ ચુકાદો આંચકાજનક હતો. આ ઉપરાંત તે ર૦૧પમાં હિટ એન્ડ રન કેસમાં પણ નિર્દોષ સાબિત થયો હતો. આ અંગે એક સમાચાર એન્કરે ચુકાદો સંભળાવતા કહ્યું કે, ભારતમાં એવી માન્યતા છે કે, ધનિક અને શક્તિશાળી લોકોને કાયદામાંથી છટકબારી મળી જાય છે. અંતે આજે ન્યાયની માન્યતા પૂરી થઈ છે. ભારતીય મીડિયાએ કહ્યું કે, મોટી સંખ્યામાં પ્રશંસકો ઉપસ્થિત હોવાથી સલમાનની ફરતે કડક સુરક્ષા ગોઠવાઈ હતી. સલમાનખાને પોતાની કારકિર્દી સાથે અદાલતી કેસોનો પણ સામનો કર્યો છે. જેમાં પૂર્વ પ્રેમિકા એશ્વર્યા રાયને હેરાન કરવાનો કેસ પણ સામેલ હતો.
સલમાન દોષિત સાબિત થયો છતાં બોલિવૂડ ભાઇજાનની પડખે

૧૯ વર્ષ પહેલાના કાળિયાર હરણ કેસમાં બોલિવૂડના સુપર સ્ટાર સલમાન ખાનને જોધપુર કોર્ટ દ્વારા સજા સંભળાવ્યા બાદ દુઃખ વ્યક્ત કરતા રાજ્યસભાના સાંસદ જયા બચ્ચને કહ્યું હતું કે, અભિનેતાને તેના માનવીય કામો માટે રાહત આપવી જોઇતી હતી. જયાએ કહ્યું, મને ઘણુ ખરાબ લાગી રહ્યું છે, તેને રાહત મળવી જોઇતી હતી, તેણે ઘણા માનવીય કામો કર્યા છે. આ પહેલા દિવસ દરમિયાન ૧૯૯૮માં કાળિયાર હરણના શિકાર કેસમાં બોલિવૂડના સ્ટાર સલમાન ખાનને પાંચ વર્ષની જેલની સજા સંભળાવાઇ હતી. જ્યારે સોનાલી બેન્દ્રે, સૈફ અલીખાન અને તબ્બુ તથા નીલમને પુરાવાના અભાવે છોડી મુકાયા હતા. સલમાન ખાનને સજા થતા બોલિવૂડના અન્ય કલાકારો પણ તેની પડખે રહ્યા હતા અને તેને સજા માટે બોલિવૂડના તમામ દિગ્ગજ કલાકારોએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તમામનું કહેવું હતું કે, તેણે ભલાઇના કામો કર્યા હોવાથી માનવીય ધોરણે સલમાનને રાહત આપવી જોઇએ.

લઘુમતી હોવાને કારણે સલમાન ખાનને સજા થઇ : પાક. વિદેશ મંત્રી ખ્વાજા આસિફ

પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફે સલમાન ખાનને જોધપુર કોર્ટ દ્વારા કાળિયાર કેસમાં સજા સંભળાવ્યા બાદ કહ્યું છે કે, આ સજા ભેદભાવયુક્ત છે. પાકિસ્તાનના જીયો ટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, અભિનેતાને એ માટે સજા કરવામાં આવી કારણ કે, તે લઘુમતી છે. સલમાન ખાનને કોર્ટે પાંચ વર્ષની સજા સંભળાવી હતી જ્યારે સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ અને સોનાલી બેન્દ્રે તથા સ્થાનિક દુષ્યંતસિંહને પુરાવના અભાવે શંકાનો લાભ આપી છોડી મુકાયા હતા. સજા સંભળાવ્યા બાદ ૫૨ વર્ષના અભિનેતાને પોલીસ જીપમાં જેલમાં લઇ જવાયો હતો. સલમાને આ પહેલા ૧૯૯૮, ૨૦૦૬ અને ૨૦૦૭માં કાળિયાર શિકાર કેસમાં જોધપુર જેલમાં જવાનો વારો આવ્યો હતો.

