(એજન્સી) તા.૨પ
૭, જાન્યુ.ના રોજ કેન્દ્ર સરકારે ઓલ ઇન્ડિયા સર્વિસ ઓફિસર્સની જમ્મુ અને કાશ્મીર કેડરનું એજીએમયુટી કેડરમાં વિલીનીકરણ કરવા માટે એક વટહુકમ જાહેર કર્યો છે. એજીએમયુટીનો અર્થ થાય છે અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ અને કેન્દ્રશાસિત પ્રદેશો એટલે કે યુનિયન ટેરીટરી. ઓલ ઇન્ડિયા સર્વિસીઝનો ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટીવ સર્વિસ, ઇન્ડિયન પોલીસ સર્વિસ અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસનો સમાવેશ થાય છે. અન્ય રાજ્યોની જેમ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યમાં પોતાની ઓલ ઇન્ડિયા સર્વિસીઝની કેડર હતી, પરંતુ તેના વિશિષ્ટ બંધારણીય દરજ્જાને ધ્યાનમાં રાખીને તેના ઓલ ઇન્ડિયા સર્વિસ ઓફિસર્સમાંથી માત્ર ૫૦ ટકાની જ યુપીએસઇ પરીક્ષા દ્વારા સીધી ભરતી થતી હતી અને બાકીના ૫૦ ટકા કાશ્મીર એડમિનિસ્ટ્રેટીવ સર્વિસ ઓફિસર્સમાંથી આવતાં હતાં કે જેમણે ઓલ ઇન્ડિયા સર્વિસમાં બઢતી આપવામાં આવતી હતી. જ્યારે અન્ય રાજ્યના કિસ્સામાં આ રેશિયો ૬૭-૩૩નો હતો. ૫,ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરે તેનો વિશિષ્ટ દરજ્જો ગુમાવતાં અહીં પણ ૬૭-૩૩નો નિયમ લાગુ પડે છે જેને કારણે કાશ્મીર એડમિનિસ્ટ્રેટીવ સર્વિસ ઓફિસર્સ માટેની જગ્યાઓની સંખ્યા ઘટાડવી પડે છે. આમ હવે જમ્મુ અને કાશ્મીર કેડર સ્વયં એજીએમયુટી કેડરમાં વિલીન થઇ જતાં કાશ્મીર ખીણમાં મહત્વના અધિકારીઓના સ્થાને કાશ્મીરીઓની હાજરીમાં વધુ ઘટાડો થયો છે. આમ કાશ્મીરને નવી બ્યુરોક્રેસી મળી છે જેમાં સ્થાનિક લોકો ઓછા છે અને બહારના અધિકારીઓ વધુ છે કારણ કે હવે ઓલ ઇન્ડિયા સર્વિસીઝની જમ્મુ-કાશ્મીર કેડરનું અસ્તિત્વ મટી ગયું છે. આથી સરકારમાં ટોચની રેંકના પદ પર કાશ્મીરીઓ અદ્રશ્ય થતાં એક પ્રકારનો અજંપો પ્રવર્તે છે. જેમ કે વર્તમાન લેફ. ગવર્નર મનોજસિંહા અને તેમના સલાહકારોમાંથી કોઇ પણ અધિકારી કાશ્મીર ખીણના નથી. સિવિલ સર્વિસીઝના બંધારણમાં બદલાવથી અસંતોષ અને અજંપો વધશે એવું પૂર્વ બ્યુરોક્રેટ્સ જણાવે છે. વાસ્તવમાં ૨૦૦૯માં નિવૃત્ત થતાં પહેલા જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ બનનાર મોહમદ શફી પંડિતે જણાવ્યું હતું કે ૧૯૪૭થી જ્યાં અનેક સમસ્યાઓ છે એવા સંવેદનશીલ રાજ્યમાં સ્થાનિક અધિકારીઓની આવશ્યકતા છે કે જેઓ સ્થાનિક લોકો અને તેની સમસ્યાઓને સમજી શકે.