(એજન્સી) તા.૮
કેન્દ્ર સરકારના દ્રષ્ટિકોણથી તાજેતરમાં સમાપ્ત થયેલ વર્ષ કાશ્મીર મોરચે એક પ્રકારના વિજયનો નિર્દેશ આપે છે. રાજ્યનો દરજ્જો ગુમાવવા અને રાજ્યના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજનના પગલે ખાસ બંધારણીય દરજ્જો નાબૂદ થવાથી રાજ્યમાં સર્જાયેલ અરાજક સ્થિતિમાંથી હજુ કાશ્મીર ખીણ બહાર આવી નથી એ હકીકત છતાં આ વર્ષ શાંતિથી પસાર થયું હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ૨૦૨૦ના આરંભે મને પૂછ્યું હતું કે જો કાશ્મીરીઓ આ બધા નિર્ણયોથી ખરેખર રોષે ભરાયેલા હોય તો અજંપો કે અશાંતિ ક્યાં છે ? શું તમે કાશ્મીરમાં કોઇ અસામાન્ય ઘટના બનતી જોઇ છે ? પરંતુ જો ઘટનાનો પ્રામાણિકપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો તેના પરથી એવો નિર્દેશ મળે છે કે કેન્દ્ર એવા દુરોગામી ફેરફારો કરી રહી છે જેના કારણે કાશ્મીરીઓના જીવનમાં મોટા પાયે બદલાવ આવશે. આ માટે કેન્દ્ર કેટલીક કડક કાર્યવાહી કરી રહી છે અને ખાસ કરીને વિરોધ કે પ્રતિકાર કરનાર લોકોના અવાજને ગુંગળાવીને દબાવી દેવામાં આવે છે કે જેથી કોઇ પ્રભાવક વિરોધ પક્ષનો અવાજ ઊભો થાય નહીં. આ ઉપરાંત પોતાનું વિધાનગૃહ હોવાના કાશ્મીરીઓના અધિકારો સ્થગિત થયેલા છે. એટલું જ નહીં વિરોધ કરવાનો કે એકત્ર થવાનો અધિકાર નકારવામાં આવી રહ્યો છે, અખબારી સ્વાતંત્ર પર કાપ મૂકવામાં આવી રહ્યો છે. જો આ બધી બાબતો સત્તાધીશો માટે વિજયનો નિર્દેશ આપતી હોય તો સામાન્ય ભારતીયો પણ કાશ્મીરીઓનો અવાજ દબાવીને તેમને વશ કરવા પર ગર્વ અને પોરસ અનુભવે છે. આમ એક વર્ષમાં કાશ્મીરીઓના અવાજ દબાવવા જેવા પગલાથી લઇને કાશ્મીરમાં જે સામાન્ય સ્થિતિ પ્રવર્તે છે તે માટે ઘણો ભોગ આપવો પડ્યો છે. લોકોના અધિકારો છિનવાઇ ગયાં છે. દમન અને દબાણ હેઠળ કાશ્મીરમાં સામાન્ય સ્થિતિ હોવાનો દાવો કરવામાં આવે છે. કાશ્મીરમાં કલમ ૧૪૪નો અમલ હજુ પણ જારી છે. આતંકવાદ સંબંધીત કેસમાં ધરપકડ કરાયેલ બે ટકા લોકોને કાશ્મીરમાં સજાઓ થઇ છે અને તેથી વહન ક્ષમતા કરતાં વધુ પ્રમાણમાં કેદીઓથી કાશ્મીરની જેલો ઊભરાઇ રહી છે જેમાં ૯૦ ટકા કાચાકામના કેદીઓ છે. આમ આ એ વાતને સમર્થન આપે છે કે જમ્મુ અને કાશ્મીરમાં સત્તાધીશોએ કઇ રીતે સામુહિક અટકાયતના હથિયારનો અપરાધ ઘટાડવા માટે જ નહીં પરંતુ શાંતિપૂર્ણ રીતે રાજકીય એકત્રીકરણનો અધિકારને ડામવા માટે ઉપયોગ કર્યો છે. કોઇ પણ રાજકીય નિષ્ણાત જણાવશે કે શાંતિપૂર્ણ રાજકીય કાર્યવાહીનું આ હિંસક દમન છે જે આખરે હિંસક આતંકવાદી પ્રતિસાદને જન્મ આપે છે.
(સૌ. : ધ વાયર.ઈન)