સલમાને આનંદ માણવા કાળિયારનો શિકાર કર્યો : જોધપુર કોર્ટનો આદેશ

બોલિવૂડ અભિનેતા સલમાનખાનને ૧૯૯૮ના કાળિયાર શિકાર કેસમાં જોધપુરનીે કોર્ટે પાંચ વર્ષની સજા ફટકારી છે. આ કેસના અન્ય આરોપીઓ સૈફ અલીખાન,તબુ, સોનાલિ બેન્દ્રે, નીલમ અને દુશ્યંતસિંહને દોષમુક્ત જાહેર કર્યા છે. બોલિવૂડ સુપરસ્ટારનું ભાવ હવે તેની જામીન અરજીની સુનાવણી પર નિર્ભર છે. જોધપુરની સેશન્સ કોર્ટમાં તેના વકીલો દ્વારા જામીન અરજી રજૂ કરાશે. શુક્રવારે સવારે ૧૦-૩૦ વાગે જામીન અરજીની સુનાવણી થશે.
કોર્ટનો આદેશ શું કહે છે
સલમાન ખાન બે કાળિયારના શિકાર માટે દોષિત જણાયો છે, કાળિયારની હત્યા ગંભીર ગુનો છે.
• આરોપી પ્રખ્યાત ફિલ્મ અભિનેતા છે અને તેના કોઇ પણ કૃત્યનું લોકો અનુકરણ કરે છે, આ બાબત અભિનેતા જાણતો હોવાછતાં તેણે કાળિયારને મારી નાખ્યા.
• તેણે આનંદ માણવા માટે કાળિયારનો શિકાર કર્યો.
• વન્ય જીવન કાયદાની કલમ ૫૧ હેઠળ આરોપીને ૫ાંચ વર્ષની સજા કરાઇ છે.
• જો આરોપી દંડ નહીં ભરે તો તેને વધુ ૩ મહિના કારાવાસ ભોગવવો પડશે.

સલમાનખાન જેલમાં જતા સાજીદ નડીયાદવાલા ‘બાગી-૨’ની પાર્ટી કેન્સલ કરીને મિત્રને મળવા દોડી ગયા

(એજન્સી) મુંબઇ, તા.૫
સલમાન ખાન અને સાજીદ નડીયાદવાલા ૧૯૯૬થી સારા મિત્ર તરીકે જળવાઇ રહ્યા છે. તેથી સલમાનને ૧૯૯૮ના કાળિયાર હરણના શિકાર કેસમાં સજા સંભળાવવામાં આવી કે તરત જ સાજીદે પોતાના બધા કાર્યક્રમ પડતા મુકી પોતાના મિત્રને મળવા જવાનું નક્કી કર્યું. સલમાનને આ કેસમાં પાંચ વર્ષની જેલ તથા ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારાયો છે. અભિનેતા હાલ જોધપુરની સેન્ટ્રલ જેલની બેરેક નંબર બેમાં છે અને અહીં જ રાતવાસો કરવો પડ્યો હતો. સાજીદ નડીયાદવાલા હાલ પોતાની ફિલ્મ બાગી-૨ની સફળતાની ઉજવણી કરી રહ્યા છે જેણે ફિલ્મના એક અઠવાડિયા કરતા ઓછા સમયમાં ૧૦૦ કરોડથી વધુ કમાણી કરી લીધી છે. જોકે, કાળિયાર કેસમાં ચુકાદાની સુનાવણીને લીધે તેમણે પોતાની પાર્ટી કેન્સલ કરીને જયપુર માટે નીકળી ગયા હતા. સલમાનની જામીન અરજીની સુનાવણી શુક્રવારે સવારે ૧૦.૩૦ કલાકે થયા તેવી સંભાવના છે. ડાયરેક્ટર અને પ્રોડ્યુસર સાજીદ નડીયાદવાલાએ સલમાન સાથે જુડવા અને મુઝસે શાદી કરોગી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેમણે ૨૦૧૪ની કિક ફિલ્મને પણ તેમણે પ્રોડ્યુસ કરી છે જે અંગે તેમણે ફિલ્મની સિક્વલ બનાવવાની તાજેતરમાં જ જાહેરાત કરી હતી આ ફિલ્મ ૨૦૧૯માં ક્રિસમસ પર આવે તેવી સંભાવના છે. કિક-૨માં જેકલીન ફર્નાન્ડીઝ મુખ્ય અભિનેત્રીના રોલમાં જોવા મળી શકે છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

  મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
  Read more
  NationalPolitics

  દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

  કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
  Read more
  National

  અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

  એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.